પિશારોટી, પી. આર. (જ. 10 ફેબ્રુઆરી 1909, કોલેનગોડે, જિ. પાલઘાટ, કેરળ; અ. 24 સપ્ટેમ્બર 2002, પુણે) : હવામાનશાસ્ત્રના પ્રખર ભૌતિકશાસ્ત્રી. મૅટ્રિક સુધીનો અભ્યાસ કોલેનગોડેની શાળામાં જ 1925માં પૂરો કર્યો અને પછી 1931માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ, ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવી. 1932થી 1941 સુધી એક કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે કૉલેજની રજાઓ દરમિયાન બૅંગાલુરુની વિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં નોબેલ પારિતોષિક-વિજેતા, વિશ્વવિખ્યાત સર સી. વી. રામનના માર્ગદર્શન નીચે સંશોધનકાર્ય શરૂ કર્યું અને પ્રકાશનું વક્રીભવન, પરાશ્રવ્યધ્વનિકી (ultrasonics), સ્થિતિસ્થાપકતા અને એક્સ-કિરણો જેવા વિષયો પર સંશોધનલેખો (papers) લખ્યા. 1942માં તેમણે મદદનીશ વિજ્ઞાની તરીકે ભારતના હવામાન ખાતા(meteorological department of India)માં નોકરી લીધી અને 1947માં દિલ્હી હવામાન કેન્દ્રના મુખ્ય હવામાન આગાહીકાર (chief forecaster) તરીકે નિમાયા.
હવામાન ખાતાના પ્રતિનિધિ તરીકે (deputation) વધુ શૈક્ષણિક જાણકારી પ્રાપ્ત કરવા માટે તેમને 1951માં અમેરિકા મોકલ્યા. ત્યાં એમણે પ્રો. બર્કનીસના માર્ગદર્શન હેઠળ, લૉસ ઍન્જેલિસની, કૅલિફૉર્નિયા યુનિવર્સિટીની એમ.એ.ની અને પછી 1953માં પીએચ.ડી.ની (હવામાનશાસ્ત્રમાં) પદવી પ્રાપ્ત કરી.
ભારત પાછા આવ્યા પછી હવામાન ખાતાએ, તેમને કોલાબા હવામાન કચેરી અને અલીબાગ ભૂ-ચુંબકીય વેધશાળાના નિયામક (director) નીમ્યા. ત્યારબાદ પુણેમાં સ્થપાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયોરૉલૉજી(IITM)ના પહેલા નિયામક તરીકે એમની નિમણૂક કરવામાં આવી.
IITMમાંથી 1967માં નિવૃત્ત થઈને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં પ્રોફેસર તરીકે જોડાયા. 1970માં એમણે દૂરસંવેદનની મદદથી કેરળમાં નારિયેળીના વૃક્ષના મૂળમાં થતા રોગની તાત્કાલિક જાણ થઈ શકે તેવો પ્રયોગ કરી ભારતમાં દૂરસંવેદન ટૅક્નૉલૉજી વિકસાવવાનો પાયો નાખ્યો. આના માટે એમને વિજ્ઞાનીઓ ‘father of remote sensing’ના હુલામણા નામથી સંબોધે છે.
એમણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં માનાર્હ સેવા આપી છે. તેને માટે એમનું બહુમાન પણ થયું છે.
મુખ્ય કામગીરી અને સિદ્ધિઓ :
(1) સભ્ય અને પછી પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર મંડળ, World Meteorological Organization (1963-68).
(2) સભ્ય, જૉઇન્ટ ઑર્ગેનાઇઝિંગ કમિટી ફૉર ગ્લોબલ ઍટમોસ્ફેરિક રિસર્ચ પ્રોગ્રામ (1969-77).
(3) ઉપ-પ્રમુખ, ઇન્ટરનૅશનલ એસોસિયેશન ફૉર મીટિયોરૉલૉજી ઍન્ડ ઍટમોસ્ફેરિક ફિઝિક્સ (1972-79).
(4) ઇન્ટરનૅશનલ મીટિયોરોલૉજિકલ ઍવૉર્ડ ઑવ્ વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (19-89).
એમણે ભારતના હવામાન અને એને લગતા વિષયોમાં ઘણું ઉપયોગી પ્રદાન કર્યું છે. તેઓ હંમેશાં વિશાળ યોજનાઓ વિચારતા (mega-thinker) હતા, જેનાં કેટલાંક ઉદાહરણ છે : ધ મૉન્સૂન એક્સપેરિમેન્ટ, ભારતની મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ સંસ્થા.
એમનો સંસ્કૃતનો અભ્યાસ પણ ઊંડો હતો. એમનાં પ્રવચનોમાં યોગ્ય સંસ્કૃત શ્ર્લોકોનો સંદર્ભ પણ આપતા.
80 વર્ષની જૈફ ઉંમરે PRLમાંથી સિનિયર ઑનરરી પ્રોફેસર-પદેથી નિવૃત્ત થયા હતા.
પ્રફુલ્લ દ. ભાવસાર