પિલ્લાઈ, ડૉ. ચંપકરામન (જ. 15 સપ્ટેમ્બર 1891, તિરુવનન્તપુરમ્, કેરળ; અ. 26 મે 1934, બર્લિન, જર્મની) : જર્મનીમાં વસેલ ભારતીય ક્રાંતિકારી. ચંપકરામનનો જન્મ સારી સ્થિતિના તમિળ હિંદુ કુટુંબમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ત્રાવણકોર રાજ્યમાં પોલીસ અધિકારી હતા. ત્યાંની મહારાજા હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1905ની બંગભંગની ચળવળમાં ભાગ લેવાથી ચંપકરામનની ધરપકડ થઈ અને અભ્યાસ છોડી દેવો પડ્યો. બ્રિટિશ-વિરોધી પ્રચાર કરતાં ચંપકરામનને પોલીસ સાથે અથડામણ થવાથી સપ્ટેમ્બર 1908માં તેઓ પરદેશ જતા રહ્યા. ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડમાં અભ્યાસ કર્યા બાદ, જર્મની જઈને યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાંથી તેમણે ઇજનેરી તથા અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. તેમણે બાર ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીજી અને ટિળકથી પ્રભાવિત થયા હતા, તથા ટિળકનું સૂત્ર ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે, અને હું તે મેળવીશ’ તેમણે સ્વીકારી લીધું હતું. અર્લ સ્ટ્રિકલૅન્ડ નામના અંગ્રેજ ઉમરાવે તેમને શિક્ષણ લેવામાં તથા યુરોપમાં સંપર્કો સ્થાપી આપવામાં મદદ કરી હતી. યુરોપના ક્રાંતિકારીઓના સંપર્કથી પિલ્લાઈ ક્રાંતિકારી બન્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બર્લિનમાં રહીને તેમણે અન્ય ભારતીય ક્રાંતિકારીઓની મદદથી અંગ્રેજો વિરુદ્ધ સંગઠન સ્થાપ્યું. 1914માં અન્ય ભારતીયોને ભેગા કરીને તેમણે ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કમિટી’ની રચના કરી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સ્વાતંત્ર્યસંગ્રામને લશ્કરી મદદ આપવા તેમણે જર્મન સરકારને સંમત કરી. તેની મદદથી તેમણે ‘ઇન્ડિયન વૉલન્ટિયર’ની પણ રચના કરી. તેનો હેતુ અંગ્રેજો સામે લડાઈ કરવાનો હતો. આ અરસામાં યુરોપમાં સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ વિરુદ્ધ પ્રચાર કરવા તેમણે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિકમાં ‘ઇન્ટરનેશનલ પ્રો-ઇન્ડિયા કમિટી’ની રચના કરી અને ‘પ્રો-ઇન્ડિયા’ નામનું સામયિક શરૂ કર્યું. જર્મનીમાં બર્લિનમાં 1914માં ‘ઇન્ડિયન નૅશનલ પાર્ટી’ સ્થાપવામાં આવી. તેમાં ચંપકરામન, લાલા હરદયાળ, બરકતુલ્લા, તારકનાથ દાસ વગેરે નામાંકિત ક્રાંતિકારીઓ જોડાયા હતા.
હિંદી મહાસાગરમાં બ્રિટિશ જહાજોને તથા ભારતના પૂર્વકાંઠાનાં બ્રિટિશ મથકોને ભારે નુકસાન કરનાર જર્મન સબમરીન ‘ઇમ્ડન’માં પિલ્લાઈ માર્ગદર્શન આપવા જોડાયા હતા. જર્મનીમાં વસતા ભારતીય ક્રાંતિકારીઓએ 1915માં ‘સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર’ની રચના કરી. તેમાં પિલ્લાઈને વિદેશોની બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ફ્રાન્સમાંના ભારતીય સૈનિકોને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરવા તેમણે વિમાનમાંથી પત્રિકાઓ નાખી હતી. તેઓ પાન-જર્મન નૅશનાલિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય બન્યા, તે જર્મનીમાં એક પરદેશી માટે બહુમાન ગણાતું.
બ્રિટિશ સરકારે તેમને પકડવા મોટું ઇનામ જાહેર કર્યું; છતાં તેમાં સફળતા મળી નહિ. ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ મોતીલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ વગેરેના સંપર્કમાં પિલ્લાઈ આવ્યા હતા. એશિયામાં ક્રાંતિકારી જૂથો સ્થાપી, ભારતની સ્વતંત્રતા માટે લડત આપવા જર્મનીમાં તેમની સાથે જોડાવા તેમણે સુભાષચંદ્ર બોઝને જણાવ્યું હતું.
જર્મનીમાં હિટલર સત્તા પર આવ્યો. તેને એશિયાના લોકોની રાજ્ય કરવાની આવડત માટે સારો અભિપ્રાય ન હતો. પિલ્લાઈએ આ બાબતનો જાહેરમાં વિરોધ કરવાથી ઍડૉલ્ફ હિટલર તથા નાઝીઓ માટે અસ્વીકાર્ય બન્યા. તેમની તબિયત બગડવાથી પિલ્લાઈ ઇટાલી ગયા ત્યારે નાઝીઓએ જર્મનીમાં તેમની મિલકતો કબજે કરીને ઘણી ઓછી કિંમતે વેચી દીધી. તેથી તેઓ બર્લિન પાછા ફર્યા. તેમને થયેલા અન્યાયની સત્તાધીશોને ફરિયાદ કરી; પરંતુ કંઈ વળ્યું નહિ. એક દિવસ નાઝીઓએ તેમને ખૂબ મારીને શારીરિક ઈજાઓ પહોંચાડી. તેમને આવા વર્તાવથી સખત માનસિક આઘાત લાગ્યો. તેમણે સારવાર માટે નર્સિગ હોમમાં દાખલ થવું પડ્યું. ત્યાં શંકાસ્પદ સંજોગોમાં તેમનું અવસાન થયું.
પિલ્લાઈ જૂની રૂઢિઓના વિરોધી અને ક્રાંતિકારી હતા. તેમણે મણિપુરી યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ બધા લોકો માટે આત્મનિર્ણયના અધિકારમાં માનતા હતા. બ્રિટિશ સત્તા હેઠળથી ભારતને સ્વતંત્ર કરવા માટે તેમણે પોતાનું જીવનનું સમર્પણ કર્યું હતું. જર્મનીમાં તેમણે સામ્રાજ્યવાદવિરોધી પ્રચાર કર્યો, પરંતુ તેમનો મુખ્ય વિરોધ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે હતો અને ભારતને બ્રિટિશ સત્તા હેઠળથી સ્વતંત્ર થયેલું જોવા તેઓ ઉત્સુક હતા.
જયકુમાર ર. શુક્લ