પીઠપીડા (backache)

January, 1999

પીઠપીડા (backache) : પીઠમાં દુખાવો થવો તે. ધડના પાછલા ભાગને પીઠ કહે છે. સામાન્ય રીતે તે છાતી અથવા વક્ષ(thorax)ની પાછળનો ભાગ સૂચવે છે. ગળાની પાછળના ભાગને ડોક કહે છે અને પેટની પાછળના ભાગને કેડ, કમર અથવા કટિ (lumbar region) કહે છે. કટિવિસ્તાર લચીલું હલનચલન કરી શકે છે. ડોક અને કેડની વચ્ચે સ્થિરભાગરૂપે પીઠનો પૃષ્ઠવિસ્તાર (dorsum) આવેલ છે તથા કટિવિસ્તાર નીચે ફરી સ્થિર ભાગ રૂપે નિતંબ અથવા શ્રોણિ(pelvis)નો પાછલો ભાગ આવેલો છે. જોકે વ્યવહારમાં શરીરના આખા પાછલા ભાગ માટે `પીઠ’ શબ્દ વપરાય છે. કટિવસ્તારમાં પીડા થાય તો તેને કટિપીડા અથવા ટચકિયું (lumbago) કહે છે. કટિમણકા (lumbar vertebrae) અને ત્રિકાસ્થિ(sacrum)એ બંને કરોડના મણકાના સૌથી નીચલા મણકાઓ છે. તેમની વચ્ચેનાં આંતરમણિકા છિદ્રો(intervertebsal foramina)માંથી નીકળતી ચેતાઓ(nerves)નો એક ભાગ ચરણચેતા (sciatic nerve) બનાવે છે, જે પગમાં જાય છે. આ ચરણચેતાને દબાવતા વિકારોમાં કમરમાંનો દુખાવો પગના પાછલા ભાગમાં થઈને પગનળાની પાછળના સ્નાયુ સુધી પ્રસરે છે. તેને રાંઝણ(sciatica)નો દુખાવો કહે છે.

