પિરામિડ : એ નામની ભૌમિતિક આકૃતિ ધરાવતાં પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન અમેરિકાનાં વિશાળ સ્થાપત્યો.
પ્રાચીન ઇજિપ્ત : પ્રાચીન ઇજિપ્તમાં ચોરસ પ્લાન ઉપર પિરામિડની બાંધણી થતી. ચોરસ પ્લાનને કારણે ઊભી થતી ચાર ત્રિકોણાકાર બાજુઓ ઊંચી આવીને પ્લાનના કેન્દ્રબિંદુની સ્તંભરેખામાં એકબીજીને એક બિંદુએ મળી જઈ ટોચની રચના કરતી. ‘પિરામિડ’ શબ્દ સંભવત: ગ્રીક પ્રજાએ ઉપહાસજનક રીતે પ્રયોજ્યો હતો; જેનો અર્થ ‘ઘઉંની કેક’ થતો. પ્રાચીન ઇજિપ્તની લિપિમાં પિરામિડ માટે વપરાતા શબ્દ ‘મ’ અને ‘ર’ એમ બે વ્યંજન હતા, પણ તેના સ્વરોની જાણકારી આપણી પાસે નથી. ઇજિપ્તમાં પિરામિડની બાંધણી રાજાની અને રાજવી કુટુંબના સભ્યોની કબર માટે થતી. બાહ્ય ડિઝાઇનના આધારે પ્રાચીન ઇજિપ્તના પિરામિડના બે ભાગ પાડી શકાય : 4 બાજુઓ પગથિયાનાં સ્વરૂપે હોય તેને ‘સ્ટેપ પિરામિડ’ કહે છે; 4 બાજુઓ સપાટ હોય તેને ‘ટ્રૂ પિરામિડ’ (સાચો પિરામિડ) કહે છે.
સ્ટેપ – પિરામિડ : સ્ટેપ – પિરામિડ એ ટ્રૂ પિરામિડ કરતાં પણ વધુ પ્રાચીન છે. સૌથી પહેલો સ્ટેપ – પિરામિડ સક્કરાહ ખાતે ઈ. સ. પૂ. 2750ની આસપાસ ત્રીજા રાજવંશના રાજા ઝોસર માટે બંધાયો હતો. ઝોસરની રાજગાદીનો વારસ બનેલ રાજા સૅખૅમ્ખૅતનો સ્ટેપ – પિરામિડ પણ સક્કરાહ ખાતે જ બંધાયો. આ બે ઉપરાંત બીજા 4 સ્ટેપ – પિરામિડ છે : (1) મેમ્ફિસ પાસે આવેલ ઝાવિયેત અલ્-આર્યન ખાતે, (2) અલ્-ફઈયૂમ પાસે આવેલ સિલાહ ખાતે, (3) નાગડાહ ખાતે અને (4) અલ્-કુલા ખાતે. આ ચારમાંનો પ્રથમ સ્ટેપ પિરામિડ ખાબા નામના રાજાએ બંધાવ્યો હોવાની સંભાવના છે. અન્ય 3 પિરામિડો વિશેની ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ ચારેય પિરામિડો ઈ. સ. પૂ. 2600ની પહેલાં બંધાઈ ચૂક્યા હતા.
ઝોસરનો સ્ટેપ – પિરામિડ : ઉપર વર્ણવેલા પાંચ સ્ટેપ – પિરામિડોમાં ઝોસરનો પિરામિડ હાલમાં ખંડિત હાલતમાં હોવા છતાં સૌથી વધુ ભવ્ય છે. હૅલિયોપૉલિસના પંડિત ઇમ્હૉતેપ દ્વારા તેની ડિઝાઇન થયેલી. ‘મસ્તાબા’ નામે ઓળખાતા નાના ઘનાકાર મકાનની બાંધણી વડે આ પિરામિડની શરૂઆત થયેલી. આ મકાન ઉપર ચારેય બાજુથી 5 પડમાં બાંધકામ કરીને આખરે 5 પગથિયાંવાળો આ ઝોસરનો પિરામિડ સર્જાયો; તેની ઊંચાઈ 62 મીટર છે.
