પિકફર્ડ, મેરી (જ. 8 એપ્રિલ 1892, ટોરૉન્ટો; અ. 21 મે, 1979 કૅલિફૉર્નિયા, યુ.એસએ.) : અમેરિકી અભિનેત્રી. મૂળ નામ ગ્લેડિસ સ્મિથ. મૂક ચિત્રો દ્વારા અપ્રતિમ નામના પ્રાપ્ત કરનાર મેરી પિકફર્ડના જીવનસંઘર્ષની શરૂઆત પાંચ વર્ષની ઉંમરથી થઈ. એક અકસ્માતમાં પિતાનું અવસાન થતાં ત્રણ વર્ષની બહેન અને બે વર્ષના ભાઈની જવાબદારી તેના શિરે આવી. ‘બેબી ગ્લેડિસ’ તરીકે ટ્રાવેલ કંપનીઓ સાથે તેણે કામ શરૂ કર્યું. ચૌદ વર્ષની ઉંમરે તે રંગભૂમિની નાયિકા બની. 16 વર્ષની ઉંમરે ચિત્રસર્જક ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથનાં ચિત્રોમાં કામ કરીને તેણે ઇતિહાસ સર્જ્યો. તેના સોનેરી વાંકડિયા વાળે પ્રેક્ષકોને ઘેલા બનાવ્યા. 1909માં બાયૉગ્રાફ કંપની સાથે અઠવાડિયે ચાલીસ ડૉલરનો તેનો કરાર હતો, જે 1910માં ‘ઇમ્પ’ કંપની સાથે 175 ડૉલર સુધી પહોંચ્યો. 1916માં તેના કરારની રકમ અઠવાડિયે 10,000 ડૉલર અને ત્રણ લાખ ડૉલરના બોનસ સુધી પહોંચી. તે વર્ષે તેણે પોતાની સ્વતંત્ર ‘ધ મેરી પિકફર્ડ કંપની’ ઊભી કરી. આટલું જાણે પૂરતું ન હોય તેમ તેણે બીજા વર્ષે ‘ફર્સ્ટ નૅશનલ કંપની’ સાથે ચલચિત્રોમાં કામ કરવા બદલ 3,50,000 ડૉલરનો કરાર કર્યો. ધીમે-ધીમે તેની નામના વિશ્વમાં ફેલાવા લાગી.
બાળ-કલાકાર તરીકેની તેની ભૂમિકાઓ એટલી બધી લોકપ્રિય થઈ કે 1920માં જ્યારે તેની ઉંમર 27 વર્ષની હતી ત્યારે ‘પોલ્યાના’ નામના ચિત્રમાં તેણે 12 વર્ષની બાલિકાની ભૂમિકા કરી ! તે સમયના ત્રણ મહાનુભાવો ચાર્લી ચૅપ્લિન, ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથ અને ડગ્લાસ ફેરબૅન્ક્સ સાથે તેણે ધંધામાં ભાગીદારી શરૂ કરી અને યુનાઇટેડ આર્ટિસ્ટ કૉર્પોરેશનની સ્થાપના કરી. તેનાં પહેલાં લગ્ન અભિનેતા ઓવિન મૂર સાથે 1911માં થયાં હતાં. મદ્યપાનની કુટેવને કારણે મેરી પિકફર્ડે ઓવન મૂરથી 1919માં છૂટાછેડા લીધા. 1920માં અભિનેતા ડગ્લાસ ફેરબૅન્ક્સ સાથે લગ્ન કર્યાં; પરંતુ તે પણ નિષ્ફળ પુરવાર થયાં. 1929માં તેની પહેલી બોલતી ફિલ્મ ‘કૉકવેટ’ પ્રસ્તુત થઈ, જે માટે તેને ઓસ્કર ઍવૉર્ડ મળ્યો. 1933માં તેણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. 1936માં તેણે ડગ્લાસ ફેરબૅન્ક્સથી છૂટાછેડા લઈને 1937માં ચાર્લ્સ રૉજર સાથે લગ્ન કર્યાં. 1975માં તેને માનાર્હ ઓસ્કરથી સન્માનિત કરવામાં આવી.
પીયૂષ વ્યાસ