પીઠની સંરચના : પીઠમાં કરોડના મણકા અને સ્નાયુઓ આવેલા છે. છાતીના ભાગમાં પાંસળીઓ પણ આવેલી છે. કરોડના મણકાને સ્થિર રાખવા તેની સાથે તંતુબંધો (ligaments) આવેલા છે. આ સાથે કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ અને લોહીની નસો આાવેલી છે. પીઠની પાછલી મધ્યરેખામાં કરોડના મણકા આવેલા છે. તેમનો પાછલો છેડો એક કંટક રૂપે હોવાથી કરોડસ્તંભ(vertebral column)ને કંટકસ્તંભ (spine) પણ કહે છે. તેને મેરુદંડ પણ કહે છે. કરોડના મણકાનો આગળનો ભાગ તેની કાય (body) બનાવે છે તથા તેના પાછલા અને બાજુ પરના ખૂણાઓ પરથી પાદપટ્ટીઓ (pedicles) નીકળે છે. બંને બાજુની પાદપટ્ટીઓ પરથી એક એક અનુપ્રસ્થ પ્રવર્ધ (transverse process) નીકળે છે, જે સીધા બાજુ તરફ લંબાય છે. અનુપ્રસ્થ પ્રવર્ધની પાછળના ભાગમાં ફરીથી મધ્યરેખા તરફ લંબાતી હાડકાની પાતળી પટ્ટીને મણિકાપટ્ટી (lamina) કહે છે, જે પાછળ મધ્યરેખામાં એકબીજીને મળીને પાછળ તરફ તાકાતો કંટક (spine) બનાવે છે. મણિકાકાયની પાછલી સપાટી, પાદપટ્ટીઓ તથા મણિકાપટ્ટીઓ મળીને વચ્ચે એક છિદ્ર બનાવે છે, જે ઉપર-નીચેના મણકાના તેવા છિદ્ર સાથે એક સળંગ નળી (canal) રચે છે. તેને મણિકાનળી મેરુરજ્જુનળી (spinal canal) કહે છે. તેમાંથી કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ (spinal cord) પસાર થાય છે. બંને પાદપટ્ટીઓની ઉપલી અને નીચલી ધાર પર સંધિ-આનનિકાઓ (articular facets) આવેલી છે. ઉપરની ધારની આનનિકા(facet)ને ઊર્ધ્વ સંધિ-આનનિકા (superior articular facet) અને નીચલી ધાર પરની આનનિકાને અધ: સંધિ-આનનિકા (inferior articular facet) કહે છે. ઉપલા મણકાની અધ:આનનિકા અને નીચલા મણકાની ઊર્ધ્વ-આનનિકા વચ્ચે સાંધો બને છે. કરોડના મણકાની કાય વચ્ચે પણ આંતરમણિકા-તકતી (intervertebral disc) અથવા સાદી ભાષામાં કહેવાતી ‘મણકાની ગાદી’ આવેલી હોય છે. આમ બે મણકાઓ વચ્ચે 3 સાંધા આવેલા હોય છે. આગળ અને મધ્યમાં તકતીવાળો સાંધો અને પાછળ બંને બાજુએ આનનિકાઓવાળા સાંધાઓ. કરોડના મણકાની કાયની પાછળ, પાદપટ્ટીઓની વચ્ચે તથા આનનિકાઓના સાંધાની આગળ એક છિદ્ર બને છે, જેમાંથી કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ બહાર આવે છે. તેને આંતરમણિકા છિદ્ર (intervertebral forman) કહે છે. કરોડના મણકા કે તેમની વચ્ચેના સાંધાના રોગોમાં આ છિદ્ર નાનું થાય છે અને તેથી તેમાંની ચેતાઓ દબાય છે; જે દુખાવો કરે છે. મણકાનળીનું પોલાણ ચારે બાજુથી મજબૂત હાડકાંના ભાગોથી રક્ષાયેલું હોય છે. આગળ જાડી મણિકાકાય હોય છે, બંને બાજુએ મજબૂત અનુપ્રસ્થ પ્રવર્ધો હોય છે અને પાછળ પણ મજબૂત કંટક હોય છે. આ મજબૂત ભાગો પર સ્નાયુઓ અને તંતુબંધો ચોંટેલા હોય છે, જે તેમને સ્થિરતા તથા આધાર આપે છે. કરોડના મણકા પરના જાડા તંતુબંધો તથા મણકા-તકતીના સાંધાઓ મજબૂત હોય છે. પરંતુ સામાન્ય હલન-ચલન વખતે આવતું કરોડસ્તંભ પરનું દાબખેંચનું બળ ઘણું વધારે હોય છે અને તેથી પીઠ અને કેડના વિવિધ સ્નાયુઓની ચેતા પરાવર્તી સજ્જતા (reflex tone), પરાવર્તી સંકોચનો (reflex contractions) તથા ઐચ્છિક સંકોચનો (voluntary contractions) પણ કરોડસ્તંભની સ્થિરતામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં ભાગ લેતા મહત્વના સ્નાયુઓ છે : ત્રિકાસ્થિ કંટકસ્તંભી સ્નાયુ (sacrospinalis muscle), ઉદરીય (abdominal) સ્નાયુઓ, નિતંબીય (glueleal) સ્નાયુઓ, કટીય (psoas) સ્નાયુ તથા પશ્ચજંઘાસૂત્રી (hamstring) સ્નાયુઓ. સ્નાયુઓ તેમનાં સંકોચનો (સક્રિય કાર્ય) વડે અને તંતુબંધો તેમાંનાં તણાવ (અશક્રિય કાર્ય) વડે કરોડના સ્તંભને ટેકો આપે છે. કરોડના સ્તંભને મેરુદંડ કહે છે પરંતુ તે એક દંડ જેવો નથી, એક પર એક મૂકેલાં ઘન ચોકઠાં જેવો છે અને તેથી સ્નાયુઓ અને તંતુબંધો વડે અપાતો આધાર મહત્વનો ગણાય છે.

કરોડસ્તંભ તથા તેની આસપાસની પેશીઓની સંવેદનાઓનું કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓની પશ્ચગામી શાખાઓ (recurrent branches) વડે વહન થાય છે. કરોડસ્તંભની આસપાસની પેશીને પરામણિકા (paravertebral) પેશી કહે છે તેમાં તંતુબંધો, સ્નાયુઓ, હાડકાનું બહારનું આવરણ બનાવતી પરિઅસ્થિકલા (periosteum), તકતીની બહાર તરફની કિનારી તથા સાંધાઓની સંધિકલા (synovium)નો સમાવેશ થાય છે. પીઠના જે ભાગ સૌથી વધુ હલનચલન કરે છે તે સૌથી વધુ ઈજા પામે છે અને તે છે કેડ અને ડોકના વિસ્તારો. તેથી તેમાં પીડા થાય છે. ડોકનો દુખાવો ડોકના મણકાના વિકારમાં થાય છે. તેને ગ્રૈવિક મણિકાવિકાર (spondylosis) કહે છે. ક્યારેક ખભામાં થતી પીડા પણ પીઠના ઉપલા ભાગમાં દુખાવો કરે છે (જુઓ મણિકાવિકાર, અને સ્કંધપીડ).

કેડમાં ઉદભવતો દુખાવો 4 પ્રકારનો હોય છે : સ્થાનિક (local), સંદર્ભરૂપી (referred), ચેતામૂલલક્ષી (radicular) અને સ્નાયુઓના સતત સંકોચનથી ઉદભવતો દુખાવો. કરોડના મણકા તથા પરામણિકાપેશી(paravertebral tissue)ના સ્થાનિક વિકારને કારણે ઉદભવતા દુખાવાને સ્થાનિક દુખાવો કહે છે. તેમાં સ્થાનિક ઈજા, ગાંઠ કે શોથ(inflammation)નો સમાવેશ થાય છે. તેની પીડા સતત અથવા સમયાંતરિત (intermittent) હોય છે. ક્યારેક તે તીવ્ર અથવા મંદ અને સતત થયા કરતી હોય છે. મોટેભાગે ચોક્કસ સ્થિતિમાં ઊઠવા-બેસવાથી તે વધે છે. વિકારવાળા સ્થળે દબાવવાથી દુખાવો થાય છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. તેની મદદથી વિકારનું સ્થાન પણ જાણી શકાય છે.

