પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને વાયવ્યમાં તિરુચિરાપલ્લી જિલ્લો, અન્ના જિલ્લાની સરહદ તથા મદુરાઈ જિલ્લો આવેલાં છે. જિલ્લાનો વિસ્તાર 4,649 ચોકિમી. જેટલો અને વસ્તી 16,18,725 જેટલી (2011) છે. પૉલ્કની સામુદ્રધુનીનો કિનારો વેલ્લાર નદીના ત્રિકોણપ્રદેશથી બનેલો છે. આ જિલ્લો કોરોમંડલ કિનારાનો થોડોક ભાગ આવરી લે છે.

અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપેદાશો પર આધારિત છે; મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, કઠોળ, શેરડી, કપાસ, મગફળી અને તલનો સમાવેશ થાય છે. ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, કૃત્રિમ ખાતરો, ડાંગર છડવાની મિલો તથા લાટીઓનો વિકાસ થયેલો છે.

પુડુકોટ્ટાઈ નગર ચેન્નઈથી દક્ષિણમાં 381 કિમી. અંતરે 10o 23′ ઉ. અ. અને 78o 49′ પૂ. રે. પર આવેલું છે. અહીં મગફળી અને તલનું તેલ તૈયાર થાય છે. આ નગર તિરુચિરાપલ્લી, મદુરાઈ અને તાંજાવુર સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. આ નગરની સ્થાપના તોન્ડાઇમંડલમ્(તોન્ડીના પ્રાચીન બંદરની આજુબાજુનો વિભાગ)ના રાજા રઘુનાથે કરેલી છે.

ગિરીશભાઈ પંડ્યા