પિછવાઈ (પિછવાઈ–ચિત્રો) : રાજસ્થાનની ચિત્રશૈલીઓની નાથદ્વારા પ્રશાખાના મોટા કદના કાપડ પર કરેલાં તથા ધાર્મિક પ્રસંગે લટકાવવામાં આવતાં ચિત્રો. શ્રીનાથજીના શૃંગારમાં સાજનો કલ્પનાશીલ ઉપયોગ કરવામાં આવે છે. સાજ એટલે શણગારના પ્રયોજનથી ઉપયોગમાં લેવાતું રાચરચીલું અને બીજી સહાયક સામગ્રી. તેમાં હાથવણાટનાં વસ્ત્રો પણ ખરાં. આ સાજસામગ્રીમાં સિંહાસન, સીડી, ચોકી (સિંહાસન નજીક મૂકેલ નાનો બાજઠ), પાટ, ખંડપાટ (નીચું ટેબલ), થડવસ્ત્ર (સ્તંભને ઢાંકતું કાપડ), ચંદરવો ઉપરાંત પિછવાઈનો પણ સમાવેશ થાય છે. પિછવાઈ એ મૂર્તિ જ્યાં વિરાજમાન હોય તેની પાછળ રાખવામાં આવતો પટ છે.
ઉપર્યુક્ત સાજસામગ્રીમાં પિછવાઈનું ખાસ મહત્વ એટલા માટે છે કે તે પ્રાસંગિક ઉત્સવનો અને ઋતુનો મિજાજ અને શૃંગારની કથાને સ્ફુટ કરે છે.
પિછવાઈ વિવિધ રીતે બનાવવામાં આવે છે ચીતરેલી, છાપેલી, કલાત્મકતાથી વણેલી; આભલાં – મોતી અને કીમતી પથ્થરોનું ભરત કે જરી ભરેલી અને કાપલાઓની આકર્ષક ભાત રચતી સિલાઈવાળી.
પુષ્ટિમાર્ગનાં મંદિરોમાં પિછવાઈ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. તેમાંયે નાથદ્વારામાં વિરાજતા શ્રીનાથજીની પાછળ રહેલી પિછવાઈ સામાન્ય રીતે સૌથી વિશાળ હોવાનું જણાય છે લગભગ 1.8 મી. ઊંચી અને 3 મી. પહોળી. તેનો જે ભાગ શ્રીનાથજીની મૂર્તિ પાછળ આવતો હોય તે કશા ચિત્રકામ કે ભરતકામ વિનાનો સાદો રાખ્યો હોય છે. અથવા તો ત્યાં મોટા ઝાડની આકૃતિ મૂકવામાં આવે છે, જેથી જ્યારે પિછવાઈ ટિંગાડવામાં આવે ત્યારે શ્રીનાથજી ઝાડની છાયામાં વિરાજમાન હોય એવું જણાય.
તિલકાયત (પુષ્ટિમાર્ગના પ્રમુખ ગોસ્વામી) મંજૂરી આપે ત્યારે જ નાથદ્વારામાં નવી પિછવાઈનો સ્વીકાર થઈ શકે. મોટેભાગે ગોસ્વામી તિલકાયત બને તે પછીની પોતાની વર્ષગાંઠના દિને નવી પિછવાઈનો સ્વીકાર થાય છે. નવી પિછવાઈ અગ્રેસર ગોસ્વામીઓ, મુખી, ભક્તો તથા રાજવીઓ ભેટમાં આપતા હોય છે. તિલકાયત નવી પિછવાઈને ઝીણવટથી તપાસે અને તેને મંજૂરી આપે તે પછી જ તે ઉપયોગમાં લેવાય છે. હવેલીમાં ઉપયોગમાં નહિ લેવામાં આવતી પિછવાઈનો નાશ કે વેચાણ નહિ કરતાં તેને કાળજીપૂર્વક જાળવી રાખવામાં આવે છે અને ક્યારેક ભક્તોને ભેટમાં પણ આપવામાં આવે છે.
જે પ્રસંગે પિછવાઈ પ્રદર્શિત કરવાની હોય તે પ્રસંગને અનુરૂપ અને તે પ્રસંગે ગાવામાં આવતાં પદોને અનુરૂપ આકૃતિઓનું ચિત્રણ પિછવાઈ પર કરવામાં આવે છે. એક પ્રમુખ કળાકારની રાહબરી હેઠળ એક જ પિછવાઈ પર ઘણા બધા ચિત્રકારો કામ કરતા હોય છે. લઘુચિત્રમાં નિષ્ણાત નાથદ્વારાના ચિત્રકારો માટે વિશાળ કદની પિછવાઈ ચીતરવી એ પડકારરૂપ કામ લેખાય. તે છતાં તેઓ કુશળતાપૂર્વક તે કામ પાર પાડતા રહ્યા છે.