પીઠની સંરચના : (અ) કરોડસ્તંભ (મેરુદંડ), (આ) કરોડના મણકાનો બાજુ પરનો દેખાવ, (ઇ) કરોડના મણકાનો ઉપરથી દેખાવ. (ઈ) ત્રિકાસ્થિ (sacrum), (ઉ) નીચલો પૃષ્ઠ કરોડસ્તંભ. (1) પ્રથમ મણકો, (2) દ્વિતીય મણકો, (3) 7મો ગ્રીવાકીય મણકો, (4) પ્રથમ પૃષ્ઠીય મણકો, (5) 12મો પૃષ્ઠીય મણકો, (6) પ્રથમ કટિમણકો, (7) 5મો કટિમણકો, (8) ત્રિકાસ્થિ, (9) અનુત્રિકાસ્થિ, (10) ગ્રીવાકીય વક્રતા, (11) ઊરુલક્ષી વક્રતા, (12) કટિલક્ષી વક્રતા, (13) ત્રિકાસ્થીય વક્રતા, (14) મણિકાકાય, (15) પાદપટ્ટિકા, (16) મણિકાપટ્ટી, (17) કંટક, (18) અનુપ્રસ્થ પ્રવર્ધ, (19) ઊર્ધ્વ સંધિલક્ષી પ્રવર્ધ, (20) અધ:સંધિલક્ષી આનનિકા, (21) ત્રિકાસ્થિકાય, (22) અનુપ્રસ્થ ઊર્ધ્વરેખ (ridge), (23) પાર્શ્વકાથિક પક્ષ્મક (ala of lateral mass), (24) અગ્રસ્થ ત્રિકાસ્થિ છિદ્રો, (25) 9થી 12 પૃષ્ઠમણિકાઓ (છાતીની પાછળના મણકા), (26) 9મી પાંસળીમાં શીર્ષ માટેની અર્ધઆનનિકા, (27) ઊર્ધ્વ સંધિલક્ષી આનનિકા, (28) 9મી પાંસળીના અસ્થિગંડક માટેની આનનિકા, (29) આંતર મણિકા, (30) અપ્રસ્ત તંતુબંધ, (31) વિવિધ તંતુબંધો (ligaments) તક્તી, (30) અપ્રસ્ત તંતુબંધ.

પેટ કે શ્રોણિ(pelvis)માંના કોઈ અવયવમાં થયેલા વિકારને કારણે ઉદભવતી પીડા ઘણી વખત શરીરની સપાટી પરના કોઈ વિસ્તાર પર અનુભવાય છે. તેને સંદર્ભિત પીડા (referred pain) કહે છે. તેમાં ચામડીનો જે-તે વિસ્તાર અંદરના કોઈ ચોક્કસ અવયવના સંદર્ભરૂપ સપાટીગત પ્રદેશ હોય એમ વર્તે છે. તેનું કારણ તે બંને એક જ ચેતામૂલમાંથી ચેતાતંતુઓ મેળવતા હોય છે તે છે. સ્વાદુપિંડનો દુખાવો કે મૂત્રપિંડમાંનો દુખાવો પીઠમાં અનુભવાય છે. તેવી જ રીતે ઉપરના કટિપ્રદેશના કરોડના મણકાનો દુખાવો જાંઘ તથા પગનળાના આગળના ભાગમાં અનુભવાય છે; જ્યારે નીચલા કટિપ્રદેશના મણકાનો દુખાવો બેઠકપ્રદેશ, જાંઘ તથા પગનળાના પાછલા ભાગ તથા ક્યારેક પાદ (foot) સુધી ફેલાય છે. સંદર્ભપીડાની તીવ્રતા મૂળ રોગ જેટલી હોય છે. પેટની અંદરના અવયવો દ્વારા ઉદભવતો દુખાવો ઊંડો હોય છે અને તે કરોડસ્તંભના હલનચલનથી વધતો નથી. આ રીતે ઉદભવતી અવયવી પીડા(visceral pain)ને પીઠની પરિઘીય સંરચનાઓમાંથી ઉદભવતી પીડાથી અલગ પાડી શકાય છે.

