પિઠોરાગઢ : ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 29 58´ ઉ. અ. અને 80 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સૌર ખીણ(Saur Vally)ના લગભગ પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ ખીણ લગભગ 50 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. આ જિલ્લાનો સમાવેશ કુમાઉં મહેસૂલી વિભાગમાં આવે છે, જે નૈનિતાલથી ઈશાને 188 કિમી. દૂર છે. આ જિલ્લાની દક્ષિણે ચંપાવત જિલ્લો, પશ્ચિમે અલમોડા જિલ્લો, ઉત્તરે બાગેશ્વર અને ચમૌલી જિલ્લા તેમજ પૂર્વે નેપાળ દેશની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે. આબોહવાકીય દૃષ્ટિએ તે વેગવંતા પવન અને ચક્રવાતની શક્યતા ધરાવતા વિભાગમાં આવે છે. કોઈ મોટા પૂરની શક્યતા ધરાવતા વિભાગમાં આ જિલ્લો આવતો નથી.

ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો ટેકરીઓવાળું ભૂપૃષ્ઠ ધરાવે છે. તેની આજુબાજુ હિમાચ્છાદિત હિમાલય આવેલો છે. તે આશરે 1600 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. જિલ્લાના ઉત્તર અને પૂર્વ ભાગમાં નાનામોટા ઘાટો આવેલા છે. આ જિલ્લાની ઉત્તરે તિબેટનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. જ્યારે પૂર્વમાં નેપાળ આવેલ છે. કૈલાસ અને માનસરોવર જનારા યાત્રીઓને લીપુલેખ ઘાટ પસાર કરવા આ જિલ્લામાંથી જ પસાર થવું પડે છે. કાલીગીરી પર્વતમાંથી ઉદભવ પામતી કાલી નદી જે નેપાળ સાથે સીમા ધરાવે છે.

આ જિલ્લો સમગ્ર વર્ષ દરમિયાન વર્ષાઋતુની અસર અનુભવે છે. ઉનાળો એપ્રિલથી મધ્ય જૂનના સમયગાળામાં અનુભવાય છે. આ સમયગાળામાં ઉનાળો પ્રમાણમાં હૂંફાળો રહે છે. કોઈક વખત ગાજવીજ સાથે વરસાદ પડે છે. જ્યારે વર્ષાઋતુ મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બરના સમયગાળામાં અનુભવાય છે. આ સમયગાળામાં ભેજ વધુ રહેતો હોવાથી લગભગ દરરોજ ભારે વરસાદ પડે છે. શરદઋતુ એટલે કે ઑક્ટોબર–નવેમ્બર માસ દરમિયાન સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ઋતુ પ્રમાણમાં હૂંફાળી હોય છે. જ્યાર ડિસેમ્બર માસથી શિયાળાની ઋતુનો પ્રારંભ થાય છે. બપોર પછી વાતાવરણ ખુશનુમા રહે છે. સવારે અને રાત્રે ઠંડીનો વધુ અનુભવ થાય છે. અહીં અવારનવાર હિમપ્રપાત અનુભવાય છે. ઉનાળા, શિયાળા અને વર્ષાઋતુ દરમિયાન સરેરાશ તાપમાન અનુક્રમે 23 સે., 9.7 સે. અને 21.6 સે. રહે છે. નદીના કોતરો ધારચૂલા, જૂલાઘાટ અને સેરા પાસે 40 સે. તાપમાન પહોંચે છે. સરેરાશ વરસાદ 3600 મિમી. પડે છે. તેમ છતાં ઊંચાઈને કારણે વરસાદની માત્રામાં વિરોધાભાસ જોવા મળે છે.

