પુંચ : જમ્મુ-કાશ્મીર રાજ્યના 20 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 33  25´ ઉ. અ.થી 34  0´ ઉ. અ. અને 73  25´ પૂ. રે.થી 74  પૂ. રે. અને પશ્ચિમે પાકિસ્તાન હસ્તક કાશ્મીરનો ભાગ આવેલો છે. આ જિલ્લાની પૂર્વે કુલગામ જિલ્લો, સોફિયન જિલ્લો અને બડગામ જિલ્લો, દક્ષિણે રાજૌરી જિલ્લો અને ઉત્તરે બારામુલ્લા તેમજ પાકિસ્તાન હસ્તક કાશ્મીરનો ભાગ અને પશ્ચિમે પણ પાકિસ્તાન હસ્તક કાશ્મીરનો ભાગ જે સીમા રૂપે આવેલા છે. (પાકિસ્તાન હસ્તક બાઘ જિલ્લો, હવેલી જિલ્લો, પુંચ જિલ્લો – અંશતઃ ભાગ, સુધાનોતી જિલ્લા રહેલા છે.)

આ જિલ્લો પ્રમાણમાં ડુંગરાળ અને પર્વતોથી સભર છે. નીચા ખીણ વિસ્તારો, હિમાચ્છાદિત શિખરો અને ચોતરફ હરિયાળી જોવા મળે છે. પુંચ નદી જે પુંચ ટોહી તરીકે ઓળખાય છે. આગળ જતાં તે ઝેલમને મળે છે. અનેક ઉપશાખાનદીઓ જે હિમનદીઓ પીગળવાને કારણે અહીં જોવા મળે છે.

આબોહવા – વનસ્પતિ : અહીં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની આબોહવા છે. શિયાળો પ્રમાણમાં ઠંડો  અને ઉનાળો ટૂંકો પરંતુ હૂંફાળો રહે છે. શિયાળામાં સરેરાશ તાપમાન 5  સે.થી 25  સે. જ્યારે ઉનાળાનું સરેરાશ તાપમાન 30  સે.થી 39  સે. અનુભવાય છે. ફેબ્રુઆરી માસમાં વરસાદ 183.00 મિમી. જેટલો પડે છે. શિયાળામાં અવારનવાર હિમવર્ષા થતી રહે છે.

આ જિલ્લામાં મુખ્યત્વે ભેજવાળાં પાનખર જંગલો જોવા મળે છે. ઊંચાં અને ગીચ વૃક્ષો રહેલાં છે. અહીં ઑક, ચેસ્ટનટ વૃક્ષો અધિક છે. પોપ્લર, વુલ પણ જોવા મળે છે. વધુ ઊંચાઈએ ચીડનાં વૃક્ષો પણ છે. વિવિધ પ્રકારનાં ફૂલો જેમાં ગુલાબ, જૂઈ મુખ્ય છે.

અર્થતંત્ર – પરિવહન : વેપાર-વાણિજ્યની દૃષ્ટિએ આ જિલ્લો પ્રમાણમાં ઓછો વિકસિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ અહીંનું પર્યાવરણ અનુકૂળ નથી. ખીણપ્રદેશો અને ઓછી ઊંચાઈ ધરાવતા પહાડી ઢોળાવો ઉપર ખેતી થાય છે. અહીં મુખ્યત્વે રાજમા, મરચાં, લસણ, બટાકાની ખેતી લેવાય છે. મશરૂમની  ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જંગલપેદાશોમાં લાકડું, ઔષધિ વગેરે પણ મેળવાય છે. ડાંગર અને જવની ખેતી મુખ્ય  ધાન્ય તરીકે લેવાય છે. સરકારી નોકરી અને છૂટક મજૂરી દ્વારા લોકો આવક મેળવે છે. આ જિલ્લાને ‘Backward Regions  Grant Fund Programme’ ને આધારે કેન્દ્ર સરકાર તરફથી ફંડ પ્રાપ્ત થાય છે.