કરોડરજ્જુમાંથી નીકળતા ચેતામૂલ (nerve roots) જ્યારે દબાય ત્યારે ઉદભવતો દુખાવો પણ તે ચેતા જે વિસ્તારમાં ફેલાતી હોય ત્યાં બધે જ પીડા ઉદભવતી હોય એવી સંવેદના સર્જે છે; પરંતુ આવી સંવેદના સંદર્ભપીડા કરતાં વધુ તીવ્ર, વધુ દૂર સુધી ફેલાતી અને જે-તે ચેતામૂલના ચર્મપટ્ટા (dermatome) પૂરતી મર્યાદિત રહે છે. ચેતામૂલની ચેતાઓ ચામડીના જે પટ્ટા પર ફેલાતી હોય તે પટ્ટાને ચર્મપટ્ટો કહે છે. તેથી તે ચર્મપટ્ટામાં જે-તે ચેતામૂલમાં ઉદભવતો દુખાવો ફેલાય છે. મણકાનળીમાં થતા વિકારો કે રોગો ચેતામૂલને દબાવે, વાંકું વાળે, ખેંચે કે ક્ષુબ્ધ કરે ત્યારે આ પ્રકારનો દુખાવો થાય છે. વ્યક્તિ ખાંસી ખાય, છીંક ખાય કે મળની હાજત માટે દબાણ કરે ત્યારે તે વધે છે. તેને કારણે ઢીંચણથી સીધો રહે તેવી રીતે જો પગને કેડથી વાળીને ઊંચો કરવામાં આવે તો ચેતામૂલ પરની ખેંચને કારણે આ કિસ્સામાં દુખાવો વધે છે; જ્યારે ચોથા કે પાંચમા કટિમણિકા(lumbar vertebra)ના વિસ્તારમાંના ચેતામૂલમાં આવો વિકાર થાય ત્યારે જાંઘના પાછલા ભાગમાં, ઢીંચણ નીચેના પગનળાની પાછળ તથા આગલા અને બહારના ભાગમાં તેમજ પાદ(foot)માં દુખાવો પ્રસરે છે. તેને ચરણચેતાપીડ (sciatica) અથવા રાંઝણ કહે છે. તે સમયે ચરણચેતાના ચર્મપટ્ટામાં ઝણઝણાટી, પરાસંવેદનાઓ, ખાલી ચઢવી, સંવેદનાઓ ઘટવી, ચામડી ‘જાડી’ થઈ હોય એવું લાગવું તથા ચરણચેતાના માર્ગમાં સ્પર્શવેદના થવી વગેરે તકલીફો પણ થાય છે. શારીરિક તપાસમાં તે વિસ્તારના સ્નાયુઓની નબળાઈ, અપોતીક્ષીણતા (atrophy), પરાવર્તી ક્રિયાઓમાં ઘટાડો, સ્નાયુતંતુપુંજો(fasciculi)માં પુંજ-આકુંચનો (fascilculations) તથા હલનચલનના ઘટાડાને લીધે સોજો આવવો વગેરે વિવિધ વિકારો થઈ આવે છે. સ્નાયુતંતુઓના પુંજોના ફરકવા કે ફફડવાની ક્રિયાને પુંજ-આકુંચનો કહે છે.

ક્યારેક મણકાના કોઈક વિકારમાં હલનચલન ઘટાડીને સુરક્ષા આપવાના હેતુથી કરોડસ્તંભની આસપાસના સ્નાયુઓનું સંકોચન થાય છે. તે એક પરાવર્તી ક્રિયા (reflex action) છે. તેથી તે સ્નાયુઓ કઠણ અને પીડાકારક બને છે.