આ પિરામિડની નીચે ભૂગર્ભમાં, એટલે કે તેના ગ્રાઉન્ડ લેવલથી 27 મીટર નીચે રાજાનો દફનખંડ તેમજ તેનાં કુટુંબીજનોના અન્ય 11 દફનખંડ આવેલા છે. આ બધા જ એકમેક સાથે પથ્થરના ભૂગર્ભમાર્ગ વડે સંકળાયેલા છે. રાજાના દફનખંડની નજીક આવેલા 2 ઓરડામાં અને એક પ્રદર્શન-ગૅલેરીમાં ભૂરા ગ્લેઝવાળા ટાઇલ્સ વડે સુશોભન કર્યું છે; જેમાં રાજાને ધાર્મિક ઉત્સવોમાં વ્યસ્ત દર્શાવ્યો છે.
જે સમયે ઝોસરનો પિરામિડ બંધાયો તે જ સમયે હકીકતમાં ઇજિપ્તના લોકોએ બાંધકામમાં પથ્થર વાપરવો શરૂ કર્યો હતો. આ અગાઉ તેઓ લાકડું, તડકે પકવેલી ઈંટો અને બરુ (એક જાતનું ઘાસ) તથા કાથીનો બાંધકામમાં ઉપયોગ કરતા હતા. આથી આ જૂની બાંધણીની અસર પથ્થરની નવી બાંધણીમાં પણ જોવા મળે છે. પથ્થરની બાંધણીના નવા નુસખાઓ શોધાવા બાકી હતા અને અર્થ ન સરતો હોવા છતાં જૂની બાંધણીની ઘરેડની નકલ થયેલી જોવા મળે છે; દા.ત., સ્તંભ અને છત વચ્ચે મૂકવામાં આવતા બરુની પથ્થરમાં કરેલ નકલ.
ટ્રૂ પિરામિડ : ભૌમિતિક આકારની દૃષ્ટિએ જેને ‘સાચા’ પિરામિડ કહી શકાય તેવા ટ્રૂ પિરામિડ બાંધવાની શરૂઆત ઈ. સ. પૂ. 2600માં ચોથા રાજવંશ દરમિયાન થઈ. ટ્રૂ પિરામિડના આજે હયાત નમૂનાઓમાંથી કોઈ પણ બેનાં કદ કે સ્થાપત્યની ડિઝાઇનમાં એકવાક્યતા નથી, માત્ર તેમનો પ્લાન સરખો છે.
ટ્રૂ પિરામિડનો પ્લાન : રાજાના મૃત્યુ પછી નાઈલની પશ્ચિમે આવેલા રણમાંના મંદિરમાં શબને શુદ્ધીકરણ અને દ્રવ્યલેપન માટે લઈ જવામાં આવતું હતું. આ પ્રકારનાં મંદિરમાંનો શ્રેષ્ઠ હયાત નમૂનો ચેફ્રેન પિરામિડ સંકુલના મંદિરનો છે. પૉલિશ કરેલા ગ્રૅનાઇટ પથ્થરોની જાડી દીવાલો તદ્દન બિન-અલંકૃત છે; માત્ર બે દરવાજે રાજાનું નામ જ કોતર્યું છે. મંદિરમાંથી પશ્ચિમ દિશા તરફ જતી લાંબી પરસાળ આ મંદિરને શબ રાખવા માટેના મંદિર સાથે જોડે છે. તે ચિત્રોથી અલંકૃત છે. શબ રાખવા માટેના મંદિરનાં 5 અંગો છે : સ્વાગતખંડ, ચારેય બાજુ પરસાળથી ઘેરાયેલો ખુલ્લો ચોક, મૂર્તિ માટેના 5 ગોખલા, કોઠાર અને પિરામિડની પૂર્વ દિશાએ આવેલું ગર્ભગૃહ. મંદિરની અંદરની દીવાલો પર ધાર્મિક ઉત્સવો અને રાજાના જીવનના મહત્વના પ્રસંગો ઉપસાવીને કોતરેલા તેમજ ચીતરેલા છે. સ્વાગતખંડ અને ખુલ્લા ચોકમાં રાજાના દેવો તેમજ રાણી સાથેનાં પૂર્ણ શિલ્પ મૂક્યાં છે. પિરામિડ અને શબ રાખવાના મંદિર ફરતે કોટ છે. આ રીતે રચાતા પ્રાંગણમાં નાના પિરામિડો પણ છે, જે રાણીઓ માટેની કબર છે. સ્ટેપ-પિરામિડથી વિપરીત અહીં ટ્રૂ પિરામિડમાં દફનખંડ જમીનની સપાટીથી નીચે ભૂગર્ભમાં નહિ, પણ જમીનની સપાટી પર કે ક્યારેક જમીનની સપાટીની પણ ઉપર મકાનની વચ્ચોવચ આવેલો હોય છે.
