પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી તંત્રોની વૃદ્ધિ તેમજ વિકાસ થયાં કરે છે. જુદી જુદી ચોક્કસ ઉંમર સુધીમાં બાળક કે તરુણ તેના જુદા જુદા અવયવોને પૂર્ણ કક્ષાએ વર્ધિત અને વિકસિત થયેલા પામે છે. તે ઉંમરે જે – તે અંગ, અવયવ કે અવયવી-તંત્રો પાસે પર્યાપ્ત કાર્ય કરાવી શકે છે અને તે જે તે ક્રિયા માટે સ્વાવલંબી થાય છે. પૂર્ણ રૂપે સક્રિય બને છે. આમ જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો પ્રમાણે જીવનનું કાર્ય કરવાની ક્ષમતા જે ઉંમરે પ્રાપ્ત થાય તે ઉંમરને તે પ્રકારના કાર્ય માટેની પુખ્તવય ગણવામાં આવે છે. પુખ્તવય કોઈ એક નિશ્ર્ચિત આંકડો નથી, પરંતુ જુદાં જુદાં કાર્યો માટે જુદા જુદા આંકડાઓ દ્વારા તે દર્શાવાય છે. કેટલીક બાબતો સામાજિક જીવનને સ્પર્શે છે, અને તેથી તેવાં કાર્યો માટેની પુખ્તતા જુદા જુદા સમાજમાં જુદે જુદે સમયે જુદી જુદી મનાતી હોય છે. કોઈ ક્રિયા માટેની પુખ્તવય જ્યારે કાયદા દ્વારા નિશ્ર્ચિત કરવામાં આવી હોય ત્યારે, વિવાદના પ્રસંગોએ વયનિર્ધારણની જુદી જુદી ક્રિયાઓ દ્વારા જે તે વ્યક્તિની ઉંમરનો અંદાજ લગાવી તે વ્યક્તિ નિર્ધારિત ક્રિયા કરવા માટે પુખ્ત ઉંમરની થઈ છે કે નહિ તે શોધવું જરૂરી બને છે; દા. ત., કોઈ છોકરો-છોકરી લગ્ન કરે અને તે લગ્ન વિવાદ સર્જે તે સમયે તે બંનેએ પુખ્તવય પ્રાપ્ત કરી છે કે નહિ તે શોધવું જરૂરી બને છે.

પુખ્તતા(majority)-પ્રાપ્તિ માટેની વય નિશ્ર્ચિત કરતા કાયદાને ભારતીય પુખ્તતા કાયદો (Indian majority act) કહે છે. તે 1875નો ક્રમાંક 9 ધરાવતો કાયદો છે. તેમાં દર્શાવાયું છે કે 18 વર્ષની પૂર્ણ થયેલી વયે વ્યક્તિને પુખ્ત (major) થયેલી ગણવી. એથી તે ઉંમરે તેને સંપૂર્ણપણે નાગરિક હકો અને ફરજો (civil rights and responsibilities) પ્રાપ્ત થાય છે. જો કોઈ સગીર (minor) બાળક કોર્ટ દ્વારા નિમાયેલા વાલીની દેખરેખ નીચે હોય તો તેની પુખ્તતા-પ્રાપ્તિની વય 21 વર્ષ ગણવામાં આવે છે. સગીર વ્યક્તિને સ્વતંત્રપણે મિલકત વેચવા કે ખરીદવાનો તથા કોઈ કાયદાકીય દસ્તાવેજને અધિકૃત કરવાનો હક હોતો નથી.

રેલવેના કાયદા પ્રમાણે 5 વર્ષથી મોટી ઉંમરનું બાળક જો નુકસાન કરે તો તેને જવાબદાર ગણવામાં આવે છે. ગુનાહિત કાર્ય (criminal act) માટે 7 વર્ષથી નાનું બાળક જવાબદાર ગણાતું નથી, કેમ કે ભારતીય દંડસંહિતા (Indian Penal-Code) પ્રમાણે તે તેના કાર્યની ગુણવત્તા તથા પરિણામો માટે પૂરતી સમજણ ધરાવતું નથી એવું મનાય છે. 7થી 12 વર્ષનું બાળક કોઈ ગેરકાયદેસર કાર્ય કરે તો તે કાર્યના પ્રકાર અને પરિણામ સમજતું હશે કે નહિ તેને આધારે તેને જવાબદાર ગણવામાં આવે છે. 12 વર્ષથી નાના બાળક અંગેનો તેના વાલીનો સદભાવના(good-faith)પૂર્વક લેવાયેલો કોઈ પણ  નિર્ણય બાળકને હાનિ પહોંચાડે તોપણ  ગુનો બનતો નથી, કેમ કે એ ઉંમરે બાળક પોતાને હાનિ પહોંચી શકે તેવા કોઈ પણ કાર્ય માટે સંમતિ આપી શકતું નથી.

