પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા)

January, 1999

પિટ્સબર્ગ (કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક શહેર તથા ઊંડાં જળ ધરાવતું બારું. ભૌ. સ્થાન : 38o 01′ ઉ. અ. અને 121o 53′ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કો ઉપસાગરના ભાગરૂપ સ્યુસન ઉપસાગરના કિનારા પર સૅક્રેમેન્ટો અને સાન વૉકીન નદીઓના સંગમ પર આવેલું છે. 1849માં જનરલ ટેકમસેહ શરમને તે વસાવેલું. 1863માં અહીંથી કોલસો મળી આવેલો, તેથી 1911 સુધી આ સ્થળ ‘બ્લૅક ડાયમંડ’ના નામથી ઓળખાતું હતું. પછીથી અહીંથી હલકી કક્ષાનો કોલસો નીકળવાથી તેનું ઉત્પાદન ઘટી ગયું, તેને બદલે અહીં મત્સ્ય-ઉદ્યોગની પ્રવૃત્તિ શરૂ થઈ. અત્યારે અહીં ફળોના ડબ્બા પૅક કરવામાં આવે છે, તેમજ પોલાદની ચીજવસ્તુઓ, રસાયણો, ભઠ્ઠીઓ માટેની ઈંટો, કાગળ તથા પ્લાસ્ટિકના માલસામાનનું ઉત્પાદન થાય છે. આ નગરની વસ્તી અંદાજે 72,141 (2017) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા