પિયર્સન લેસ્ટર બાઉલ્સ

January, 1999

પિયર્સન, લેસ્ટર બાઉલ્સ (. 23 એપ્રિલ 1897, ટોરૉન્ટો, કૅનેડા; . 27 ડિસેમ્બર 1972, ઓટાવા, કૅનેડા) : 1957ના વર્ષના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને કૅનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન. ટૉરન્ટો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેમણે 1928માં એક વર્ષ માટે પોતાની માતૃસંસ્થાઓમાં ઇતિહાસના વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તરત જ 1928માં કૅનેડિયન ફૉરેન સર્વિસમાં જોડાયા. આ સાથે તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો. કૅનેડાના વિદેશ-મંત્રાલયના પ્રથમ સચિવપદે રહ્યા પછી 1931 અને 1935  આ બે વર્ષ તેમણે રૉયલ કમિશનમાં સેવાઓ આપી.

લેસ્ટર બાઉલ્સ પિયર્સન

1935ના વર્ષમાં તેઓ લંડન ખાતેની કૅનેડા હાઇકમિશનની ઑફિસના સલાહકાર રહ્યા. 1941માં તેઓ કૅનેડા પાછા ફર્યા. 1945માં તેઓ અમેરિકા ખાતે કૅનેડાના રાજદૂત નિમાયા. અમેરિકામાં તેમના વસવાટનાં વર્ષો દરમિયાન તેઓ રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બ્લીની પોલિટિકલ ઍન્ડ સિક્યૂરિટી કમિટીના ચૅરમૅન રહ્યા. આ કાર્યકાળ દરમિયાન પૅલેસ્ટાઇનના ભાગલા કરવા અંગેનો ઠરાવ તેઓ સફળતાપૂર્વક યુનોમાં મંજૂર કરાવી શક્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવી જ મહત્વની કામગીરી તેમણે 1956માં સુએઝ નહેર અંગેની કટોકટીનું શાંતિમય નિરાકરણ કરવા અંગે બજાવી હતી. તેમની આ બંને કામગીરી આંતરરાષ્ટ્રીય શાંતિની સ્થાપના માટે સીમાચિહનરૂપ બની રહી અને તે માટે 1957માં તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું.

1951માં તેઓ ‘નાટો’ના ચૅરમૅન નિમાયા. 1958માં કૅનેડાની લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા. 1963માં કૅનેડાના વડાપ્રધાન તરીકે તેમની વરણી થઈ. 1968માં આ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું અને તેની સાથે જ રાજકારણમાંથી પણ સંપૂર્ણ નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું.

રક્ષા મ. વ્યાસ