પુટ્ટાસ્વામૈયા બી.

January, 1999

પુટ્ટાસ્વામૈયા, બી. (. 24 મે 1897; . 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા પત્રિકે’ તથા ‘જનવાણી’ના તેઓ તંત્રી હતા. ‘પ્રજાવાણી’ નામના અગ્રણી દૈનિકના તેઓ પ્રથમ તંત્રી રહ્યા હતા. ગુબ્બી વિરાન્નાની વિખ્યાત ગુબ્બી કંપની માટે નાટ્યલેખક તરીકે કામ કરવા તેમણે ઉપરાંત કેટલીક કન્નડ ફિલ્મોની પટકથાઓ પણ – લખી છે. બસવન્નાના જમાનાને આલેખતી ‘ક્રાન્તિકલ્યાણ’ (1963) તેમની ઐતિહાસિક નવલકથા છે. 1964માં આ કૃતિને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. કન્નડ પત્રકારત્વમાં તેમની સેવા માટે 1971માં તેમને જન્મભૂમિ ટ્રસ્ટનો ઍવૉર્ડ મળ્યો હતો.

પુટ્ટાસ્વામૈયાએ ઐતિહાસિક, સામાજિક તેમજ પૌરાણિક કથાવસ્તુવાળાં 18 નાટકો લખ્યાં છે. તેમનું પ્રથમ નાટક ‘શાહજહાં’ 1926માં પ્રકાશિત થયું હતું. નાટ્યકળા વિશેની તેમની સૂઝ પ્રશંસનીય હતી. જે સમયે સંગીત અને પદ્ય વ્યવસાયી રંગભૂમિ પર પ્રભુત્વ ધરાવતાં હતાં તે સમયે થોડોક સંઘર્ષ વેઠીને પણ તેમણે ગદ્યને લોકપ્રિય બનાવ્યું હતું. તેમના પ્રદેશની વ્યવસાયી રંગભૂમિના તેઓ સૌથી વધુ લોકપ્રિય નાટ્યલેખક સાબિત થયા હતા. ‘ગૌતમ બુદ્ધ’, ‘યાજ્ઞસેની’, ‘આક્કા મહાદેવી’, ‘સતી તુલસી’, ‘કુરુક્ષેત્ર’, ‘દશાવતાર’ વગેરે મારફતે તેમણે નાટ્યક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

બારમી સદીમાં થઈ ગયેલા બસવેશ્વર અને બીજા શિવભક્તોના પ્રભુત્વવાળા ધાર્મિક તેમજ સામાજિક જમાનાને પુનર્જીવિત કરીને પુટ્ટાસ્વામૈયાએ સંખ્યાબંધ ઐતિહાસિક નવલકથાઓ પણ લખી છે. આ સાહિત્યસ્વરૂપમાં તેમનો રસ છેવટ સુધી જળવાઈ રહ્યો હતો. તેમની ‘રૂપલેખા’, ‘ચાલુક્ય થાઈલાપા’, ‘તેજસ્વિની’, ‘કલ્યાણેશ્વર’ અને ‘નાગભંદા’ નવલકથાઓ પ્રખ્યાત છે. ‘દુર્ગાસપ્તશતી’નો તેમણે કન્નડ ભાષામાં અનુવાદ પણ કર્યો છે.

રમેશ મં. ત્રિવેદી