પિયર્સન, કાર્લ (જ. 24 માર્ચ 1857, લંડન; અ. 27 એપ્રિલ 1936, લંડન) : વિખ્યાત અંગ્રેજ જનીનવિદ્યાવિશારદ (geneticist) અને આંકડાશાસ્ત્રી. 1866માં લંડનમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને કારણે શાળામાંથી ઉઠાડી ખાનગી ટ્યૂશન દ્વારા ઘેર અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો. ત્યારબાદ શાળા-શિક્ષણ કેમ્બ્રિજમાં પૂરું કર્યું. કૉલેજનો અભ્યાસ કિંગ્ઝ કૉલેજ-કેમ્બ્રિજમાં શરૂ કર્યો. કૉલેજમાં બીજા નંબરે પાસ થવા બદલ શિષ્યવૃત્તિ મળી. 1879માં તેમણે ગણિતશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ સારા ગુણાંકન સાથે મેળવી અને કૉલેજ તરફથી ફેલોશિપ મેળવી. તેનાથી તેઓ આત્મનિર્ભર બન્યા. કૉલેજમાં વિદ્યાભ્યાસ દરમિયાન તેમણે ઓગણીસમી સદીનું ઊર્મિનાટક (passion play) ‘ધ ટ્રિનિટી’ લખેલું, જે 1882માં પ્રકાશિત થયું.
ઈ. સ. 1881માં શરૂ કરી ત્રણ વર્ષ વકીલાત કરી સાથે સાથે રાજકીય પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રકાશનો, અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ અને જર્મનીની મુલાકાત લઈને જર્મન ઇતિહાસનું સંશોધન જેવી અનેક પ્રવૃત્તિઓ કરી. તેના દ્વારા તેમના બહુવિધ વ્યક્તિત્વનો પરિચય મળે છે.
1884માં લંડન યુનિવર્સિટીમાં પ્રયુક્ત (applied) ગણિતશાસ્ત્ર અને યંત્રશાસ્ત્ર(mechanics)ના અધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેમણે નારી-જીવનની સમસ્યાઓ, સમાજવાદ અને જાતીયતા પર લેખો પ્રકાશિત કર્યા. સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની તવારીખ પર સંશોધન કર્યું. 1892માં તેમનું પુસ્તક ‘વિજ્ઞાનનું વ્યાકરણ’ (‘The grammar of science’) પ્રસિદ્ધ થયું. ભૂમિતિના અધ્યાપક તરીકે પિયર્સને આપેલાં વ્યાખ્યાનો પણ આ ગ્રંથમાં આમેજ થયેલાં છે. વિજ્ઞાનની ફિલસૂફીમાં આ ગ્રંથ પ્રશિષ્ટ (classic) ગણાય છે. તેનો અનુવાદ યુરોપની સાત જુદી જુદી ભાષાઓમાં થયેલો છે.
આંકડાશાસ્ત્રમાં સંભાવના-વિતરણના અચળાંકો (distribution constants), સરાસરીની પ્રમાણિત ભૂલ (standard error of the mean), પ્રમાણ-વિચલન તથા પ્રમાણભૂલના વક્રો તથા સમધારણ વક્રો (normal variation curves) અને વિષમવક્રો (skew curves) વગેરે વિષય પરના સંશોધનલેખો પ્રકાશિત થયા. આ લેખોનું સંકલન ‘મૃત્યુની સંભાવના’ (‘The Chances of Death’) નામના તેમના નિબંધમાં 1894માં થયેલું. આ જ અરસામાં ‘ઉદવિકાસના સિદ્ધાંતમાં ગાણિતિક યોગદાન’ (‘The Mathematical Contribution to the Theory of Evolution’) નામનો લેખ પ્રસિદ્ધ થયો. તેમાં સમધારણ વક્રના અચલાંકોની ગણતરી, પ્રમાણ-વિચલનનું સૂત્ર અને તેનો સંકેત σ આપ્યો. 1894માં સહસંબંધ(correlation)ની ગણતરી માટેનું ગુણનપ્રઘાત(product moment)નું સૂત્ર આપ્યું. આ સંશોધનમાંથી તેમને આંકડાશાસ્ત્રી તરીકે બહુ ખ્યાતિ મળી. 1900માં તેમણે (કાઈવર્ગ) કસોટીનું સૂત્ર = આપ્યું. બીજો એક સંશોધનલેખ ‘વિષમ સહસંબંધ અને બિનસુરેખ નિયતસંબંધનો વ્યાપક સિદ્ધાંત’ (‘the general theory of skew correlation and non-linear regression’) રજૂ કર્યો. તેમાં તેમણે અને જેવાં સમીકરણ આપી અને r વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. આ અને આવા બીજા સંશોધનલેખો 1900થી 1906 દરમિયાન ‘બાયૉમેટ્રિકા’માં પ્રકાશિત થયા. 1907માં પ્રયુક્ત ગણિતશાસ્ત્રના વિભાગીય વડા, સંશોધન પ્રયોગશાળાઓના નિયામક અને ‘બાયૉમેટ્રિકા’ના સંપાદક-તંત્રી તરીકેની ફરજ બજાવી. 1911માં પ્રયુક્ત આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ થયા. 1920માં તેમને આયુર્વિજ્ઞાન સંશોધન સમિતિની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એ રીતે આયુર્વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રના વિનિયોગથી ઘણાં સંશોધનોમાં મદદ મળી.
1923માં તેમને આંખની તકલીફ ઊભી થઈ. આ જ સમયગાળામાં તેમનાં પત્ની મારિયા શાર્પનું અવસાન થયું. ફ્રાન્સિસ ગૉલ્ટન સાથેના પરિચયથી પિયર્સન આનુવંશિકતા અને ઉદ્વિકાસની સમસ્યાઓ સાથે આંકડાશાસ્ત્રનો વિનિયોગ કરવા પ્રેરાયા. આમ 1893થી 1912 દરમિયાન તેમણે પ્રસિદ્ધ કરેલાં 18 સંશોધનપત્રોની શ્રેણીમાં ઉદ્વિકાસમાં આંકડાશાસ્ત્રનો વિનિયોગ જોવા મળે છે. 1929માં તેમણે લખેલું ગૉલ્ટનનું જીવનવૃત્તાંત પ્રકાશિત થયું. 1933માં યુનિવર્સિટીમાંથી અધ્યાપક તરીકે નિવૃત્ત થયા, પણ જીવનના અંત સુધી ‘બાયૉમેટ્રિકા’ના સંપાદક તરીકે કામ કર્યું. આમ પિયર્સન ઇતિહાસવિદ, લેખક, નાટ્યકાર, સમાજશાસ્ત્રી, જીવવિજ્ઞાની, આંકડાશાસ્ત્રી અને અધ્યાપક – એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.
રમેશભાઈ સોમદાસ પટેલ