આ જિલ્લામાં રેલમાર્ગોનું નિર્માણ થઈ શક્યું નથી, પરંતુ જમ્મુ-પુંચ રેલમાર્ગ નિર્માણ કરવાનું આયોજન થયું છે. આ જિલ્લાનું નજીકનું રેલવેસ્ટેશન જમ્મુ-તાવી છે. જે 235 કિમી. દૂર સ્થિત છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 144/A પસાર થાય છે. આ સિવાય જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગો પણ આવેલા છે. શ્રીનગરને સાંકળતો રોડ જે ‘મુઘલ રોડ’ તરીકે ઓળખાય છે. જે દ્વારા પુંચ શહેર સંકળાયેલ છે. LOC (Line of Control) ઓળંગીને બસવ્યવહાર વેપાર અર્થે થાય છે. જે ‘પુંચ-રાવલકોટ’ બસવ્યવહાર તરીકે  ઓળખાય છે. અહીં પુંચ હવાઈ મથક છે જે મુખ્યત્વે લશ્કરી કામકાજ માટે ઉપયોગમાં લેવાય છે. શ્રીનગર ખાતે આવેલું હવાઈ મથક ‘શૈખ ઉલ-અલમ આંતરરાષ્ટ્રીય’ હવાઈ મથક તરીકે ઓળખાય છે. જે પુંચથી 180 કિમી.ના અંતરે આવેલું છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 1,674 ચો.કિમી. છે. વસ્તી (2011 મુજબ) 4,76,835 છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 1000 મીટર ઊંચાઈએ આવેલો છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 893 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 68.69% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 0.1% અને 36.9% છે. આ જિલ્લામાં મુસ્લિમોનું પ્રમાણ 90.45% છે. અન્યમાં હિન્દુ, શીખનો સમાવેશ થાય છે. અહીં ગોજરી, ડોગરી, અંગ્રેજી, હિન્દી, કાશ્મીરી, પહરી અને ઉર્દૂ ભાષા બોલાય છે.

વહીવટી સરળતા માટે આ જિલ્લાને બાલાકોટે, હવેલી, મન્ડી, માનકોટો, મેન્ધર અને સૂરનકોટે તાલુકામાં વિભાજિત કરેલ છે.

અહીં સરકાર માન્ય અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

જોવાલાયક સ્થળો : અહીં હિમાચ્છાદિત શિખરો, સરોવરો, કુદરતી ઝરણાંઓ, ફળો, ફૂલો, ઐતિહાસિક ઇમારતો જે પ્રવાસીઓને આકર્ષે છે. મહત્ત્વનાં પ્રવાસન સ્થળોમાં નૂરી ચામ્બ, ગીરગન ધોક અને સરોવરો, મન્ડી ગામ, લોરન ગામ, નંદીશૂળ વગેરે છે.

પુંચ (શહેર)  : પુંચ જિલ્લાનું મુખ્ય શહેર.

ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 33  70´ ઉ. અ. અને 74  09´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર 10.36 ચો.કિમી. અને વસ્તી (2011 મુજબ) 26,854 છે. આ શહેર સમુદ્રની સપાટીથી 1021 મીટરની ઊંચાઈએ આવેલું છે. પુંચ નદીને પશ્ચિમ કાંઠે વસેલું આ શહેર કુદરતી સૌંદર્યથી સભર છે. પુંચ નદીનું ઉદગમસ્થાન પીરપંજાલ હારમાળામાં આવેલું છે.  આ નદી આગળ વધતાં નૈર્ઋત્ય દિશા તરફ વહે છે.

અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન 2.5  સે. રહે છે. રાત્રિના સમયે તાપમાન નીચું જતાં ઠારબિંદુથી પણ નીચું ચાલ્યું જાય છે. ઉનાળો પ્રમાણમાં ટૂંકો રહે છે. તેમ છતાં હૂંફાળો અનુભવાય છે. મે માસ દરમિયાન તાપમાન 31  સે. જેટલું રહે છે. જાન્યુઆરીમાં વરસાદ- હિમ મોટે ભાગે અનુભવાય છે.