ગિઝાના ગ્રેટ પિરામિડની આંતરિક રચના : પિરામિડની વચ્ચે રાજાનો દફનખંડ, 8 ઇંચ પહોળી, 2 સાંકડી સુરંગો વડે બહારની સપાટી સાથે જોડાયેલ છે. આ ખંડ પર 5 છત વડે બનેલા 5 માળિયા પિરામિડની ટોચને પોતાના ભારથી રાજાના દફનખંડમાં તૂટી પડતાં બચાવે છે. રાજાની દફનવિધિ પૂરી થયા બાદ સંલગ્ન રક્ષણાત્મક ખંડમાં ગ્રૅનાઇટ પથ્થરના 3 દ્વારને ઉપરથી નીચે બંધ કરી રાજાના દફનખંડને બંધ (seal) કરી દેવામાં આવ્યો. આ પછી ભવ્ય વિથિના માર્ગ આગળ રાખેલ ગ્રૅનાઇટના પથ્થરો વડે ભવ્ય વિથિને પણ બંધ કરી દેવાતી. છેલ્લો મજૂર આ રીતે બધું બંધ કરીને બહાર નીકળવાના નીચેના માર્ગથી પ્રવેશદ્વારમાંથી બહાર નીકળ્યો હોવો જોઈએ. ભૂગર્ભ ખંડ લૂંટારાઓને ભ્રમમાં નાંખીને ગેરરસ્તે વાળવા સર્જાયો હોવો જોઈએ; જેથી તેઓ રાજા અને રાણીના ખંડ સુધી પહોંચી ન શકે. રાણીના ખંડમાં શબનું દફન થયેલું જોવા નથી મળતું; પણ તેમાં શબને અર્પણ કરાયેલી ભેટસોગાદોનો સંગ્રહ છે. પિરામિડની ચારેય બાજુઓની બાહ્ય સપાટી ગ્રૅનાઇટના પથ્થરોથી બની હતી. ઈ.સ. 820માં ખલીફ અલ્ મામૂન રાજાના દફનખંડમાં ઘૂસ્યો પણ તેને માત્ર અપૂર્ણ હાલતમાં શબપેટી જ મળી. જેને માટે આ પિરામિડ બંધાયો તે રાજા ચિયૉપ્સનું મમી (શબ) હાથ લાગ્યું નહિ.
કેટલાક ટ્રૂ પિરામિડમાં એકથી વધુ દફનખંડ હોય છે. સ્નૉર્ફુ ખાતે આવેલા બેન્ટ પિરામિડમાં દ્વિતીય દફનખંડમાં જવા માટે જમીનની સપાટીની ઉપર જુદું પ્રવેશદ્વાર છે.
ધ ગ્રેટ પિરામિડ : ટ્રુ પિરામિડ શ્રેણીના ‘ધ ગ્રેટ પિરામિડ’માં રાજા ચયૉપ્સને દફનાવેલ છે. તેનો પ્લાન 755 x 755 ફૂટ (230 x 230 મીટર) છે, ઊંચાઈ 481.4 ફૂટ (146.7 મીટર) છે. ટોચના 31 ફૂટ(9.4 મીટર)નું બાંધકામ તૂટી ગયું છે; તેથી હાલમાં હયાત નથી. પાયો 13.1 એકર (5.3 હેક્ટર) જમીન રોકે છે. આ પિરામિડ બાંધતાં 2.5 ટનનો એક એવા અંદાજે 23,00,000 પથ્થરના ટુકડા વપરાયા હોવા જોઈએ. આ પિરામિડમાં 3 દફનખંડ છે, જેમાંથી એક ભૂગર્ભમાં છે.
પિરામિડના બાંધકામ(body)ની વચ્ચે આવેલા બે દફનખંડ અલગ અલગ ઊંચાઈએ છે; તેમાંથી એક રાજાનો અને એક રાણીનો છે.
આ બે દફનખંડ 153 ફૂટ (47 મીટર) લાંબી અને 28 ફૂટ (8.5 મીટર) ઊંચી ગૅલરી વડે જોડાયેલા છે. આથી ગૅલરીની છત કમાનાકાર છે. રાજાના દફનખંડમાં ગ્રૅનાઇટની બનાવેલી દફનપેટી છે, છતની ઉપર 5 અલગ અલગ ખંડ છે, જેમાંથી ચારમાં સીધી અને એકમાં કોણાકાર છત છે. છતની આવી સંકુલ બાંધણીનો હેતુ એ જણાય છે કે રાજાના દફનખંડની છત પર લાખો ટનનું વજન સીધું ન આવી પડે. રાજાના દફનખંડની ઉત્તર અને દક્ષિણ દિશાએથી લંબચોરસ આકારની 8 ઇંચ પહોળી નાની સુરંગો નીકળી પિરામિડની બહારની ત્રિકોણાકાર દીવાલો સુધી પહોંચે છે. આ સુરંગ-માર્ગોનો હેતુ હજુ સુધી સમજાયો નથી.
