પિપેરાઇન : મરી(pepper vine, piper nigrum)માં રહેલું તીવ્ર સ્વાદવાળું રસાયણ. નાઇટ્રોજનયુક્ત (આલ્કેલૉઇડ) કાર્બનિક સંયોજનો પૈકીનું એક.  કાળા અથવા સફેદ મરીમાં 5 %થી 9 % પિપેરાઇન હોય છે. સૌપ્રથમ 1820માં  તે મરીમાંથી જુદું પાડવામાં આવેલું. તે પછી 1882માં તેનું બંધારણ નક્કી કરવામાં આવેલું અને 1894માં તેનું સંશ્લેષણ કરવામાં આવેલું. તાજા ખાંડેલા મરીમાં જે તીવ્ર વાસ આવે છે તે ચૅવિસીન નામના પિપેરાઇનના જ્યામિતીય સમઘટક(geometrical isomer)ને લીધે હોય છે. ખાંડેલા મરીના ભૂકાને લાંબો સમય રાખી મૂકતાં તેની વાસની તીવ્રતા ઘટી જાય છે, કારણ કે ચૅવિસીનનું ધીમે ધીમે પિપેરાઇનમાં પરિવર્તન થતું જાય છે.

જ. પો. ત્રિવેદી