દુખાવાનો પ્રકાર સ્થાનિક સ્પર્શવેદના, પીડાને વધારનારાં કે ઘટાડનારાં પરિબળો, ચેતાતંત્રના ઉદભવતા વિકારો વગેરેનો અભ્યાસ કરવાથી પીડાનું કારણ તથા સ્થાન જાણી શકાય છે. કરોડસ્તંભ સીધો છે કે કોઈ એક તરફ વાંકો વળેલો છે, ઉપલી પીઠમાં ખૂંધ નીકળેલી છે કે નહિ, કેડના વિસ્તારમાં જોવા મળતો અંતર્ગોળ વળાંક ઘટ્યો છે કે નહિ તે ખાસ જોઈ લેવાય છે. રાંઝણનો વિકાર હોય તો વ્યક્તિ ચરણચેતા પરનું ખેંચાણ ઘટાડવા માટે પગને નિતંબ તથા ઢીંચણના સાંધાથી વાળેલો રાખે છે. સાંધાના હલનચલનથી દર્દી કેટલી પીડા સહન કરી શકે છે તે જાણવાથી ફાયદો નથી, પરંતુ કયા પ્રકારનું હલનચલન પીડા કરે છે તે નોંધવું જરૂરી ગણાય છે. રાંઝણનો દર્દી આગળ વળે ત્યારે કમરથી નહિ પણ નિતંબના સાંધાથી વળે છે અને ક્યારેક તે તેની કટિમેખલા(lumbar girdle)ના હાડકાંને એક તરફ વળેલાં રાખે છે; જેને કારણે ચરણચેતા (sciatic nerve) પરની ખેંચ ઓછી રહે છે. સામાન્ય રીતે આવું કટિ-ત્રિકાસ્થીય (lumbosacral) વિસ્તાર એટલે કે કમરના વિસ્તારના વિકારોમાં થાય છે. તેમાં કટિમણિકાસ્તંભ(lumbar spine)નો નીચલો ભાગ અને ત્રિકાસ્થિ(scicrum)નાં હાડકાં કે સાંધા વિકારગ્રસ્ત હોય છે. આવી વ્યક્તિનો ઢીંચણ સીધો રાખીને કેડથી પગ વાળવામાં આવે તો તે 90o સુધી વળી શકતો નથી અને દુખાવો થાય છે. આને સીધા પગના ઊર્ધ્વીકરણની કસોટી (straight leg raising test) કહે છે. આવા નિષ્ક્રિય હલનચલનમાં ઉદભવતા પીડાકારક અટકાવને લાસેગ(Lasegae)નું ચિહન કહે છે. કટિમણિકાસ્તંભના નીચલા ભાગના વિકારમાં જેમ આગળ તરફ વળવું પીડાકારક હોય છે તેમ કટિમણિકાસ્તંભના ઉપલા ભાગના વિકારમાં પાછળ તરફ વળવું પીડાકારક બને છે. કેડ, નિતંબ તથા બેઠકના વિસ્તારમાં વિવિધ સ્થળે સ્પર્શવેદના દર્શાવી શકાય છે અને તેના દ્વારા વિકારનું સંભવિત સ્થાન જાણી શકાય છે. નીચલી પાંસળી અને કરોડસ્તંભ વચ્ચે બનતા ખૂણાને પર્શૂકા-મણિકાસ્તંભી કોણ (costovertibral angle) કહે છે. તેમાં થતો દુખાવો તથા સ્પર્શવેદના તે તરફના મૂત્રપિંડ, અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) કે બારમા વક્ષીય મણિકાના અનુપ્રસ્થ પ્રવર્ધ(transverse process)ને થયેલી ઈજા કે વિકાર સૂચવે છે. તેવી જ રીતે કટિમણિકાની બંને બાજુના સ્નાયુ પરની સ્પર્શવેદના  જે-તે મણિકાના અનુપ્રસ્થ પ્રવર્ધને થયેલી ઈજા કે તેનો અસ્થિભંગ (fracture) સૂચવે છે. મણિકાકંટક પરની સ્પર્શવેદના મણિકાકાય (vertibral body), મણિકાપટ્ટી (lamina) કે આંતરમણિકાતકતી-(intervertebral disc)નો વિકાર સૂચવે છે. પાંચમા કટિમણકા અને ત્રિકાસ્થિના સાંધા પર સ્પર્શવેદના હોય તો તે ત્યાંનો સ્થાનિક વિકાર સૂચવે છે. કંટકોની ટોચ પર સીધી લીટીમાં હાથ ફેરવીને કંટકો કોઈ એક બાજુ પર ખસેલા છે કે નહિ તથા કટિપ્રદેશમાં અંતર્ગોળ ગોઠવાયેલા છે કે નહિ તે જાણી શકાય છે. આ ઉપરાંત પેટ, મળાશય અને સ્ત્રીઓના કિસ્સામાં શ્રોણિ(pelvis)ની અંદરની તપાસ કરાય છે. વળી ચેતાતંત્રલક્ષી તપાસ પણ કરાય છે. આવી આનુષંગિક તપાસ કરવાથી અન્ય અવયવોના રોગો હોય તો તે તથા મણિકાસ્તંભના વિકારમાં ચેતાતંત્રને કેટલી ઈજા થઈ રહી છે કે નહિ તે પણ જાણી શકાય છે.

નિદાન માટે સ્થાનિક એક્સ-રે-ચિત્રણ, જરૂર પડ્યે સી. એ. ટી. સ્કેન કે એમ.આર.આઇ.ની તપાસ વડે વિવિધ ચિત્રણો મેળવાય છે. ચેતા-આવેગવહન (nerve conduction) કસોટી તથા સ્નાયુવીજાલેખ (electromyogram) નામની કસોટી પણ કરાય છે. લોહીનો રક્તકોષી ઠારણદર (erythrocyte sedimentation rate, ESR) તથા લોહીના વિવિધ કોષોની સંખ્યા જાણીને બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામનું કૅન્સર કે કોઈ પ્રકારનો ચેપ થયો છે કે નહિ તે જાણી શકાય છે. આ ઉપરાંત લોહીમાં કૅલ્શિયમ, આલ્કેલાઇન તેમજ ઍસિડ ફૉસ્ફેટેઝ, પ્રોટીન વગેરેનું સ્તર પણ જાણી લેવામાં આવે છે.

પીઠના દુખાવાનાં કારણોને સારણીમાં સમાવેલાં છે. પીઠના નીચલા ભાગના દુખાવાનાં મુખ્ય કારણોમાં જન્મજાત કુરચનાઓ, ઈજાને કારણે થતો અસ્થિભંગ કે મચકોડ (sprain), આંતરમણિતકતીના વિકારો, અસ્થિસંધિશોથ (osteoarthritis), આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), પેટ તથા શ્રોણિના અવયવોના વિકારો, માનસિક વિકારો તથા ઊઠવા-બેસવા-સૂવાની ખોટી રીતથી થતા દુખાવાનો સમાવેશ થાય છે.

