પિયા કા ઘર : મુંબઈ જેવા મહાનગરમાં પોતાનું કહી શકાય એવા ઘરની સમસ્યા કેવી હોય છે અને તેને ઉકેલવા જતાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરતું હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માતા : તારાચંદ બડજાત્યા; પટકથા : રામ કેળકર; દિગ્દર્શન-સંવાદ : બાસુ ચૅટરજી; ગીતકાર : આનંદ બક્ષી; છબિકલા : કે. કે. મહાજન; સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ; મુખ્ય ભૂમિકા : જયા ભાદુડી, અનિલ ધવન, રંજિતા ઠાકુર, સુરેશ ચટવાલ, પેઇન્ટલ, આગા, મુકરી, અસરાની અને સુલોચના ચૅટરજી.

ગંભીર વિષયને પણ હળવી શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા દિગ્દર્શક બાસુ ચૅટરજીએ આ ચિત્રના એક ગીત ‘યે જીવન હૈ… ઇસ જીવન કા યહી હૈ, યહી હૈ, યહી હૈ રંગરૂપ’ દ્વારા જ આમ તો બધું કહી દેવાનો પ્રયત્ન કર્યો છે. મુંબઈ જેવા મોટા શહેરની મોટી મોટી ચાલીઓની નાની નાની ઓરડીઓમાં વસતા જીવનનાં રંગરૂપ આ ચિત્રમાં તેમણે રજૂ કર્યાં છે.

રામ અને માલતીનાં લગ્ન થયે ઝાઝો સમય નથી થયો. ગામડામાં ઊછરેલી માલતીને પરણીને રામ તેને મુંબઈની એક ચાલીમાં પોતાના ઘરમાં રહેવા લઈ આવ્યો છે. એક જ ઓરડાના ઘરમાં રામ અને માલતી  ઉપરાંત રામનાં માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી તથા નાનો ભાઈ પણ રહે છે. રામ તો આ સંકડાશમાં રહેવા ટેવાયેલો છે; પણ માલતીનો  શ્વાસ રૂંધાય છે. નવદંપતીને એકાંત ન મળવાને કારણે પણ તેઓ દુ:ખી થતાં રહે છે. એમાંય ગામડાની મોકળાશમાં મોટી થયેલી માલતી એક ઓરડાની સંકડાશમાં કેમેય પોતાની જાતને ગોઠવી શકતી નથી. પોતાના ગૃહસ્થજીવન અંગે તેણે જે સપનાં જોયાં હતાં એ બધાં જ મુંબઈ આવતાવેંત ભાંગીને ભુક્કો થઈ ગયાં હોવાનું તેને લાગે છે. આમ આ એક જ ચિત્રમાં દિગ્દર્શક એક સાથે એક વાસ્તવિકતા અને એક સામાજિક સમસ્યા કલાચિત્રના ઘાટમાં પ્રસ્તુત કરે છે.

હરસુખ થાનકી