પિરામિડની બાંધણી : અસંખ્ય મજૂરોની સહાય લેવા છતાં પિરામિડની બાંધણીમાં વર્ષો લાગ્યાં હોવા જોઈએ. પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર હિરોડૉટસ ઈ. સ. પૂ. 450ની સાલમાં તેના પુસ્તક ‘હિસ્ટરી’માં લખે છે : સેંકડોના જૂથમાં મજૂરો કામ કરતા. પથ્થર ઘસડીને બાંધકામના સ્થળે લઈ જવા માટેના રસ્તા અને ભૂગર્ભખંડો તૈયાર કરવામાં જ 10 વરસ લાગતાં. આ પછી પિરામિડની બાંધણી પાછળ બીજાં 20 વરસ લાગતાં. જમીનને ચોકસાઈપૂર્વક સમતલ કરવામાં આવતી અને ચોરસ પ્લાનના ચારેય ખૂણા એક વર્તુળમાં હોય તેની ચોકસાઈપૂર્વક ચકાસણી થતી.
બાંધણીની તૈયારી થતાં પહેલાં જ ખાણમાંથી પથ્થર ખોદવાની પ્રવૃત્તિ હાથ ધરાતી. પિરામિડની બાહ્ય સપાટીમાં વપરાતો ઊંચી કક્ષાનો ચૂના-પથ્થર (lime stone) ગિઝા અને સક્કારાહથી દૂર આવેલ તુરાની ખાણોમાંથી મળતો. 800 કિમી. દૂર આસ્વાન ખાતેથી મળતો ગ્રૅનાઇટ લવાતો. પિરામિડ બાંધવાના સ્થાનિક સ્થળેથી મળતો પથ્થર પિરામિડ માટેના પથ્થર ઘસેડવાના રસ્તા બાંધવા વપરાતો.
પિરામિડના પ્લાનના કેન્દ્રથી શરૂ કરીને ચોતરફ વિસ્તરીને પિરામિડનું બાંધકામ થતું. આ રીતે પિરામિડનો નીચેનો પટ્ટો બાંધ્યા પછી જ વિશાળ કદના પથ્થરોને વધુ ને વધુ ઉપર ચડાવવાની ખરી મુશ્કેલી શરૂ થતી. આ મુશ્કેલી ઈંટો વડે બનાવેલ કામચલાઉ ઢોળાવ વડે દૂર થતી. જેમ જેમ પિરામિડ ઊંચો થતો જતો તેમ તેમ આ ઢોળાવ લંબાવવામાં આવતો. લાકડાનાં નળાકાર સાધનો કે સ્લેજગાડી વડે પથ્થરો ઢોળાવ પર ઉપર ચડાવાતા. બાંધકામ પૂરું થતાં 4 ત્રાંસી બાહ્ય દીવાલો (બાજુઓ) પર પગને ટેકો મળે તે માટે પગથિયાં સ્વરૂપે પાતળી પાળો રખાતી. ટોચને સુવર્ણના પડથી સજાવ્યા બાદ ઢોળાવ અને પાળાઓનો ઉપરથી શરૂ કરીને નીચે તરફ નાશ કરવામાં આવતો.
પિરામિડની સાર્થકતા : પ્રાચીન ઇજિપ્તની દફનવિધિ ધાર્મિક અને જાદુ-ટોણાંથી પ્રેરિત હતી. રાજવંશની અગાઉના સમયમાં શબને રણમાં છીછરી ઊંડાઈએ દાટી દેવાતું. ઈ. સ. પૂ. 3100 અગાઉ રાજવંશના સમયમાં ધનિકોએ શબ ઉપર ‘મસ્તાબા’ (ઈંટોની બનેલી ઘનાકાર બાંધણી) બાંધવા શરૂ કર્યા. સ્થાપત્યના દૃષ્ટિબિંદુથી આ બાંધણીનો કોઈ હેતુ કે ઉપયોગિતા હોય એવું જણાતું નથી, તેથી તેનો માત્ર ધાર્મિક વિધિનો હેતુ હશે એવું અનુમાન છે.