જઠર અને પક્વાશય(duodenum)માં પડતા ચાંદાને પેપ્ટિક વ્રણ અથવા પચિતકલા વ્રણ (peptic ulcer) કહે છે. જ્યારે તે અવયવની પાછલી દીવાલમાં હોય અથવા તો પાછળ સ્વાદુપિંડમાં વિકસીને ફેલાતું હોય ત્યારે કેડના ઉપલા વિસ્તારમાં દુખાવો થાય છે. તેવી જ રીતે સ્વાદુપિંડના રોગો અને વિકારોમાં પણ ત્યાં દુખાવો થાય છે. પરિતનગુહાની પાછળ તથા પેટની પાછલી દીવાલ પર લસિકાગ્રંથિઓમાં કે અન્ય પેશીઓમાં કૅન્સર ઉદભવે ત્યારે પણ આવો દુખાવો થાય છે. તેવી જ રીતે મહાધમનીના વિસ્ફારણ(aneurysm of aorta)માં પણ દુખાવો થાય છે. નસનો કોઈ ભાગ પહોળો થઈ ગયો હોય ત્યારે તેને વાહિની-વિસ્ફારણ કહે છે. મોટા આંતરડામાં શોથજન્ય વિકાર થાય (દા.ત., સ્થિરાંત્રશોથ  colitis અથવા અંધનાલિશોથ  diverticulitis) ત્યારે ડૂંટીના સ્તરે આખા પેટ પર એક ગોળ ફરતા પટ્ટા રૂપે દુખાવો થાય છે. મોટા આંતરડાના છેલ્લા ‘ડ’ આકારના ભાગને ડ-રૂપ સ્થિરાંત્ર (sigmoid colon) કહે છે. તેનો દુખાવો ત્રિકાસ્થિ વિસ્તારમાં ફેલાય છે. સ્ત્રીઓના અંદરનાં જનનાંગોના વિકારોનો દુખાવો પણ આ જ વિસ્તારમાં પ્રસરે છે. ઋતુસ્રાવ વખતનો દુખાવો પણ ત્રિકાસ્થિ વિસ્તારમાં થાય છે. પુરુષોમાં પુર:સ્થ ગ્રંથિ(prostat gland)ના રોગોમાં પણ ત્રિકાસ્થિ વિસ્તારમાં દુખાવો પ્રસરે છે. વિવિધ અવયવના વિકારોમાં જે-તે અવયવલક્ષી અન્ય લક્ષણો અને ચિહનો પણ ઉદભવે છે, જેના દ્વારા નિદાનમાં સુગમતા રહે છે.

ઘણી વખત કોઈ ચોક્કસ કારણ ઉપલબ્ધ થતું નથી. સામાન્યત: કેડનો આવો દુખાવો સામાન્ય પ્રકારની ઈજાઓથી થતો હોય છે અને તે હલનચલનથી વધતો હોય છે. જો અગાઉ કોઈ ઈજા કે શસ્ત્રક્રિયા થયેલી હોય તો તે વધુ તીવ્ર રહે છે. સતત રહેતો કે વધતો જતો દુખાવો કોઈ ચેપ કે ગાંઠનું સૂચન કરે છે. ઘણી વખત સંપૂર્ણ તપાસને અંતે પણ જો કારણ જાણમાં ન આવે તો તેને અંગવિન્યાસી પીડા (postural pain) ગણવામાં આવે છે. ઊઠવા-બેસવાની ખોટી પદ્ધતિને કારણે થતા દુખાવાને અંગવિન્યાસી પીડા કહે છે. સામાન્ય રીતે મધ્યમ વયની  જાડી વ્યક્તિમાં તે જોવા મળે છે. કેડના પરામણિકાસ્તંભી (paravertebral) સ્નાયુઓની તથા પેટના સ્નાયુઓની કસરતથી તે શમે છે.

પીઠપીડાનાં કારણો

પેશી-પ્રકાર જૂથ ઉદાહરણો
I મણિકાસ્તંભ (spine) જન્મજાત વિકારો દ્વિભાજી કંટકતા (spina bifida), મણિકાલયન (spondylolysis), કટિમણકાનું ત્રિકાસ્થીકરણ (sacralization), અર્ધમણિકો (hemivertebra), કટિમણિકા-ત્રિકાસ્થિ: કોણમાં વધારો (increased lumbosacralangle)
ઈજાજન્ય મણિકાનો અસ્થિભંગ (fracture), અસ્થિભંગ અને વિચલન (dislocation), ઊઠવા-બેસવાના અંગવિન્યાસ(posture)ના વિકારો
શોથજન્ય

(inflammatory)