અર્થતંત્ર : પિઠોરાગઢ જિલ્લામાં 82% ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે. 90% ખેડૂતો ખેતીની જમીનના માલિક છે. થાલ, હુમુર, બાડેબ, ચન્દકા વગેરે પ્રકારની જમીન આવેલી છે. મોટે ભાગે જમીન ઍસિડિક છે. જિલ્લાના ઉત્તરના ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. 4,000 મીટરની ઊંચાઈ સુધીના વિસ્તારમાં વનસ્પતિ જોવા મળે છે. મોટે ભાગે ઉષ્ણકટિબંધીય, ઉપ-હિમાલયની અને ઉપ-આલ્પાઇન પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અહીં ડાંગર, ઘઉં, ડુંગળી, મરચાં, વટાણા, બટાકા, કઠોળ અને કોબીજ-ફુલાવર જેવાં મુખ્ય શાકભાજીની ખેતી થાય છે.

આ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગનું મહત્ત્વ વધુ છે. કોઈક જગ્યાએ ખનિજો મેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. જેથી નાનામોટા ઉદ્યોગો ઊભા થઈ શકે. અહીં મુખ્યત્વે મૅંગેનીઝ અયસ્ક, તાંબા અયસ્ક, ચૂનાના પથ્થર અને સ્લેટના અનુમાનિત જથ્થા રહેલા છે.

વસ્તી : આ જિલ્લામાં હિન્દુઓની વસ્તી 98.28% છે જ્યારે મુસ્લિમોની વસ્તી 1.24% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1021 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 82.93% છે. આદિવાસી જાતિ અને પછાત જાતિની ટકાવારી અનુક્રમે 4.04% અને 24.90% છે. આદિવાસીઓમાં વાન રાવત અને શાઉકસ (Shauks) છે. વાન રાવત લોકોની મુખ્ય પ્રવૃત્તિ શિકાર કરવાની છે. શાઉકસ મોટે ભાગે વ્યાપારની પ્રવૃત્તિમાં વધુ રસ લે છે. અહીં બોલાતી ભાષામાં કુમાઉંની, હિન્દી, નેપાળી, ભાટિયા અને અન્ય છે. જેની ટકાવારી અનુક્રમે જોઈએ તો 87.68%, 7.36%, 1.50% અને 1.49% છે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં બીયાંગ્સી, કરમીયા વગેરે ભાષા બોલાય છે. જે મોટે ભાગે સીનો-તિબેટિયન ભાષા ગણાય છે. આ જિલ્લાનો વિસ્તાર 7,110 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 4,83,439 છે. અહીં ભટકતી પ્રજામાં ભોટિયા જાતિનો સમાવેશ થાય છે. મોટે ભાગે તેઓ શિયાળામાં ઢોર-ઢાંખર સાથે ખીણ વિસ્તારમાં વસે છે. ઠંડીથી બચવા ખીણ વિસ્તારના હૂંફાળા વિસ્તારમાં વસવાનું પસંદ કરે છે.

પિઠોરાગઢ (પાટનગર) : ઉત્તરાખંડ રાજ્યના પિઠોરાગઢ જિલ્લાનું જિલ્લામથક અને શહેર.

ભૌગોલિક સ્થાન : તે 29 58´ ઉ. અ. અને 80 22´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી તે 1,627 મીટર ઊંચાઈ ધરાવે છે. તેનો વિસ્તાર 9 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 56,044 છે. કુમાઉં વિભાગનું આ સૌથી મોટું ગિરિમથક છે. અમેરિકન લેખક બ્રાડલી સ્વીફ્ટે (Bradly Swift) લખેલ નવલકથા ‘પિઠોરાગઢથી પિટ્સબર્ગ’(Pithoragrah to Pitsburg)માં આ ગિરિમથકનું વર્ણન કર્યું છે.