રાજા અને રાજવી કુટુંબના સભ્યો મૃત્યુ પછી સૂર્યદેવ અને અન્ય દેવો સાથે પણ પુન:ર્જીવન પ્રાપ્ત કરે છે તેવી પ્રાચીન ઇજિપ્તની માન્યતા હતી, તેથી મૃત શરીરને મમી બનાવી પિરામિડમાં પુન:ર્જીવનની આશા સાથે સંભાળપૂર્વક મૂકી રાખવામાં આવતું.
પ્રાચીન અમેરિકન પિરામિડ : કોલંબસ અને યુરોપના અન્ય લોકો અમેરિકા પહોંચ્યા તે અગાઉની (pre-columbian) અમેરિકાની પ્રજાએ કરેલાં બાંધકામોમાં પિરામિડ સૌથી વધુ આકર્ષક સ્થાપત્ય છે. ઈ. સ. પૂ. 1200થી માંડીને ઈ. સ. પૂ. 700 સુધી એ રીતે કુલ 2000 વરસના ગાળામાં આ પિરામિડ મેક્સિકો અને મધ્ય અમેરિકાના અન્ય પ્રદેશોમાં બંધાયા. આ પ્રદેશોની માયા, ટ્યૉતિહુઆકાન, ટૉલ્ટેક અને આઝતેક પ્રજાઓ મહાનગરોમાં વસતી હતી. આ મહાનગરોમાં પિરામિડ મહત્વનું સ્થાન ધરાવતા હતા, કારણ કે પિરામિડની તળેટીમાં બધાં એકઠાં થઈ પિરામિડની ટોચે સમતલ છત પર યોજાતી ધાર્મિક વિધિ જોઈ શકતાં હતાં. આ અમેરિકન પિરામિડ ઇજિપ્તના પિરામિડ કરતાં નીચા હતા, પણ કદમાં વધુ વિશાળ હતા. મધ્ય મેક્સિકોમાં ચોલુલા ખાતે આવેલ ક્વૅત્ઝલ્કૉટલનો પિરામિડ 210 ફૂટ (64 મીટર) ઊંચો છે પણ તે જમીન પર 30 એકર (12 હેક્ટર) જગ્યા રોકે છે; જે ઇજિપ્તના ગિઝાના પિરામિડની જગ્યા કરતાં પણ વધુ છે. મધ્ય અમેરિકામાં સંખ્યાબંધ નાના અને સીધા ઢોળાવવાળા પિરામિડો જોવા મળે છે. ઇજિપ્તના પિરામિડથી ઊલટું અમેરિકન પિરામિડના નક્કર બાંધકામમાં ભાગ્યે જ કોઈ દફનખંડ કે અન્ય ખંડ છે. અમેરિકન પિરામિડનો બાહ્ય ઘાટ ઘણો સંકુલ જણાય છે. ટેકરી પર ડાંગરના ધરુના ઢોળાવવાળાં હારબંધ ખેતરોની જેમ ઉપર જતાં પિરામિડ નાનો ને પાતળો થતો જાય છે અને ટોચ પર બારી વગરનો પથ્થરનો બનેલો એક ખંડ હોય છે. પિરામિડની તળેટીથી આ ખંડમાં પહોંચવા માટે પગથિયાં હોય છે. આ ખંડમાં ક્રિયાકાંડ કરનારા માનવબલિ એટલે કે માનવવધ કરતા અને મહાનગરની મેદની તળેટીમાંથી આ વિધિ જોતી. પ્રાચીન અમેરિકન પ્રજાઓ પાસે ધાતુનાં ઓજારો, પૈડાંવાળાં વાહનો અને પાળેલાં પશુઓ ન હોવા છતાં તેમણે આવાં વિશાળ સ્થાપત્યો સર્જ્યાં એ મોટી સિદ્ધિ કહેવાય. પથ્થરની બનેલ કુહાડીથી ખડકો કાપી તેમને યોગ્ય ઘાટ અપાતો. મેક્સિકોમાં ટ્યૉતિહુઆકાન, ગ્વાતેમાલામાં તિકાલ, યુકાતાનમાં ચિચેન ઇત્ઝા, હૉન્ડુરસમાં ક્વિરિગ્વા અને કૉપાન ખાતે વિરાટકાય પિરામિડ જોવા મળે છે. ટ્યૉતિહુઆકાનના સૂર્ય અને ચંદ્રના પિરામિડ અમેરિકન પિરામિડનાં સૌથી જાણીતાં દૃષ્ટાંત છે.
અમિતાભ મડિયા