પિટ, વિલિયમ (જ. 28 મે 1759, હેઝ, ઇંગ્લૅન્ડ; અ. 23 જાન્યુઆરી 1806, લંડન) : અઢારમી અને ઓગણીસમી સદીના સંધિકાળના બ્રિટનના પ્રખ્યાત વડાપ્રધાન. ઇતિહાસમાં તેઓ નાના પિટ (Pitt, the Younger) તરીકે જાણીતા છે. તેમના પિતા વિલિયમ પિટ મોટા (the Elder) (અર્લ ઑવ્ ચેધામ) અઢારમી સદીના બ્રિટનના સફળ રાજપુરુષ હતા. તે માતૃપક્ષે પણ ઉચ્ચ રાજકીય વારસો ધરાવતા હતા. નાનપણમાં નાજુક તબિયતને કારણે તેમણે ઘરમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
1781માં 21 વર્ષની ઉંમરે તેઓ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય બન્યા. 1782માં લૉર્ડ સેલબર્નના પ્રધાનમંડળમાં તેમણે નાણાખાતું સંભાળ્યું. ટૂંક સમયમાં સેલબર્નના પ્રધાનમંડળનું પતન થતાં વિરોધપક્ષે રહી તેમણે પાર્લમેન્ટના સુધારા માટે સક્રિય કામગીરી બજાવી અને ભારે લોકચાહના પ્રાપ્ત કરી.
1783માં બ્રિટનના રાજવી જ્યૉર્જ ત્રીજાએ તેમને સરકાર રચવા આમંત્રણ આપતાં 24 વર્ષની નાની વયે તેઓ બ્રિટનના વડાપ્રધાન બન્યા. પ્રારંભમાં પૂરતી બહુમતીનો ટેકો ન હોવા છતાં રાજાના સમર્થનને કારણે તે સત્તા જાળવી શક્યા. ટૂંક સમયમાં પોતાની રાજનીતિથી તેમણે બહુમતી પ્રાપ્ત કરી લીધી. અઢાર વર્ષ સુધી તેમણે સતત સરકારનું સુકાન સંભાળ્યું. અમેરિકાના સ્વાતંત્ર્ય-સંગ્રામને કારણે સર્જાયેલી આર્થિક કટોકટી દૂર કરવા તેમણે નવા કરવેરા દાખલ કર્યા. દાણચોરી પર નિયંત્રણ મૂક્યું. નાણાકીય ભ્રષ્ટાચાર રોકવા ઑડિટ-પ્રથા દાખલ કરી. 1784ના પિટના ધારા દ્વારા હિન્દમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર અંકુશ મૂકતી વ્યવસ્થા શરૂ થઈ. તે જ રીતે 1791ના કાયદાથી કૅનેડાના વહીવટમાં સુધારા કર્યા. ફ્રેન્ચ ક્રાંતિએ બ્રિટિશ રાજાશાહી સામે ઊભા કરેલા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો. કૅથલિકો પ્રત્યેની નીતિ અંગેના વિવાદને કારણે 1801માં વડાપ્રધાન-પદેથી તેમણે રાજીનામું આપ્યું; પરંતુ નેપોલિયનનાં યુદ્ધોએ ઊભી કરેલી સમસ્યાઓને કારણે 1804માં પુન: આ પદે તેમને નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે પ્રશિયા, સ્વીડન, હોલૅન્ડ જેવી સત્તાઓનો સાથ મેળવી નેપોલિયનના પડકાર સામે બ્રિટિશ હિતોની સુરક્ષા કરી. ઉત્તર આટલાન્ટિકમાં સ્પેનની વ્યાપારી ઇજારાશાહીને તેમણે નાબૂદ કરી. મધ્યપૂર્વમાં તુર્કસ્તાનની સત્તાને ટકાવવાના તેમના પ્રયાસોને ખાસ સફળતા મળી નહિ. 1806માં નાદુરસ્ત તબિયતને કારણે તેમણે રાજીનામું આપ્યું. તે પછી તુરત જ તેમનું મૃત્યુ થયું.
રોહિત પ્ર. પંડ્યા