પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી.

કમાલ અમરોહીની સુંદર પટકથા ઉપર આધારિત આ ભવ્ય, ખર્ચાળ ફિલ્મ મુઘલ સમ્રાટ જહાંગીર(ચંદ્રમોહન)ના સમયની છે. ફિલ્મમાં બે  પ્રણયકથાઓ ગૂંથેલી છે. પ્રથમ પ્રણયકથાનો નાયક મંગલસિંહ (સાદિક અલી) કંવર(શીલા)ને ચાહે છે; પરંતુ બંનેનાં કુટુંબ વચ્ચે જૂની દુશ્મની છે. બીજી કથા જહાંગીર અને નૂરજહાંની છે. મંગલસિંહ પોતાની પ્રેયસીના પિતા અને ભાઈની હત્યા કરે છે. મંગલસિંહનો પિતા સંગ્રામસિંહ (સોહરાબ મોદી) વચનબદ્ધ, ન્યાયી રજપૂત છે. તે તેના પુત્રની ધરપકડ કરે છે. જહાંગીર મંગલસિંહને દેહાંત-દંડની સજા કરે છે. ત્યારબાદ એક ધોબણ (સરદાર અખ્તર) નૂરજહાં ઉપર પોતાના પતિની હત્યાનો આરોપ મૂકે છે. જહાંગીર તે ધોબણના પતિના બદલા રૂપે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયારી બતાવે છે. ધોબણ ઔદાર્ય દાખવીને જહાંગીરને માફી બક્ષે છે. આના પ્રતિભાવ રૂપે રાણી અને જહાંગીર મંગલસિંહની દેહાંત-દંડની સજા રદ કરે છે.

આ ફિલ્મને તેના જમાનામાં અદ્વિતીય સફળતા મળી હતી.

પીયૂષ વ્યાસ