પિસ્તાં : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ એનાકાર્ડિયેસી (આમ્રાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia Vera Linn. (સં. અભિષુક, મુકૂલક નિકરેચક; હિં. મ. ગુ. ફા. પિસ્તાં; બં. પિસ્તાગાછ; અ. ફિસ્તક, બસ્તજ; અં. પિસ્ટાશિઓ, ગ્રીન આમંડ) છે.

ઉદભવ અને વિતરણ : તે પૂર્વીય ભૂમધ્ય પ્રદેશ, ઈરાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશોની વતની વનસ્પતિ છે. તેનો ઉદભવ સંભવતઃ મધ્ય એશિયામાં થયો હોવાનું મનાય છે. તેનું વ્યાપારિક ધોરણે વાવેતર મુખ્યત્વે ઇટાલી, તુર્કી, સીરિયા, ગ્રીસ, ઈરાન, અફઘાનિસ્તાનમાં અને ઓછા પ્રમાણમાં લૅબેનોન, ટ્યૂનિસિયા અને જોર્ડન, સાયપ્રસ અને પશ્ચિમ પાકિસ્તાનમાં થાય છે. ઉત્તર ભારતમાં તેનું થોડું વાવેતર થાય છે. દુનિયામાં પિસ્તાં ઉત્પન્ન કરતા દેશોમાં ઈરાન અગ્રસ્થાને છે.

બજારમાં વેચાતાં પિસ્તાં તે જે પ્રદેશમાંથી આવે છે તે પ્રમાણે અફઘાન, ઇટાલિયન, સિલીસિયન, ટર્કિશ વગેરે નામોથી ઓળખાય છે. તેની કિંમત લીલા રંગ અને સુગંધ પરથી અંકાય છે. મોટાં આછાં પીળાં અને સૂકાં ઈરાની પિસ્તાં સિલીસિયન, સિરિયા અને તુર્કીનાં લીલાં અને સુગંધી પિસ્તાં કરતાં ઊતરતી કક્ષાનાં ગણાય છે. ઘાટા લીલા રંગનાં ઇટાલિયન પિસ્તાં સૌથી ઊંચી કિંમતનાં ગણાય. અફઘાનિસ્તાનનાં નાનાં અને લીલાં રંગનાં પિસ્તાં આઇસક્રીમમાં વધુ વપરાય છે.

બાહ્યાકારવિદ્યા (Morphology) : પિસ્તાં એક નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તે 10મી. સુધી ઊંચું હોય છે અને તેની શાખાઓ પ્રસારિત હોય છે. તેના પર્ણો અયુગ્મ એક પીંછાકાર (imparipinnate) સંયુક્ત, પર્ણપાતી (deciduous) અને 10-20 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ 5-10 સેમી. × 3-6 સેમી., ભાલાકારથી માંડી પહોળાં અંડાકાર અને ચર્મિલ (leathery) હોય છે. પિસ્તાં દ્વિગૃહો (dioeclous) વનસ્પતિ છે. એટલે કે નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. પુષ્પો નાનાં અદલપત્રી (apetarous) અને એકલિંગી હોય છે. તેઓ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે.

પિસ્તાંના પાન, ફૂલ અને ફળ

ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, રેખીયથી માંડી ગોળાકાર, બાજુએથી ચપટું, 10-20 મિમી. × 6-12 મિમી., બહારની છાલ વિવિધરંગી, જે સખત નૌકાકાર અંતઃફલાવરણ (endocarp)થી સહેલાઈથી છૂટી પડે છે અને આછા પીળાથી ઘેરા લીલા રંગના ખાદ્ય મીંજ(kernel)ને ઢાંકે છે. મીંજની ફરતે રતાશ પડતું આવરણ હોય છે.

પરાગનયન પવન દ્વારા થાય છે. શિયાળાનું – 30o સે.થી  42-2o સે. ઉનાળાનું સુધીનું તાપમાન પિસ્તાંનું વૃક્ષ સહન કરી શકે છે. આમ છતાં, સારા પ્રમાણમાં ફળ માટે તેને 7o સે.થી નીચું તાપમાન 700થી 1,000 કલાક સુધી જોઈએ છે. આ ઉપરાંત લાંબો અને સૂકો ઉનાળો તેનાં મીંજ બંધાવા માટે જરૂરી છે. એનું વૃક્ષ સૂકું હવામાન સહન કરી શકે છે. ભેજવાળું વાતાવરણ ફળ બંધાવામાં અને વૃદ્ધિમાં અવરોધરૂપ થાય છે.