ચીતરવા માટેના વિષયો અને પરિસ્થિતિઓની વિશાળ શ્રેણી મોજૂદ હોવા છતાં પિછવાઈ-ચિત્રકારોની મુખ્ય મર્યાદા એ રહી છે કે તેમાં ચીતરાતી આકૃતિઓ અને મૂળભૂત પ્રતીકોમાં ખાસ કોઈ મહત્વનો ફેરફાર કરી શકાતો નથી. પ્રત્યેક પિછવાઈનો કોઈ એક ખાસ હેતુ હોય છે. મંદિરોમાં આવતા ભક્તોને પિછવાઈ જોઈને જ જે તે પ્રસંગનું તુરત ભાન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભક્તો પિછવાઈમાંનાં મુખ્ય પ્રતીકો અને આકૃતિઓથી પરંપરાગત રીતે જ અભિજ્ઞ હોય છે.
પિછવાઈ અસ્તિત્વમાં કેવી રીતે આવી તેની કોઈ ઐતિહાસિક નોંધ નથી મળતી, પણ અષ્ટછાપ કવિઓનાં પદોમાં તેનો ઉલ્લેખ છે. તેનો અર્થ એ થયો કે મોડામાં મોડી સોળમી સદીમાં (ગોસાંઈજીના કાળમાં) તો પિછવાઈ અસ્તિત્વમાં હતી. કાંકરોલીના ગોસ્વામી વ્રજભૂષણલાલજીના મતાનુસાર મુઘલ અસર તળે પુષ્ટિમાર્ગમાં પિછવાઈ, ચંદરવા અને દીવાલ પર ઢાંકવા માટેના પડદા અસ્તિત્વમાં આવ્યાં. ગોસાંઈજી મુઘલ દરબારના સંપર્કમાં હતા. ત્યાંની વિશાળ લટકતી જાજમો, ચંદરવા, પડદા કે અંતરપટનો પ્રભાવ તેમણે ઝીલ્યો. ચિત્રિત પિછવાઈનો સૌપ્રથમ ઉલ્લેખ અઢારમી સદીમાં મળે છે. 1739માં ગોવર્ધનેશજી તિલકાયત બન્યા. ત્યારપછીની પોતાની પ્રથમ વર્ષગાંઠે દેવને પિછવાઈ ચઢાવી હતી. આ પછી ચિત્રિત પિછવાઈઓનું ચલણ વધ્યું હોવાનું જણાય છે.
શ્રીનાથજીના મંદિરમાં હાલમાં વપરાતી બધી જ પિછવાઈઓ ઓગણીસમી સદીના મધ્યભાગથી લઈને વીસમી સદીનાં પ્રારંભિક વર્ષો સુધીમાં બની છે. તે પછી તેમાં કોઈ ખાસ વધારો થયો નથી કે બદલાવ કરવામાં આવ્યો નથી. તેનું મુખ્ય કારણ નવી પિછવાઈના ઉત્પાદન પાછળ થતો ખર્ચ છે. એ લગભગ રૂ. 5,000થી 10,000 સુધીનો (અને ક્યારેક તો તેથી પણ વધુ) આવે છે.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઔરંગઝેબે હિંદુ દેવસ્થાનોનું જે ખંડન કર્યું તેના પ્રત્યાઘાત રૂપે પુષ્ટિમાર્ગના પ્રધાન ઉપાસ્ય દેવ શ્રીકૃષ્ણના શ્રીનાથજી-સ્વરૂપનું સ્થાપન ઉદેપુરના રાજા રાજસિંહે ઉદેપુર પાસે સિંહદ ગામમાં કરાવ્યું. શ્રીનાથજી એ ગોકુળમાં દહીં-દૂધ ખાનારા ગોવર્ધનધારી શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે. આ ગામ પાછળથી ‘નાથદ્વારા’ નામે ઓળખાયું અને શ્રીનાથજી નામે પ્રસિદ્ધિ પામ્યું તથા અહીં રોજના હજારો ભાવિક યાત્રીઓની