સમજ્જાસ્થિશોથ (osteomyelitis), કરોડરજ્જવી તાનિકાશોથ (spinal meningitis), અધિદૃઢતાનિકા ગૂમડું (epidural abscess), ક્ષય, ઉપદંશ (syphilis), ચેપજન્ય સંધિશોથ (infective arthritis)
ગાંઠ પ્રાથમિક કે ફેલાયેલું કૅન્સર, લસિકાભ-પેશી(lymhoid tissue)ની ગાંઠો, રુધિરકૅન્સર, બહુમજ્જાર્બુદ (multiplemyeloma)
ન્યૂનતાજન્ય

(deficiency related)

અસ્થિમૃદુતા (osteomalacia), અસ્થિછિદ્રલતા (osteoporosis), રિકેટ્સ વગેરે. અસ્થિછિદ્રલતાનાં મુખ્ય કારણો : વૃદ્ધાવસ્થા, લાંબા સમયની પથારીવશતા કે હલનચલનમાં ખામી, ઋતુસ્રાવ કાયમી રૂપે બંધ થાય, થાયરૉઇડ કે પેરાથાયરૉઇડ ગ્રંથિનું વધેલું કાર્ય, કોર્ટિકોસ્ટિરોઇડ વડે સારવાર તથા અધિવૃક્કગ્રંથિ બાહ્યક(adrenal cortex)નું વધેલું કાર્ય, વિટામિન-‘એ’ની અધિકતા, બહુમજ્જાર્બુદ વગેરે.
II તંતુપડ (fascia)

તંતુબંધ (ligmut) સ્નાયુઓ

ઈજાજન્ય તંતુબંધીય સંત્રસ્તતા (ligamentoussprain), સ્નાયુ ચિરાઈ જવો.
શોથજન્ય તંતુશોથ (fibrositis), સ્નાયુશોથ (myositis), સંયોજીપેશીના વિકારો (collagen disorders)
III કરોડરજ્જુ અને તેનાં

આવરણો (તાનિકાઓ,

meninges)

ગાંઠ અંત:કરોડરજ્જવી ગાંઠ (intra-medulary tumour), બહિ:ર્મેરુરજ્જવી ગાંઠ (extra medullary tumour), બહિ:દૃઢતાનિકાકીય ગાંઠ (extradural tumour)
પ્રકીર્ણ કરોડરજ્જવી તાનિકાશોથ (spinal menengitis), ચેતામૂળશોથ (radiculitis), દાબકારી કરોડરજ્જુ-રુગ્ણતા (compressive myelopathy)
IV પ્રકીર્ણ વક્ષ(છાતી)ના

અવયવો

ઉદર(પેટ)ના

અવયવો

અન્નનળી કે ફેફસાંમાં ગાંઠ, મહાધમનીનું દ્વિભાજી પેટુ (dissecting aneurysm) પાછળ ફેલાતું પચિતકલાવ્રણ (pepticulcer), સ્વાદુપિંડ કે મૂત્રપિંડમાં રોગ, પેટની પાછળની દીવાલ પરની લસિકાગ્રંથિઓમાં ફેલાયેલું કૅન્સર
માનસિક માનસિક વિકારો

વિવિધ પ્રકારના માનસિક વિકારોમાં પીઠપીડા થાય છે. કેટલીક સ્ત્રીઓ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરાવવાના વિકારથી પીડાય છે. તેને ધ્યાન્યાકર્ષી મનોવિકાર કહે છે. કેટલીક વ્યક્તિઓ છેતરીને લાભ લેવા માટે પીઠપીડા છે એવું જણાવે છે. તેને છદમ પીડા કહે છે.

ક્યારેક ધ્યાનાકર્ષી મનોવિકાર (hypteria) કે છદ્મપીડા-(malingering pain)ની સ્થિતિઓમાં પણ પીઠના નીચલા ભાગમાં દુખાવાની ફરિયાદ ઉદભવે છે. આવું જ ક્યારેક દીર્ઘકાલી મનોવિકારી ચિંતા (chronic anxiety) કે ખિન્નતા દર્દીઓમાં પણ થાય છે. ઘણી વખત રોજગાર સંબંધિત ઈજાના વળતરના કિસ્સાઓમાં પણ આવું થતું જોવા મળ્યું છે.

