પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

January, 1999

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; . 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે મૈસૂર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ઉપકુલપતિપદે પહોંચીને 1960માં નિવૃત્ત થયા. તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના પ્રભાવ હેઠળ આવ્યા અને  તેમણે રામકૃષ્ણ આશ્રમમાં પોતાની જિંદગીનાં 13 વર્ષ ગાળ્યાં. તે દરમિયાન તેમણે સાહિત્યક્ષેત્રે અનેક સર્જનો કર્યાં.

કે. વી. પુટ્ટપ્પા (‘કુવેમ્પુ’)

કારકિર્દીની શરૂઆત 1922માં ‘ધ બિગિનર્સ મ્યૂઝ’ના અંગ્રેજી કાવ્યસંગ્રહથી કરેલી, પરંતુ થોડા જ વખતમાં કન્નડ તરફ વળ્યા. તેમણે ઓછામાં ઓછા 25 કાવ્યસંગ્રહો આપ્યા છે, જે પૈકીના પહેલા કાવ્યસંગ્રહ ‘કોળલુ’(વાંસળી, 1930)એ તેમને ત્વરિત ખ્યાતિ અપાવી. એમનાં કાવ્યોમાં ‘ચિત્રાંગદા’ 2,000 લીટીની વૃત્તાન્તકથા છે. એમાં કન્નડ કવિતામાં સૌપ્રથમ વાર કવિ હોમરની શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ‘માલેનિડીના ચિત્રાગલુ’ કાવ્યસંગ્રહમાં તેમણે પોતાના વતનનાં જંગલોમાં ગાળેલા શરૂઆતના દિવસો સાથે સંકળાયેલ સંખ્યાબંધ પ્રસંગો ચિત્રાંકિત કર્યા છે. પ્રકૃતિકાવ્યોમાં કુદરત પ્રત્યેની તેમની ઉત્કટ ભક્તિ અને પૂજા જોવા મળે છે. કુદરતના વિવિધ પદાર્થોમાં તેમણે ચેતન પ્રગટ થતું જોયું છે. તેમનાં પ્રણય-કાવ્યો સંત અને વિચારકનાં પ્રણય-કાવ્યો હોઈ અજોડ છે. ગરીબી, અજ્ઞાનતા અને સામાજિક અન્યાયને સ્પર્શતાં ઘણાં કાવ્યો તેમણે રચ્યાં છે. તેમણે ભાવનાપ્રધાન કાવ્યો ઉપરાંત માણસના સુપ્ત મનને વ્યક્ત કરે તેવાં કાવ્યો પણ આપ્યાં છે. તેમણે અનેક અંગ્રેજી કાવ્યોને કન્નડ ભાષામાં ઉતાર્યાં છે, જે મૂળ કૃતિ જેટલાં જ સુવાચ્ય અને આસ્વાદ્ય બન્યાં છે.

તેમણે 17 ટૂંકી વાર્તાઓ લખી છે; જેમાં ભયાનક ગરીબી, પ્રેમ, મૃત્યુ, કપટ, ત્યાગ અને વૈરાગ્ય જેવા વિષયોને અસરકારક રીતે આલેખ્યા છે.

તેમણે 14 નાટકો રચ્યાં છે. તે દરેકનો પ્રકાર ભિન્ન છે. ‘નન્ના ગોપાલા’ (મારા ગોપાળ) અને ‘મોદન્નાના તમ્મા’ (વાદળનો નાનો ભાઈ)  એ બંને બાલનાટકો છે. ‘જલગરા’ (ઝાડુવાળા) અને ‘બાલિદાના’ (ત્યાગ) – એ બંને નાટકો સામાજિક વિષયો પર આધારિત છે. શેક્સપિયરનાં ‘હેમ્લેટ’ અને ‘ધ ટેમ્પેસ્ટ’થી પ્રેરાઈને તેમણે અનુક્રમે ‘રક્તાક્ષી’ (રાતીચોળ આંખોવાળી કન્યા) અને ‘બિરુગલી’ (વાવાઝોડું) નાટકો રચ્યાં. ‘મહારાત્રિ’ (મહત્ત્વની રાત્રિ) સિદ્ધાર્થના સંસારત્યાગ સંબંધી છે. ‘વાલ્મીકીય ભાગ્ય’; ‘સ્મશાન કુરુક્ષેત્ર’; યમન સોલુ; ‘શૂદ્ર તપસ્વી’; ‘ચંદ્રહાસ’; ‘બેરાલ્ગે કોરળ’ અને ‘ક્વીના’ ભારતીય પૌરાણિક કથા પર આધારિત છે. ‘નન્ના ગોપાલા’ જરૂરી સુધારા સાથેનું શ્રી રામકૃષ્ણ પરમહંસની બોધકથા વિશેનું નાટક છે.