અવરજવર શરૂ થઈ. આ સાથે અહીંની સ્મૃતિ રૂપે તથા પોતાના ઘરમાં પૂજામાં રાખવા શ્રીનાથજી તથા બાલકૃષ્ણ લાલાના સ્વરૂપનાં ચિત્રોની માંગ ઊભી થઈ. તેના કારણે ખાસ અહીંની જ એક આગવી ચિત્રશૈલી ઊભી થઈ. તે શૈલીથી પિછવાઈ-ચિત્રો તૈયાર કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ આ ચિત્રોમાં શ્રીનાથજીનું પ્રાધાન્ય જોવા મળે છે. અલબત્ત, પુષ્ટિમાર્ગમાં જાણીતાં એવાં અન્ય અનેક સ્વરૂપો અને પાત્રોનું આલેખન પણ તેમાં હોય છે જ. આ ચિત્રોમાં શ્રીનાથજીને રોજનાં એમનાં પુષ્ટિસંપ્રદાય-નિર્દિષ્ટ આઠ સમયનાં દર્શન અનુસારના સાજશણગારમાં અથવા આ સંપ્રદાયના વાર્ષિક ઉત્સવોના પરિધાનમાં દર્શાવવામાં આવે છે. ક્યારેક તેમાં શ્રીનાથજીને ખાસ ‘શૃંગાર’ સાથે પણ દર્શાવાય છે. ક્યારેક આ શૃંગાર ગોસ્વામી સ્વયં પોતાની અંતરેચ્છા કે ‘મનોરથ’ પ્રમાણે પણ સજાવે છે. ભક્ત કે પૂજારી દેવસ્વરૂપને ચીવટથી શણગારવા સાથે તેની આજુબાજુ જે હોય તેની રચના પણ નિમિત્ત અનુસાર એવી કલામય રીતે કરે છે કે જેથી દેવ પ્રસન્ન રહે. આ સમગ્ર શૃંગાર સાથે સાંકેતિક અર્થસભર અનેક ભાવનાઓ સંકળાયેલી હોય છે અને તેની એક આગવી પરિભાષા રચાઈ છે. તેના દ્વારા આ સંપ્રદાયનું તત્વજ્ઞાન, દેવતાના વિવિધ મનોભાવોમાં એમની અમુક ચોક્કસ ‘લીલા’ તથા એમનો ઋતુ-અનુસારનો ઉલ્લાસ વ્યક્ત થાય છે.
પિછવાઈ-ચિત્રોમાં ચિત્રકાર શ્રીનાથજીની સેવાની આધ્યાત્મિક અને દૃશ્ય-શ્રાવ્ય અનુભૂતિઓ દર્શાવવા મથે છે. એથી જ નર્યું વાસ્તવિક ચિત્રાંકન ન તો કલાકારને જચે છે કે ન તો કલાભોક્તા ભાવિક વૈષ્ણવને; કારણ કે તેઓ મુખ્યત્વે તો ભક્તો છે. આ જ પ્રકારની અનુભૂતિ તેમણે સ્વયં અનુભવી અને માણી હોય છે. નાથદ્વારાનાં શ્રીનાથજીનાં ચિત્રોનો પ્રેરણાસ્રોત આ અનુભૂતિઓમાં રહેલો છે; એટલે જ અન્યત્ર દોરાયેલાં શ્રીનાથજીનાં ચિત્રો કરતાં નાથદ્વારાનાં ચિત્રો વધુ અધિકૃત અને જીવંત લાગે છે. આ ચિત્રોની રચના બહુધા સમપ્રમાણ હોય છે. તે હવેલીઓ અને દેવસ્થાને સેવાપૂજામાં મુકાતાં હોય છે; ક્યારેક પ્રતિમાચિત્રની પશ્ચાદભૂમાં કોઈ ખાસ વિષયની પિછવાઈ તેમજ પૂજાવિધિની કેટલીક સામગ્રી પણ જરૂરી મનાય છે. કલાકાર આ બધું એવી ચાતુરીથી ગોઠવે છે કે જોનારની દૃષ્ટિ સમગ્ર રચનાના કેન્દ્રસ્થાને જ એટલે કે શ્રીનાથજી પ્રતિ દોરાય.