સારવાર : સૌથી વધુ મહત્વ પીડા થતી અટકાવવાનું છે. તેને  પૂર્વનિવારણ (prevention) કહે છે. ઝડપથી ચાલવું, તરવું, સાઇકલ ચલાવવી, દોડવું કે કમરની કસરત કરવી વગેરે નિયમિત પ્રક્રિયાઓ વડે ધડ અથવા ઉરોદર(trunk)ના સ્નાયુઓ સક્રિય રહે છે અને પરામણિકા-તંતુબંધો (paravertebral ligments) લચીલા રહે છે. જો વ્યક્તિ યોગ્ય પ્રકારનો (ઓછાં તેલ, ઘી, ચરબીવાળો) ખોરાક લે તો તેનામાં વધુ પડતી ચરબી (મેદ) જમા થતી નથી. કસરત માટે સવારનો સમય ઉત્તમ છે; કેમ કે, રાત્રિ દરમિયાન સ્નાયુઓ અને સાંધા અક્કડ થઈ ગયેલા હોય છે. રાત્રિ સમયે કઠણ કે સપાટ પથારીમાં સૂવાથી આ પ્રકારની અક્કડતા ઘટતી નથી; કેમ કે, રાત્રિ સમયની નિષ્ક્રિયતાને કારણે જ આવી અક્કડતા આવે છે. ઝોળી જેવી પથારી, વધુ પડતી ગાદીઓવાળી ખુરશી કે વાહનમાંની અયોગ્ય પ્રકારની બેઠક કમરનો દુ:ખાવો કરે છે. એવું મનાય છે કે આવા સંજોગોમાં આંતરમણકા તકતી પરનું દબાણ 400 % જેટલું વધે છે, તેથી યોગ્ય રીતે સૂવા-બેસવાથી તેનાથી થતી પીડા ઘટાડી શકાય છે. લાંબી મુસાફરીમાં સતત બેઠા રહેવાથી પણ આવું જ બને છે. ધડને આગળ નમાવીને નીચેથી વજન ઊંચકવું જોખમી છે. હંમેશાં વજનને શરીરની પાસે રાખીને જ ઢીંચણ, કેડ તથા કમરના સાંધા વાળીને વજન ઊંચકવું જોઈએ એવું મનાય છે. દા. ત., નીચે પડેલી પેટીને ઊંચકીને ઉપાડવી. અચાનક કરાતું બળપૂર્વકનું કાર્ય આંતરમણિકાતકતી અને તંતુબંધો પર તણાવ સર્જે છે; તેથી તેમને પ્રથમ ધીમે ધીમે સક્રિય અથવા ‘ગરમ’ (warm up) કર્યા પછી જ બળપૂર્વકનું કાર્ય કરવું એવી સલાહ અપાય છે.

સામાન્ય રીતે તે સંત્રસ્તતા (sprain) અથવા મચકોડનો દુખાવો કે સામાન્ય પ્રકારનો આંતરમણિકા તકતી(disc)નો દુખાવો આપોઆપ મટે છે. જરૂર પડ્યે થોડા દિવસ પથારીમાં સૂઈને આરામ કરવાની સલાહ અપાય છે. વજન ઊંચકવાની શરૂઆત વખતે કમરને થોડો આધાર આપવો જરૂરી છે. શેક આપવો, અંત:શેક (diathermy) આપવો કે મસળવું (massage) વગેરે વિવિધ ભૌતિક ક્રિયાઓથી મર્યાદિત લાભ રહે છે. સક્રિય કસરતોથી સ્નાયુઓની અક્કડતા ઘટે છે, સતત સંકોચન (spasm) ઘટે છે અને સજ્જતા (tone) જળવાઈ રહે છે. શરૂઆતના સમયમાં કોડિન, ઍસ્પિરિન, પેન્ટાઝોસિન, પ્રોપૉક્સિફેન કે વધુ તીવ્ર કિસ્સામાં પેથિડીન અપાય છે. સ્નાયુશિથિલક (muscle relaxant) ઔષધ રૂપે ડાયાઝેપામ ઉપયોગી છે. જો પીડાકારક સોજાવાળો શોથકારી (inflammatory) વિકાર હોય તો ઇન્ડોમિથાસિન, આઇબુપ્રોફેન, ડાઇક્લોફેનક સોડિયમ વગેરે વિવિધ ઔષધો ઉપયોગી છે. કમરમાંની આંતરમણિકાતકતીના વિકારમાં પથારીમાં સંપૂર્ણ આરામ અને પીડાશામક ઔષધો ઉપયોગી છે. પગને બાંધીને ખેંચવાની ક્રિયાને કર્ષણ (traction)  કહે છે. તે મર્યાદિતપણે ઉપયોગી છે. ત્યારબાદ ક્રમિક વધતી જતી કસરત વડે દર્દીને ફરીથી સ્વસ્થ કરાય છે. જો પીડા ઘટે નહિ તો સી.એ.ટી. સ્કૅન, એમ.આર.આઇ.સ્કૅન કે કરોડરજ્જુચિત્રણ (myelography) વડે વિકારનું સ્થાન અને પ્રકાર નિશ્ચિત કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં પટ્ટિકા-ઉચ્છેદન (laminectomy) અને તકતી-છેદન (disc excision) જેવી શસ્ત્રક્રિયા કરવી પડે છે. જ્યારે કરોડના મણકા વચ્ચે વધુ પડતું લચીલાપણું હોય ત્યારે સંધિસંધાન (arthrodesis) નામની શસ્ત્રક્રિયા કરીને કરોડસ્તંભને સ્થિરતા અપાય છે. આરામ અને દવાઓ વડે 4 અઠવાડિયાંમાં 80 % રાંઝણવાળા કિસ્સાઓમાં રાહત મળે છે.

શિલીન નં. શુક્લ

વિક્રમ શાહ