પિળ્ળૈ, તમિળ : તમિળનો એક કાવ્યપ્રકાર. એમાં બાળકના જન્મ પછી ત્રીજા મહિનાથી એકવીસમા મહિના સુધીની વિવિધ ક્રીડાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે; જેમ કે, કપ્પુ પ્રકારમાં બાળકના શિક્ષણ માટે ઈશ્વરપ્રાર્થના; ‘ચેકિરૈ’માં બાળક ભાખોડિયાં ભરે તેનું વર્ણન; તાલારટ્ટુમાં હાલરડાં; ચપ્પાણી-કોટ્ટુદલમાં બાળક તાળી પાડે છે તેનું વર્ણન; મુત્તપ્પરુરવમાં બાળકને મા અને બીજાં સ્નેહીઓ ચુંબન કરે છે તેનું ચિત્રણ; વરુકૈપ્પંરુવમ્માં બાળક માને કાલી બોલીમાં બોલાવે તેનું નિરૂપણ; અંબુલિપરુવમ્માં બાળક જોડે રમવા ચન્દ્રને નિમંત્રણ – આમ સાત ક્રિયાઓનું વર્ણન હોય છે. તે ઉપરાંત બાલિકાઓના પ્રકારમાં શિતિલ અબિતલમાં બાળકોની તોડફોડ; શિરપરૈ કોટ્ટુદલમાં છોકરીઓ એકબીજીને વળગીને રથ જેવી આકૃતિ બનાવે, પછી રથ ચાલતો હોય એવી રમત રમે, તેનું વર્ણન; નીરાદલમાં બાલિકાના સ્નાનનું વર્ણન; ઉત્જ્જ્વલમાં બાલિકા હીંચકે ઝૂલે છે તેનું આલેખન; કલંગુ અમ્માનૈમાં બાળકને ઉપર ઉછાળીને ઝીલવાની ક્રિયાનું વર્ણન  એમ અનેક પ્રકારનું લીલાવૈવિધ્ય હોય છે.

આ પ્રકારો પ્રાચીન તમિળ કૃતિ ‘તોલકાપ્પીય’માં મળે છે, પણ આના પ્રણેતા તરીકે પરિયાળવાર ગણાય છે. એમણે એમનાં પદોમાં એમના ઇષ્ટદેવ બાળકૃષ્ણની અનેક ચેષ્ટાઓનું સવિસ્તર વર્ણન કર્યું છે. ઓટ્ટુકુત્તરે પિળ્ળૈએ તમિળ શૈલીમાં એમના આશ્રયદાતા કુલોતુગની વિવિધ બાળક્રીડાઓ વર્ણવી છે.

ચન્દ્રકાન્ત મહેતા