પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ જેની ઉપર મંદિર સ્થિત છે. પીઠની બહારની ત્રણે બાજુઓને વિવિધ આડા થરો વડે અલંકૃત કરવામાં આવે છે. મંદિરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આડા થરોના ચોક્કસ માપ નક્કી કરેલાં છે. સૌથી નીચે ભીટ્ટનો થર હોય છે. ભીટ્ટની સંખ્યા એક, બે કે ત્રણ હોઈ શકે. તે પછી અંતરાલ જાડંબો, કર્ણિકા, કીર્તિમુખનો (ગ્રાસપટ્ટી) થર, ગજથર, અશ્વથર, નરથર વગેરે થરો આવેલા હોય છે. આ સઘળા થરો ધરાવતી પીઠ ‘મહાપીઠ’ કહેવાય છે. મહાપ્રાસાદ(મોટા મંદિરો)માં મહાપીઠની રચના જોવા મળે છે. જેમ કે ખજુરાહોના કંડારિયા મંદિર, ગુજરાતમાં સોમનાથનું મંદિર, કર્ણાટકમાં બેલુરનું હલેબીડ અને સોમનાથપુરમના મંદિરમાં મહાપીઠ જોવા મળે છે. મહાપીઠના પણ તેના થરોના વિવિધ માનને આધારે ચાર પેટા પ્રકાર પડે છે એ પછી કામદ પીઠ અને કર્ણપીઠ એવા બીજા બે પ્રકાર છે. નિરંધાર પ્રાસાદ(પ્રદક્ષિણા વિનાનું મંદિર)માં મોટેભાગે કામદ પીઠ હોય છે. સામાન્ય પ્રાસાદ, બાવનજિનાલય કે ચોસઠ યોગિનીની દેરીઓમાં કર્ણપીઠ કરવામાં આવે છે. કામદ પીઠમાં ભીટ્ટ, અંતરાલ કર્ણિકા ગ્રાસપટ્ટીના થર હોય છે. જ્યારે કર્ણપીઠમાં ભીટ્ટ, અંતરાલ અને કર્ણિના થર હોય છે.

થોમસ પરમાર