આ શહેર રેલમાર્ગ દ્વારા સીધી રીતે કોઈ પણ શહેર સાથે સંકળાયેલું નથી, પરંતુ રસ્તા માર્ગે અને હવાઈ માર્ગે સંકળાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 9 પસાર થાય છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ વર્ષાઋતુના પ્રારંભમાં અને વર્ષાઋતુમાં થાય છે. આ ગાળામાં બસ-સુવિધા સ્થગિત કરવી પડે છે. પિઠોરાગઢમાં પાકા રસ્તાની લંબાઈ 80 કિમી. છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસો, ટૅક્સીઓની સુવિધા છે. આ શહેરની સૌથી નજીક આવેલું રેલવેસ્ટેશન ટાનકપુર છે જે આ શહેરથી 151 કિમી. દૂર છે. કાઠગોદામ 212 કિમી. દૂર છે. પિઠોરાગઢમાં પ્રવેશ મેળવવા હલ્દવાની અને ટાનકપુર થઈને જ જવું પડે. પિઠોરાગઢ હવાઈ મથક ‘નૈની સૈની હવાઈ મથક’ તરીકે ઓળખાય છે. જે શહેરથી 5 કિમી.ના અંતરે આવ્યું છે. જે મોટે ભાગે હવાઈ દળના ઉપયોગમાં આવે છે. પિઠોરાગઢથી 249 કિમી. દૂર ‘બરેલી હવાઈ મથક’ આવેલું છે. જે મુંબઈ, ન્યૂ દિલ્હી અને બૅંગાલુરુ સાથે સંકળાયેલું છે.

પિઠોરગઢ તે જિલ્લાનું મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. પ્રાથમિક શાળાથી શરૂ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે, જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. આ સિવાય CBSE, CISCE અભ્યાસક્રમ સાથે સંકળાયેલી  શાળાઓ આવેલી છે. LSM ગવર્નમેન્ટ પોસ્ટગ્રૅજ્યુએટ એકમાત્ર કૉલેજ આવેલી છે. અન્ય કૉલેજો કુમાઉં યુનિવર્સિટી (નૈનિતાલ) સાથે સંકળાયેલી છે. વિવિધ વિષય શાખાઓની કૉલેજો પણ આવેલી છે.

આ જિલ્લાને વહીવટી સુગમતા ખાતર છ તાલુકાઓમાં વિભાજિત કરેલ છે. જે મુનસ્યારી (Munsyari), ધારચૂલા, ડીડીહાટ, બેરીન્જ અને ગાન્ગોલીહાટ છે.

આ શહેરનાં જોવાલાયક સ્થળોમાં અશોક મસ્ક ડિયર સેન્ચ્યુરી, બેરિંગ હિલ સ્ટેશન (2010 મીટર ઊંચાઈ), આયુકોરી હિલસ્ટેશન (2010 મીટર ઊંચાઈ), મુનસ્યારી હિલ સ્ટેશન જે જાહેર વેલી તરીકે ઓળખાય છે. પિઠોરાગઢ કિલ્લો, મોસ્તમાનું મંદિર (શિવમંદિર) વગેરે છે.

કુમાઉંના રાજા ‘ચાંદરાજા’નું પ્રભુત્વ હતું. પૃથ્વી ગોસાઈએ પિઠોરાગઢનો કિલ્લો નિર્માણ કર્યો હતો.

આ શહેરની આસપાસનો વિસ્તાર ‘માનસખંડ’ તરીકે ઓળખાય છે.

પહેલી સદીમાં કુશાન રાજાનું વર્ચસ્વ હતું. 11મી સદીમાં કટીયુરી (Katyuri) રાજાએ અનેક મંદિરો બંધાવ્યાં હતાં. 13મી સદીમાં આ રાજાની પડતી થઈ. 14મી સદીમાં ચંપાવતના રાજાએ આક્રમણ કરીને આ પ્રદેશ જીતી લીધો હતો. 16મી સદીમાં બાલો કલ્યાણ ચાંદ રાજાનું પ્રભુત્વ સ્થપાયું હતું. તે વખતે પીઠોરાગઢ કિલ્લાનું આયોજન થયું હતું અને તે ‘લંડન ફોર્ટ’ તરીકે ઓળખાયો હતો. 1790માં ચાંદ રાજાએ બીજા કિલ્લાનું નિર્માણ કર્યું હતું. આજે ત્યાં મહિલા કૉલેજ કાર્યરત છે. 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કરતાં સરકારે આ કિલ્લો હસ્તગત કર્યો હતો.

નીતિન કોઠારી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે