પિરાન્દેલો, લુઈજી (. 28 જૂન 1867, સિસિલી, ઇટાલી; . 10 ડિસેમ્બર 1936, રોમ) : ઇટાલીના પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પ્રથમ તેમણે વિજ્ઞાનનો અને ત્યારબાદ પ્રશિષ્ટ  સાહિત્યનો અભ્યાસ કર્યો. છેલ્લે તેમણે રોમ અને બૉનમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના મૂળ વતનની લોકબોલી વિશે મહાનિબંધ લખીને બૉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તે પછી બૉન ખાતે ઇટાલિયન ભાષાઓના પ્રાધ્યાપક બન્યા. છેવટે રોમ આવી તેમણે ઘણાં વર્ષો અધ્યાપન કર્યું.

લુઈજી પિરાન્દેલો

તેમણે વાસ્તવલક્ષી તથા જોશીલી ટૂંકી વાર્તાઓ તથા નવલકથાઓ લખી. તેમાં તેમણે હૃદયભગ્ન તથા ચિત્તભ્રમિત જગતનું આલેખન કર્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ રૂપે ઇટાલીના સમાજમાં જોવા મળેલી તીવ્ર અને ઘેરી નૈતિક કટોકટીનું તેમાં પ્રતિબિંબ ઝિલાયું છે.

45 વર્ષની વયે તેમણે સૌપ્રથમ નાટક લખ્યું અને ક્રમશ: સાંપ્રત નાટ્યપ્રવૃત્તિના અગ્રેસર પુરસ્કર્તા બની રહ્યા. તેમનાં 10 નાટકો પૈકી ‘સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર’ (1920), ‘હેનરી ફોર્થ’ (1922) તથા ‘ઍઝ યૂ ડિઝાયર મી’ (1930) મહત્વનાં છે. ‘સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર’નું યુરોપની અનેક ભાષાઓ ઉપરાંત ગુજરાતી, બંગાળી જેવી ભારતીય ભાષાઓમાં ભાષાંતર થયું છે અને તેના નાટ્યપ્રયોગો પણ થયા છે. નાટકોમાં તે બ્રેખ્તની શૈલીના પુરોગામી જેવું સામર્થ્ય દાખવે છે. ‘નાટકમાં નાટક’ જેવી પ્રયુક્તિ દ્વારા પોતાનાં નાટકોમાં તેઓ અંદરની વાસ્તવિકતા અને બહારનો દેખાવ, મૂળ સ્વભાવ તથા બાહ્ય વ્યક્તિત્વ, નટ અને પાત્ર તેમજ ચહેરા અને મહોરાં જેવાં દ્વંદ્વ અને સંઘર્ષોની તલસ્પર્શી છણાવટ કરે છે.

1925માં તેમણે પોતાનું આગવું થિયેટર સ્થાપ્યું અને તેની મારફત પોતાનાં નાટકો યુરોપભરમાં રજૂ કર્યાં. પછીનાં કેટલાંક નાટકો પરથી ચલચિત્રો પણ બન્યાં. કેટલાંક ઉત્તરકાલીન નાટકો નિષ્ફળ પણ ગયાં. તેમણે પ્રકૃતિવાદ(naturalism)ની પરંપરાઓને પડકારી યુરોપના નાટ્યપ્રવાહ પર ભારે પ્રભાવ જન્માવ્યો. 1934માં તેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયું.

મહેશ ચોકસી