પીંઢારા : સત્તરમી સદીમાં મધ્ય ભારતમાં લૂંટ અને હત્યા કરી ત્રાસ ગુજારનાર લોકો. તેઓ મરાઠા લશ્કરના શૂરવીર અને વફાદાર સહાયકો હતા. તેમનામાં ધાર્મિક કે રાષ્ટ્રીય લાગણીનો અભાવ હતો. તેઓ બધા ઘોડેસવાર હતા, પરંતુ તેઓ મેદાનમાં લડાઈ કરતા નહિ. 1814માં આશરે 30,000 પીંઢારા ઘોડેસવારો હતા. તેમનો મુખ્ય હેતુ લૂંટ કરવાનો હતો. તેમના જાણીતા આગેવાનો કરીમખાન, દોસ્ત મહંમદ, નામદારખાન, અમીરખાન, ચીતુ વગેરે હતા. તેઓ માળવા, રાજસ્થાન અને ચેન્નાઈ ઇલાકામાં વ્યાપક પ્રમાણમાં ગુના કરતા હતા. પાછળથી પઠાણોના સરદારો પણ પોતાની ટોળીઓ બનાવી લૂંટ કરવા લાગ્યા. ગ્વાલિયર અને ઇન્દોર જેવાં દેશી રાજ્યોમાં તેમને આશ્રય મળતો હતો. 18મી સદીમાં તેમણે મુઘલોના પ્રદેશોમાં ધાડ પાડી અને 19મી સદીમાં બ્રિટિશ પ્રદેશોમાં લૂંટ કરવા લાગ્યા. મછલીપટ્ટમના કિનારે તેમણે 339 ગામડાં લૂંટીને સેંકડો લોકોની હત્યા કરી અઢળક સંપત્તિ મેળવી હતી. 1808-1809માં તેમણે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં લૂંટ કરી હતી.
લૉર્ડ હેસ્ટિંગ્ઝે પીંઢારાઓની ટોળીઓનો નાશ કરવાની યોજના ઘડી. તે મુજબ મેટકાફે ભોપાલ, કોટા, બુંદી, ઉદયપુર, જોધપુર તથા જયપુરના રાજાઓ સાથે એવી સંધિ કરી કે તેઓ પીંઢારાને આશ્રય આપશે નહિ. પીંઢારાનો નાશ કરવામાં સહકાર આપવા સિંધિયા કબૂલ થયા. લૉર્ડ હેસ્ટિંગ્ઝ અને જનરલ ઑક્ટરલોનીની આગેવાની હેઠળના વિશાળ લશ્કરે લડાઈઓ કરીને પીંઢારાનો નાશ કર્યો. અમીરખાનને ટોંકનો નવાબ બનાવવામાં આવ્યો. કરીમખાને ગોરખપુર જિલ્લામાં વસવાટ કર્યો. વાઝિલ મુહમ્મદે આપઘાત કર્યો; તથા ચીતુને આસીરગઢના જંગલમાં વાઘે ફાડી ખાધો.
જ. મ. શાહ