પીતજ્વર (yellow fever) : મચ્છર કરડવાથી માનવ-શરીરમાં ‘B’ સમૂહના અર્બો-વિષાણુઓ પ્રવેશવાથી ઉદભવતો એક રોગ. આ વિષાણુઓ મચ્છર અને માનવ ઉપરાંત કૂકડા અને ઉંદર જેવાં પ્રાણીઓમાં પણ પ્રવેશીને ત્યાં વૃદ્ધિ પામતા હોય છે.
આ રોગ મુખ્યત્વે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પ્રચલિત છે. ક્યૂલેક્સ મચ્છર (આઇડિસ ઇજિપ્ટિ) કરડવાથી માનવ-શરીરમાં પીતજ્વરના અર્બો-વિષાણુઓ પ્રવેશીને લસિકાગ્રંથિ (lymph-glands), લસિકા-પર્વ (lymph-nodes), બરોળ, યકૃત, મૂત્રપિંડો અને અસ્થિમજ્જા(bone-marrow)માં વૃદ્ધિ પામે છે.
યજમાનના શરીરમાં પ્રવેશ પામીને તે સૌપ્રથમ ઉષ્માયન અવધિ (incubation period) પૂરો કરે છે. ત્યારબાદ આ વિષાણુની અસર હેઠળ તાવ ચઢે છે, માથું દુખે છે, શરીર ધ્રૂજવા માંડે છે, હાડકાં દુખે છે અને ચક્કર આવે છે. સામાન્યપણે થોડાક દિવસો બાદ તાવ ઊતરે છે. ક્રમશ: દર્દી રોગમુક્ત થાય છે; પરંતુ વિપરીત સંજોગોમાં ફરીથી તેને તાવ ચઢે છે અને ત્વચા પીળી દેખાવા માંડે છે. જોકે આ અવસ્થામાંથી પણ માનવી ફરીથી સાજા બને છે. માત્ર 2 %થી 5 % દર્દીઓ વિપરીત અવસ્થામાંથી પસાર થાય છે. આ રોગની અસર મગજ, હૃદય અને યકૃત જેવાં અંગો પર થાય છે અને દર્દી મૃત્યુ પામે છે.
આ રોગ સામે ખાસ ઉપચાર નથી; પરંતુ રોગજન્ય ક્ષેત્રોમાં વસવાટ કરતા માનવીઓ આપમેળે રોધક્ષમ બનતા હોય છે. મંદ વિષાણુઓના પ્રતિક્ષેપણથી પણ આ રોગ સામે રોધક્ષમ બની શકાય છે અને તેની અસર 10 વર્ષ સુધી રહે છે. આવી રીતે મોટા પાયા પર પ્રતિરક્ષણ (immunity) મેળવવાથી અને મચ્છરનો નાશ કરવાથી આ રોગને ટાળી શકાય છે.
મ. શિ. દૂબળે