પુણેકર શંકર મોકાશી

January, 1999

પુણેકર, શંકર મોકાશી (. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાં તેઓ અંગ્રેજી સાહિત્ય શીખવતા હતા અને ત્યાંથી પ્રોફેસર-પદેથી નિવૃત્ત થયા.

તેમણે અંગ્રેજીમાં 17 પુસ્તકો તથા કન્નડમાં 13 પુસ્તકો લખ્યાં છે. તેમાં 5 નવલકથાઓ, 3 કાવ્યસંગ્રહો અને 3 વિવેચન-ગ્રંથો છે. તેમણે કુવેમ્પુના ‘શ્રી રામાયણદર્શનમ્’નું અંગ્રેજીમાં પદ્યરૂપાંતર કર્યું છે. ‘મોહેં-જો-દડો સીલ્સ’ તથા ‘હરિજન કંટ્રિબ્યૂશન ટુ મેડીવલ ઇન્ડિયન થૉટ્સ’ એ તેમની અન્ય મહત્ત્વની રચનાઓ છે. ડબ્લ્યૂ. બી. યેટ્સ તથા કેન્દ્રીય-અંગ્રેજી સાહિત્ય પરનાં તેમનાં લખાણોથી તેમને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. તેઓ કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય હતા.

પુરસ્કૃત કૃતિ વેદકાલીન વાતાવરણમાં આલેખાયેલી રાજકીય નવલકથા છે અને તેમાં વેદ તથા પુરાણોમાં ઉલ્લેખાયેલાં ઉપાખ્યાનોની ભૂમિકા છે. પુરસ્કૃત કૃતિમાં પ્રગટ થતી લેખકની વિદ્વત્તા તેમજ ભૂતકાલીન કેન્દ્રીય ઇતિહાસમાં ઢંકાઈ રહેલાં પ્રકરણો વિશેની તેમની સૂક્ષ્મ સૂઝ તથા તે બધાંને જીવંત રીતે આલેખવાનું તેમનું રચના-કૌશલ ઉલ્લેખનીય છે.

મહેશ ચોકસી