પિયરે ગિલ્સ દ્ જેનેઝ (જ. 1932, પૅરિસ, અ. 18 મે 2007, ઓરસે, ફ્રાંસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. સાદા તંત્ર(પ્રણાલિ)માં બનતી ક્રમિત (order) ઘટનાઓનો અભ્યાસ કરીને પ્રવાહી-સ્ફટિક (liquid-crystal) અને બહુલક (polymers) જેવા જટિલ સ્વરૂપ ધરાવતા પદાર્થો માટે સામાન્યીકરણના અભ્યાસની પદ્ધતિઓના શોધક. આ શોધ માટે તેમને 1991માં ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
તેઓ આધુનિક યુગના ‘આઇઝેક-ન્યૂટન’ તરીકે ઓળખાય છે.
પિયરે-ગિલ્સે ચુંબકીય પ્રાવસ્થા સંક્રમણ(phase-transition)થી કાર્ય શરૂ કર્યું અને સાતમા તથા આઠમા દાયકામાં તેમણે વધુ જટિલ ‘ક્રમ ઘટનાઓ(order phenomena)નો અભ્યાસ કર્યો.
કેટલાંક દ્રવ્યોમાં અતિવાહકતાની સ્થિતિમાં પ્રાવસ્થા-સંક્રમણ; પ્રવાહી સ્ફટિકમાં ક્રમિત અવસ્થામાંથી અક્રમિત અવસ્થા; ભૌમિતિક ગોઠવણમાં નિયમિતતાઓ; બહુલક ફેરફારો; સૂક્ષ્મ-પ્રવાહી મિશ્રણ(micro-emulsion)માં સ્થિરતાની સ્થિતિ અને અન્ય ઘટનાઓ તેમના રસ અને પર્યેષણના વિષયો છે.
પ્રવાહી સ્ફટિકો સો વર્ષથી જાણીતા થયા છે. તેની દ્રવગતિકી-(hydrodynamics)નો અભ્યાસ ઉપસાલા(સ્વીડન)ના પ્રો. ઓસીને કર્યો હતો. 1960 પછી પ્રવાહી-સ્ફટિકની બાબતે જાણકારી વધી. પ્રકાશીય (optical) ગુણધર્મોનો ઉપયોગ કરીને તેમનો વિસ્તૃત અભ્યાસ થયો. આવા પ્રવાહી-સ્ફટિકો પૉકેટ-ગણકયંત્ર, કાંડાઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં ઉપયોગી થાય છે.
1960 પછી તેમણે સક્રિય સંશોધકોની ટુકડી તૈયાર કરી. તેમણે ‘ધ ફિઝિક્સ ઑવ્ લિક્વિડ ક્રિસ્ટલ’ પુસ્તક લખ્યું. વિશ્વસનીય સંદર્ભગ્રંથ તરીકે આ પુસ્તકનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે.
પ્રહલાદ છ. પટેલ