પિકરિંગ એડવર્ડ ચાર્લ્સ

January, 1999

પિકરિંગ, એડવર્ડ ચાર્લ્સ (. 19 જુલાઈ 1846, બૉસ્ટન; . 3 ફેબ્રુઆરી 1919, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : ખ્યાતનામ યુ.એસ. ભૌતિકવિજ્ઞાની અને ખગોળવિદ. તેમણે તારાઓની માત્રા (magnitude) માપવા માટે યામ્યોત્તર પ્રકાશમાપક(meridian photometer)નો ઉપયોગ દાખલ કર્યો અને હાર્વર્ડ પ્રકાશમિતિની 1884માં સ્થાપના કરી.

એડવર્ડ ચાર્લ્સ પિકરિંગ

1867માં પિકરિંગ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) ખાતે ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. અહીં તેમણે યુ.એસ.માં પ્રથમ હોય તેવી પ્રયોગશાળાની સ્થાપના કરી, જ્યાં ઉપકરણો વડે માપનો કેવી રીતે લેવાં તે માટેનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. 1876માં તે હાર્વર્ડ કૉલેજ વેધશાળામાં ખગોળવિજ્ઞાનના પ્રાધ્યાપક અને આ સંસ્થાના નિયામકપદે નિયુક્ત થયા.

તેમણે શોધેલા યામ્યોત્તર પ્રકાશમાપકમાં કૅલ્શાઇટના બનેલા ત્રિપાર્શ્વ કાચનો ઉપયોગ કર્યો હતો, જેથી તારાના પ્રતિબિંબને પાસપાસે મૂકી શકાય. ઉત્તરધ્રુવીય તારાઓના જૂથમાંથી કોઈ એક તારા સાથે જે તે તારાને સરખાવવામાં આવે છે. આ રીતે તારાની પ્રકાશિતતા(brightness)ને સરખાવી, તારાઓની સૂચિ (catalogue) તૈયાર કરવામાં આવે છે. 1891માં પેરુ ખાતે ઍરેક્વિપા વેધશાળાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ હાર્વર્ડ કૉલેજ વેધશાળાના અવકાશનિરીક્ષણ મુજબ, દક્ષિણ તરફના તારાઓનાં માપ લેવાનું શક્ય બન્યું. પ્રકાશમિતિ, ફોટોગ્રાફિક માત્રાનો માપક્રમ, પરિવર્તનશીલ (variable) તારાની પ્રણાલીનું વર્ગીકરણ. તારાકીય સ્પેક્ટ્રમિકી(steller spectroscopy)ની પ્રણાલી ઉપર પિકરિંગની દેખરેખ હેઠળ કાર્ય થતું રહ્યું. આ બધાં ક્ષેત્રે તેમણે જે કાર્ય કર્યું છે તેનો ઘણાં વર્ષો સુધી વ્યાપક રીતે સ્વીકાર થતો રહ્યો.

આકાશના સંપૂર્ણ ચિત્રાંકન(mapping)માં તારાની માત્રા (એટલે કે રંગ), સ્થાન અને ગતિનો સમાવેશ થાય છે. મોટી મોટી સર્વેક્ષણ-સૂચિમાં માત્રાના અંદાજનો ખ્યાલ રહેલો છે પણ પ્રકાશમિતીય પદ્ધતિઓ ખગોલીય પદ્ધતિઓથી અલગ પડે છે. તેથી પ્રકાશમિતિ – સૂચિ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. અવલોકિત સારણીનું સ્થાન ફોટોગ્રાફિક પદ્ધતિએ લીધું.

તારાના પ્રકાશનો વર્ણપટ મેળવી તેના ઉપરથી વર્ણપટીય પ્રકારનાં માપ લેવાની નવી પદ્ધતિ અખત્યાર કરવામાં આવી. હાર્વર્ડ ખાતે રહી પિકરિંગ અને એ. જે. કૅનને ખગોળને લગતી વિવિધ માહિતીનો સંગ્રહ ‘હેન્રી ડ્રેપર સૂચિ’(1918-24)ના નામે તૈયાર કર્યો. આ સંગ્રહમાં સમગ્ર આકાશમાં વહેંચાયેલા 2,25,300 તારાઓના વર્ણપટની નોંધ છે. આ સૂચિમાં 1925-36  દરમિયાન બીજા 1,33,782 તારાઓની માહિતી ઉમેરવામાં આવી છે.

પ્રહલાદ છ. પટેલ