વનસ્પતિ રસાયણ (phyochemistry) :

પિસ્તાંમાંથી અલગ કરાયેલાં વિવિધ રાસાયણિક સંયોજનો આ પ્રમાણે છે :

રાળ(resin) માંથી પ્રાપ્ત થતા પદાર્થોમાં α-પિન્ડીન, લિમોનીન, કૅમ્ફીન, કાર્વેક્રૉલ, એબાઇટૅડાઇન, ઍબાઇટેટ્રાઇન, પર્ણોમાઁથી પ્રાપ્ત થયેલા પદાર્થોમાં α-પિનીન, લિમૉનીન, ટર્પિનોલીન, ઑસિમીન, ફૂલમાંથી મળી આવતા પદાર્થોમાં α-પિનીન (કાચા ફળોમાં), લિમોનીન, સાયનિડિન-3-0-ગ્લુકોસાઇડ, સાયનિડિન-3-ગેસૅક્ટોસાઈડ, બીજ અને છાલમાંથી મળતા રસાયણોમાં ગૅલિક ઍસિડ, કૅટેચિન, ઍપિકૅટેચિન, નેરિન્જેનિન, ઇરિયોડિક્ટીઑલ, ડાયેડ્ઝેઇન, જેનિસ્ટેઈન, ક્વિર્સેટિન, કૅમ્પ્ફેરૉલ, ઍપિજેનિન, લ્યુટીઓલિન, ક્વિર્સેટિન-3-0-રુટિનોસાઈડ; છાલમાં આ ઉપરાંત, સાયનિડિન-3-0-ગ્લુકોસાઈડ, સાયનિડિન-3-ગેલૅક્ટોસાઈડ, મીંજમાંથી પ્રાપ્ત થયેલા સંયોજનોમાં 3-(8-પૅન્ટાડેકેનીલ) ફીનૉલ, ટ્રાન્સ-રિસ્વેરેટ્રૉલ અને સિસ-રિસ્વેરેટ્રૉલ્ટનો સમાવેશ થાય છે.

પિસ્તાંના મીંજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 5.6 %, પ્રોટીન 19.8 %, મેદ 53.5 %, કાર્બોહાઇડ્રેટ 16.2 %, રેસો 2.1 %, ખનિજ દ્રવ્ય 2.8 %. કૅલ્સિયમ 0.14 % અને ફૉસ્ફરસ 0.43 %, આયર્ન્ 13.7 મિગ્રા., કૅરોટીન (વિટામિન A તરીકે) 240 આઈ.યુ., થાયેમીન 0.67 મિગ્રા., રાઈબોફ્લેવિન 0.03 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 1.4 મિગ્રા. ઉષ્મીય (calorific) મૂલ્ય 626 કૅલરી/100 ગ્રા., કાષ્ઠફળ અને બીજ 3.53 % પૅક્ટિન (શુષ્કતાને આધારે, કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) ધરાવે છે.

પિસ્તાંના મીંજમાં આશરે 50 % જેટલું નીચું ગલનબિંદુ ધરાવતું તેલ હોય છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા અને ઔષધમાં થાય છે. બીજનું મૂલ્ય વધારે હોવાથી તેલનું ઉત્પાદન કરવામાં આવતું નથી. શીત-નિપીડિત તેલ સોનેરી પીળું અને ખાસ ગંધ વિનાનું હોય છે, પરંતુ દ્રાવક-નિષ્કર્ષિત તેલ ઘેરા લીલા રંગનું અને સુવાસિત હોય છે. તેલ સહેલાઈથી ખરાબ વાસવાળું બને છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ.ગુ. 15o 0.918-0.920, વક્રીભવનાંક 1.467-1.470, ઍસિડ આંક 0.5-4.0, સાબુકરણ આંક 191-195, આયોડીન આંક 84-94, કાચા દ્રવ્યનો આંક (R. M. values) 0.5, અનુમાપાંક (titre) 13-16 o, ગ.બિ. 5o, અને અસાબુનીકૃત દ્રવ્ય 0.4-1.0 %. તેનું ફૅટી ઍસિડ બંધારણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 0.6%, પાસિટિક 8.2 %, સ્ટીઆરિક 1.6 %, ઑબૅઇક 69.6 % અને લિનોબેઈક 19.8 %.

કુમળાં અને પરિપક્વ પર્ણોમાં શિક્રિમિક ઍસિડ હોય છે.

પરંપરાગત ઉપયોગો : પિસ્તાનાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. ઈરાનમાં કાષ્ઠફળનો ઉપયોગ બલ્ય (tonic), શામક (sedative) અને અતિસારરોધી (anti-diarrhoea); તથા આહાર તરીકે જોર્ડનમાં તેના તેલનો ચહેરાની ત્વચાના સ્વચ્છક (cleanser) અને તુર્કીમાં રાળનો ઉપયોગ દમ, જઠરની વેદના અને મસામાં કરવામાં આવે છે.

