પિયર્સ જ્યૉર્જ વૉશિંગ્ટન

January, 1999

પિયર્સ, જ્યૉર્જ વૉશિંગ્ટન (. 11 જાન્યુઆરી 1872, વેબરવિલ, ટૅક્સાસ, યુ.એસ.; . 25 ઑગસ્ટ 1956, ફ્રૅન્કલિન, એન.એચ., યુ.એસ.) : રેડિયો-તારસંચારના શોધક અને સંદેશાવ્યવહાર-ઇજનેરીના પ્રસિદ્ધ અને સફળ અધ્યાપક.

સામાન્ય ખેડૂત કુટુંબમાં તેઓ જન્મેલા. ત્રણ ભાઈઓમાં તેમનો બીજો ક્રમ હતો. પિયર્સનું રહેઠાણ ઢોરઉછેરના મથકે હતું. આવા સ્થળે તેમનો વિકાસ થયો. ગામની શાળામાં ઉત્તમ કામગીરી બજાવી. ત્યારબાદ ટૅક્સાસ યુનિવર્સિટી(ઑસ્ટિન)માં ત્રણ વર્ષ અભ્યાસ કરી સ્નાતક થયા. મધ્ય ટૅક્સાસમાં પોતાના વતનમાં રહી 1898 સુધી માધ્યમિક શાળામાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીની ફેલોશિપ મળતાં ત્યાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને 1900માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પરિણામે લાઇપઝિગની લુડવિગ બૉલ્ટ્ઝમાનની પ્રયોગશાળામાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની તક મળી.

ત્યારબાદ પિયર્સ યુ.એસ. પાછા આવ્યા અને 1903થી 1940 સુધી યુ.એસ.માં અધ્યાપનકાર્ય કર્યું. 1914માં હાર્વર્ડની ક્રૂફ્ટ હાઈ-ટેન્શન ઇલેક્ટ્રિકલ પ્રયોગશાળા શરૂ થતાં પિયર્સને તેના નિયામકપદે નિયુક્ત કરવામાં આવ્યા. અહીં તેમણે દાબવિદ્યુત (piezo-electricity) અને ચુંબકીય નિરૂપણ (magneto-striction) ઉપર મૌલિક સંશોધન કર્યું. પરિણામે તેમણે પિયર્સ દોલકની રચના કરી, જેમાં ક્વૉર્ટ્ઝ-સ્ફટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા ક્વૉર્ટ્ઝ-સ્ફટિકના ઉપયોગવાળા પિયર્સ દોલક વડે નિયત કરેલી આવૃત્તિએ રેડિયો-સંચારણ ચોકસાઈપૂર્વક કરી શકાય છે.

પિયર્સ અજોડ અધ્યાપક હતા. તેમણે રેડિયો-ઇજનેરીના ક્ષેત્રે રેડિયો-સંદેશાવ્યવહારના કેટલાક મહત્વના અભ્યાસક્રમોનું આયોજન કર્યું. અધ્યાપનકાર્ય સાથે સાથે તેમણે રેડિયો-તારસંચાર અને વિદ્યુત-ધ્વનિક (electro-acoustics) ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં, જેમના આધારે વિદ્યુત-સંદેશાવ્યવહારનો વૈજ્ઞાનિક પાયો તૈયાર થઈ શક્યો.

પિયર્સે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી; જેમ કે, રેડિયો-વિદ્યુત તરંગ ગ્રાહક(antenna)ના વિકિરણ-ગુણધર્મોનો અભ્યાસ અને ગણતરી; પારાની બાષ્પ-વિભારનળીની શોધ, ફિલ્મ ઉપરના ધ્વનિ-અંકન(recording)ની શોધ, નિકલ અને નિક્રોમના ચુંબકીય વિરૂપણ ઉપરનું સંશોધન. પાણીની અંદર સંકેતો મોકલી સબમરીનને શોધી કાઢવા માટે આ સંશોધન મહત્વનું પુરવાર થયું. પાછળથી તેમણે ચામાચીડિયાં અને જંતુઓ વડે પેદા થતા ધ્વનિ વિશે અભ્યાસ શરૂ કર્યો અને 1948 સુધી આ અભ્યાસમાં તેમની દિલચસ્પી રહી.

‘પ્રિન્સિપલ્સ ઑવ્ વાયરલેસ ટેલિગ્રાફી’ (1910) અને ‘ઇલેક્ટ્રિક ઑસિલેશન્સ ઍન્ડ ઇલેક્ટ્રિક વેવ્ઝ’ (1919)- આ બે ઘણાં ઉપયોગી પુસ્તકો તેમના તરફથી મળ્યાં છે.

પ્રહલાદ છ. પટેલ