ફૅક્ટરીના કાયદા પ્રમાણે 14 વર્ષથી નાના બાળકને નોકરીએ રાખી શકાતો નથી. આ ઉંમરે તેને દિવસ દરમિયાન જોખમી ન ગણાય તેવા કામ માટે રાખી શકાય છે. 15 વર્ષની વય પછી કોઈ પણ બાળકની એક પુખ્ત વ્યક્તિની માફક ફૅક્ટરીમાં નિમણૂક કરી શકાય છે. 16 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તેના વાલીની સંમતિ વગર જો લઈ જવામાં આવે તો તેને અપહરણનો ગુનો ગણવામાં આવે છે. કોઈ પણ 16 વર્ષથી નાની ઉંમરની સ્ત્રી સાથે પછી એ પોતાની પત્ની હોય તોપણ તેની સંમતિ સાથે કે તેની સંમતિ વગર જો જાતીય સમાગમ કરાય તો તેને બળાત્કાર ગણવામાં આવે છે. 16 વર્ષ સુધી કોઈ ગુનો આચરે તો તેને બાલગુનેગાર (juvenile offender) કહે છે. તેની સામે બાળન્યાયાલય(juvenile court)માં કામ ચલાવવામાં આવે છે અને જો તેને સજા થાય તો તેને બાલગુનેગારો માટેની તાલીમ-શાળા(borstal)માં અથવા સુધારણાશાળા(reformatory school)માં મોકલવામાં આવે છે. જો તેની સજા લાંબી હોય તો 21 વર્ષની વય સુધી તે ત્યાં રહે છે.

કોર્ટના વાલીપણા હેઠળ જે વ્યક્તિ હોય તેને 21 વર્ષે પરંતુ તે સિવાયનાં બીજાં સર્વ બાળકોને 18 વર્ષે પુખ્ત ગણવામાં આવે છે. 18 વર્ષની વયે સ્ત્રી તથા 21 વર્ષે પુરુષ લગ્ન કરવા માટે પુખ્ત ગણાય છે અને તેથી તેનાથી નાની છોકરીને તેના વાલીથી દૂર લઈ જવામાં આવે તો તેને અપહરણ કહેવામાં આવે છે. 18 વર્ષથી નાના બાળકનું ભીખ મંગાવવાના હેતુથી અપહરણ કરવામાં આવે તો દંડ સાથે કે તે વિના 10 વર્ષની કેદની સજા થાય તેવો ગુનો ગણવામાં આવે છે. ભારતની 18 વર્ષથી નાની અને પરદેશની કે જમ્મુ-કાશ્મીરની 21 વર્ષથી નાની છોકરીનું અપહરણ કરવામાં આવે કે તેને જાતીય સમાગમ માટે મજબૂર કરવામાં આવે ત્યારે આવી જ સજા કરાય છે. 18 વર્ષની વય પછી કોઈ પણ વ્યક્તિ પોતાને જોખમી ઈજા થાય એવું કાર્ય ન હોય તો તે માટે સંમતિ આપી શકે છે. 18 વર્ષ પછી વ્યક્તિ સરકારી કર્મચારી તરીકે નિમાઈ શકે છે. એ ઉંમરે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું વસિયતનામું (will) બનાવી શકે છે. 18 વર્ષની વયે વ્યક્તિને ભારતમાં મતાધિકાર પણ પ્રાપ્ત થાય છે.

ભારતની કાયદા ઘડતી સંસ્થાઓ-લોકસભા, રાજ્યસભા તથા વિધાનસભાના સભ્યપદ માટેની ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષની ગણવામાં આવેલી છે. કેટલાક સરકારી હોદ્દાઓ માટે તે ઉંમરને પુખ્તવય ગણવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ થવા માટેની ઓછામાં ઓછી વય 35 વર્ષની હોવી જરૂરી છે.

શિલીન નં. શુક્લ

રવીન્દ્ર ભીંસે