પર્ણો નાનાં, અનિયમિતપણે ગોળાકાર વૃક્ષવ્રણ (gall) ધરાવે છે. તેની ભારતમાં રંગાટકામ અને ચર્મશોધન- (tanning)ના હેતુ માટે આયાત કરવામાં આવે છે. વૃક્ષવ્રણમાં 50 % જેટલું ટૅનિન હોય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological)  ગુણધર્મો : પિસ્તાંના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial), શોથહર (anti-inflammatory), અર્બુદરોધી (antitumor), પ્રતિ-અતિલિપિડરક્ત (anti-hyperlipidemic), ધમનીકાઠિન્ય (atherosclerosis) ઉપર અસર કરે છે.

સાવચેતી : પિસ્તાંના ફળના બજારના નમૂનાઓ કેટલીક વાર ફૂગવિષ (mycotoxin) એફલેટૉક્સિન અને સ્ટૅરિગ્મૅટોસીસ્ટિનથી સંદૂષિત (contaminated) થયેલા હોય છે. પિસ્તાંના તેલના બજારના નમૂનાઓ એલિફેટિક હાઇડ્રોકાર્બનો, n-આલ્કેનો વડે સંદૂષિત થયેલા હોય છે. તેઓ સસ્તનની પેશીઓ માટે વિષાળુ હોય છે.

આયુર્વેદ અનુસાર, પિસ્તાં મધુર, ગુરુ, ઉષ્ણ, સ્નિગ્ધ, બલ્ય, બૃંહણ, વૃષ્ય, વાતહર, સ્વાદુ, ધાતુવર્ધક, કફપિત્તકર, રક્તશોધક, બલકર, ભેદક, કડવાં અને સારક હોય છે. તે વાયુ, ગુલ્મ અને ત્રિદોષનાશક છે. તે પ્રાયઃ બદામના મીંજ જેવા જ ગુણધર્મો ધરાવે છે. તેના પુષ્પ શીતળ, રુક્ષ, કબજિયાત કરનાર, પરંતુ ઉધરસમાં લાભદાયી છે. પિસ્તાં ઉપરનાં છોડા : કબજિયાત કરનાર, ઊલટી અને હેડકીનાશક, જઠર માટે લાભપ્રદ, દાંત, પેઢાં, હૃદય અને મગજ માટે બલ્ય, તૃષાશામક અને મુખક્ષતહર છે.

પિસ્તાંનું તેલ : મધુર, સુવાસિત, ઉષ્ણ, સ્નિગ્ધ, પિત્તશામક, હૃદ્ય, સ્મૃતિવર્ધક છે. તે ખાંસી, રક્તવિકાર, મુખપાક, યકૃતદોષ, મદાત્યય, ગાંડપણ અને વિષનાશક છે.

ઔષધ પ્રયોગો : (1) પૌષ્ટિક ખીર – પિસ્તાં, બદામ, ચારોળી અને ખસખસ વાટીને, દૂધમાં ઉમેરી, સાકર મેળવી ઉકાળી, તેની ખીર બનાવી તેમાં ગાયનું ઘી નાખી સેવન કરવામાં આવે છે. (2) આધાશીશી ઉપર – ગરમ દૂધમાં પિસ્તાં, એલચી અને ખાંડ ઉમેરી, ઉકાળી તેમાં એક ચમચી ઘી નાખી સવારે નરણા કોઠે ગરમ જલેબી ખાઈને ઉપર પિવડાવાય છે. (3) સ્મૃતિશક્તિ વધારવા માટે – બદામ, પિસ્તાં અ માલકાંકણીનું તેલ મિશ્ર કરી 5-10 ટીપાં દૂધ કે પતાસા સાથે લેવામાં આવે છે. (4) નપુંસક્તા માટે – બદામ, પિસ્તાં અને અખરોટનું ચૂર્ણ કરી, ઘીમાં સાંતળી ખાંડની ચાસણીમાં મેળવી, પાક બનાવી રોજ તેનું સેવન કરવામાં આવે છે. (5) મગજની પુષ્ટિ માટે : પિસ્તાં, એલચી અને સાકર મિશ્ર કરી દરરોજ ગરમ કરેલું દૂધ પિવડાવાય છે. પિસ્તાંનું અને બદામનું તેલ મેળવી કપાળે ઘસવામાં આવે છે.

मुकूलक प्रभृतीनि । पित्तश्लेषमकराण्याहु ।

स्निग्धोष्णानि गुरुणिय ।। बृंहणानि अनिलघ्नानि बलयानि मधुराणि च ।।

સુશ્રુત

બળદેવભાઈ પટેલ

હરિલાલ હીરજી થાનકી