પુંચ જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર હોવાથી વેપાર-વણજનું મુખ્ય કેન્દ્ર છે. આજુબાજુના ગ્રામ્યવિસ્તારોમાંથી અનાજ, શાકભાજી, જીવનજરૂરિયાતની વસ્તુઓનું ખરીદીનું મથક છે. ગૃહઉદ્યોગોની પેદાશોનું મુખ્ય બજાર છે.

પીર પંજાલ હારમાળા જે કાશ્મીર ખીણ અને પુંચ ખીણને વિખૂટી પાડે છે. પીર પંજાલ  ઘાટ થઈને 2010માં મુઘલ રોડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શહેરથી LOCને  ઓળંગતી બસસેવા કાર્યરત છે. જે બંને દેશોની સહમતીથી ચાલે છે. આ બસસેવા પુંચ(ભારત)થી રાવલકોટ (પી.ઓ.કે.) સુધી ચાલે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 144/A જમ્મુથી પુંચને સાંકળે છે. આ જિલ્લામાં કોઈ રેલવેનો પ્રારંભ થઈ શક્યો નથી. જમ્મુ-પુંચને જોડતો રેલમાર્ગ તૈયાર કરવા માટે આયોજન થયું છે. જમ્મુ-તાવી એ સૌથી નજીકનું રેલવેસ્ટેશન છે. આ સિવાય પુંચ શહેરથી 152 કિમી. દૂર બીજબેહરા અને અનંતનાગ રેલવેસ્ટેશન પણ આવેલાં છે. પુંચને કોઈ હવાઈ મથક પ્રાપ્ત થયું નથી. નાની હવાઈ પટ્ટી છે જે લશ્કરને માટે ઉપયોગમાં લેવાય છે. નજીકનું હવાઈ મથક ‘શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ છે. જે 177 કિમી. દૂર સ્થિત છે.

પુંચ શહેરમાં પુરુષોની ટકાવારી 60% અને મહિલાઓની ટકાવારી 40% છે. સાક્ષરતાનું પ્રમાણ 77% છે. આ શહેરમાં હિન્દુઓની વસ્તી 44% જ્યારે મુસ્લિમોની વસ્તી 33.49% છે. ક્રિશ્ચિયન, શીખની વસ્તી અનુક્રમે 1.28% અને 20.79% છે.

કાશ્મીરી, ગોજરી અને પહેરી ભાષામાં આ શહેર પ્રુન્ટસ (prunts) તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે 326માં એલેક્ઝાન્ડરે આ પ્રદેશ ઉપર પ્રભુત્વ સ્થાપ્યું હતું. છઠ્ઠી સદીમાં ચીનના પ્રવાસી હ્યુએન સંગે આ પ્રદેશની મુલાકાત લીધી હતી. ઈ. સ. 850માં રાજા નારે આ પુંચ ઉપર પ્રભુત્વ સ્થાપ્યું હતું. ઈ. સ. 1020માં મુહમદ ગઝનવીએ પુંચ ઉપર જીત મેળવી હતી. 1596માં મુઘલના વંશજ જહાંગીરે પોતાના વંશજોને પુંચની ગાદી સોંપી હતી. તેઓના વંશજોએ 1798 સુધી શાસન કર્યું હતું. ઈ. સ. 1819થી 1846 સુધી શીખ સમ્રાટે પુંચ ઉપર શાસન કર્યું હતું. બ્રિટિશરોના શાસન દરમિયાન 1846થી ગુલાબસિંગની જમ્મુ-કાશ્મીર રાજ્યના મહારાજા તરીકે નિમણૂક થઈ હતી. 1940માં રાજા હરિસિંગનું પ્રભુત્વ જમ્મુ-કાશ્મીર પર રહ્યું હતું. 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન થતાં પુંચ બે વિભાગમાં વહેંચાયું છે. પશ્ચિમ પુંચ પાકિસ્તાન હસ્તક છે. 2019ના વર્ષમાં ભારતને પાકિસ્તાન હસ્તક રહેલા પુંચમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે હવાઈ હુમલો કરવો પડ્યો હતો.

નીતિન કોઠારી

ગિરીશ ભટ્ટ