પુષ્ટિમાર્ગમાં ‘માધુર્યભક્તિ’ કે ‘મધુરા ભક્તિ’ ભક્તિનો સર્વોચ્ચ પ્રકાર ગણાય છે. એ ભક્તિ વ્રજની ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રતિના પ્રેમ-સ્વરૂપની છે. પ્રેમભક્તિનો સ્ત્રૈણભાવ શ્રીનાથજીની આજુબાજુ આલેખાતા તિલકાયત કે ગોસ્વામીની કમળ જેવી આંખો અને લાલિત્યભરી દેહભંગિમાં દર્શાવાય છે. આ ગોપીભાવને ઘણી વાર વધુ ચોટ આપવા આરતી ઉતારતા ગોસ્વામીના આલેખનમાં તેમના હાથમાં સુવર્ણ-કંગન તેમજ માથા પર સાડીની જેમ શાલ ઓઢેલી આલેખાય છે.
આમ, નાથદ્વારાનાં ચિત્રોમાં શ્રીનાથજીના સ્વરૂપના આલેખનમાં કલાકારો વિધવિધ કલાચાતુરી દ્વારા, અન્યથા જડ અને સીમિત બની જાય તેવા વિષયને જીવંત બનાવે છે. આ રીતે નાથદ્વારાની આગવી ચિત્રશૈલીના વિકાસ માટેનો યશ પુષ્ટિમાર્ગના લાક્ષણિક સંસ્કારોને ઘટે છે.
નાથદ્વારાના ચિત્રકારોનો બીજો પ્રિય ચિત્રવિષય છે ‘કૃષ્ણલીલા’. કૃષ્ણલીલાનાં ચિત્રોમાં બાલકૃષ્ણનાં નટખટ તોફાનો, રાધા તથા ગોપીઓ પ્રતિ તેમનો પ્રેમ, કે પછી તેમનાં પાલક નંદ-યશોદા સાથેની નિર્દોષ ચેષ્ટાઓનું આલેખન હોય છે. આ ચિત્રોમાં આલેખાયેલાં માનવ-પાત્રોનું બટકું કદ પહેલી જ નજરે ધ્યાન ખેંચે છે. આ ચિત્રાલેખનનું મૂળ લોકકળામાં હોવાથી કદાચ આમ ચીતરાતું હશે. આમ છતાં એનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે તેમને કૃષ્ણના દૈવી સ્વરૂપને જાળવી તેમનું બાલસ્વરૂપ દર્શાવવું હોય. કૃષ્ણની આસપાસનાં પાત્રો, વયમાં મોટાં હોવા છતાં કૃષ્ણ કરતાં તેમને ઊંચાં કે મોટાં બતાવાતાં નથી. સ્ત્રીપાત્રો આલેખવામાં આ ચિત્રકારોએ ગ્રામપ્રદેશની સ્ત્રીઓના ભરાવદાર દેહઆકારમાંથી પ્રેરણા લીધી લાગે છે. રાજદરબારની નૃત્યાંગનાઓના નાજુક દેહ જોવાની એમને તક મળી ન હોઈ તેઓ પોતાનાં સ્ત્રીપાત્રોના આલેખનમાં તેવું નાજુક દેહલાલિત્ય ઉતારી શક્યા નથી.
પિછવાઈ-ચિત્રોની એક ઉલ્લેખનીય લાક્ષણિકતા તે શ્રીકૃષ્ણ શ્રીનાથજી-સ્વરૂપે જ તેમાં આલેખાયા છે તે છે. તેમની બીજચંદ્રાકાર આંખો, બટુક કદ, ઘનશ્યામ દેહવર્ણ, પુષ્ટિમાર્ગમાં રૂઢ એવું વસ્ત્રપરિધાન પણ એમને શ્રીનાથજી તરીકે ઓળખાવી દે છે. જ્યાં અગાઉ પુષ્ટિમાર્ગનું પ્રચલન હતું તે પ્રદેશોની ચિત્રશૈલીમાં પણ આ પ્રકારનું નિરૂપણ ક્યારેક જોવા મળે છે. ખાસ કરીને કોટા, દેવગઢ અને કિશનગઢનાં કૃષ્ણનાં આલેખનોમાં એ બાબત નોંધપાત્ર છે.
અષ્ટછાપ કવિઓનાં પદોમાંથી આ ચિત્રકલ્પનાઓને પ્રેરણા મળી જણાય છે, તે સાથે રાસલીલા કે મથુરાના કૃષ્ણની બાલક્રીડાના પ્રસંગો પણ આ ચિત્રકલ્પનાઓના મૂળ સ્રોતરૂપ હોવાનું જણાય છે.
અમિત અંબાલાલ
અમિતાભ મડિયા