તેઓ એક ઉત્કૃષ્ટ ચરિત્રલેખક પણ છે. એક શ્રીરામકૃષ્ણ પર અને બીજું સ્વામી વિવેકાનંદ પરનું ચરિત્ર છે, જે અત્યંત રસપ્રદ અને કાવ્યમય છે. 1500 પાનાંના બે ગ્રંથોમાં રચેલ તેમના ‘નેનાપિના ડોનિયલ્લી’ (યાદોની હોડીમાં) નામના આત્મચરિત્રમાં કવિના મન અને તેમની કાવ્યમય પ્રતિભાના વિકાસનું વર્ણન છે.

તેમના નિબંધ-સંગ્રહોમાં ‘કાવ્યવિહાર’, ‘વિભૂતિ પૂજે’, ‘દ્રૌપદીય શ્રીમુદી રાસો વાય સા’, ‘તપોનંદન’ ઇત્યાદિ મુખ્ય છે; જેમાં કાવ્ય અને સાહિત્ય-વિષયક વિવેચનની તથા કાવ્યરચના-પ્રક્રિયાની સુંદર ગૂંથણી છે. આ નિબંધો સમગ્રતયા એમ દર્શાવે છે કે તેઓ પ્રાચીન સંસ્કૃત કલાવિદોની પરંપરાના છે, આમ છતાં તેમાં પશ્ચિમની કળા પ્રત્યેની સુરુચિ અને ત્યાંના સાહિત્યવિવેચનની અભિજ્ઞતા પણ જોવા મળે છે. ‘કાનુરુ હેગ્ગાડિટી’ અને ‘માળેગલાલ્લી મધુમગલુ’ તેમની વીરરસાત્મક નવલકથાઓ છે, જે બંનેને તુરત ખ્યાતિ મળેલી. તેમાં કવિએ પોતે જે પર્વતાળ પ્રદેશમાંથી આવે છે તે માલેનાડના લોકોનાં જીવન અને પર્યાવરણ વિશે વિગતે વર્ણન કર્યું છે. અંતમાં આશરે 22,000 લીટીઓનું મહાકાવ્ય ‘શ્રીરામાયણદર્શનમ્’ લેખકની શ્રેષ્ઠ કૃતિ છે. વિવિધ છંદોની રચના અને અસંખ્ય મૂળ પ્રતિકૃતિઓનું આબેહૂબ વર્ણન તથા રૂઢિપ્રયોગોમાં તેમની નોંધપાત્ર સફળતાએ કન્નડમાં હજારો લેખકોને પ્રેરણા પૂરી પાડી છે.

તેમને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા ઘણાં માન-સન્માન મળ્યાં છે. ધારવાડમાં તે કન્નડ સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે (1958). તેમના મહાકાવ્ય ‘શ્રીરામાયણદર્શનમ્’ને 1955માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરાયેલો. તેમને મૈસૂર, કર્ણાટક, બગાલુરુ, કાનપુર અને ગુલબર્ગ યુનિવર્સિટી તરફથી તથા વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર, સાનફ્રાન્સિસ્કો તરફથી ડી. લિટ્.ની પદવી અપાયેલી. 1964માં કર્ણાટક સરકારે તેમને ‘રાષ્ટ્રકવિ’નો ખિતાબ એનાયત કર્યો હતો. 1968માં ઉમાશંકર જોશીને અને તેમને સંયુક્ત રૂપે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો. 1979માં તેઓ કેન્દ્રસ્થ સાહિત્ય અકાદમીના અને 1986માં કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ ફેલો નિમાયા. 1988માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.

ચન્દ્રકાન્ત મહેતા

બળદેવભાઈ કનીજિયા