પાસપૉર્ટ : આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગવાની પરવાનગી દર્શાવતો અધિકૃત દસ્તાવેજ. દેશના નાગરિક તરીકેની માન્યતા આપતો તથા દેશવિદેશનો પ્રવાસ હાથ ધરવા માટેની કાયદાકીય સુગમતા બક્ષતો આ દસ્તાવેજ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે.
કોઈ પણ કાયદામાં પાસપૉર્ટની વ્યાખ્યા આપી નથી; પણ ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ પાસપૉર્ટ એવો દસ્તાવેજ છે કે તે ધારણ કરનારને દેશના નાગરિક તરીકે માન્યતા મળી હોય છે અને અન્ય દેશનો પાસપૉર્ટ ધારણ કરનારને સહીસલામત પ્રવાસ કરવા દેવાની વિનંતી હોય છે. એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરવા માટે પ્રવાસી પાસે પાસપૉર્ટ હોવો એ એક આવશ્યક શરત છે; એટલું જ નહિ, પોતાના દેશમાં પ્રવેશ કરવા માટે પણ કાયદાની રૂએ પાસપૉર્ટ હોવો ફરજિયાત છે. આમ પહેલી નજરે જોતાં પાસપૉર્ટ વ્યક્તિની નાગરિકતા અને ઓળખ નક્કી કરી આપે છે અને અન્ય દેશના અધિકારીઓને એ વ્યક્તિને પૂરતું રક્ષણ અને સહાય આપવાની વિનંતી કરે છે.
દરેક પાસપૉર્ટમાં ધારકનું નામ, તેની રાષ્ટ્રીયતા, તેનું કાયમી તથા કામચલાઉ સરનામું, તેની જન્મતારીખ વગેરે વિગતો દર્શાવવામાં આવેલી હોય છે.
ભારતના 1967ના પાસપૉર્ટને લગતા કાયદા હેઠળ અને 1980ના પાસપૉર્ટ રૂલ મુજબ પાસપૉર્ટના ત્રણ પ્રકાર ગણાવી શકાય : (1) સામાન્ય પાસપૉર્ટ, જે સામાન્ય નાગરિકને આપી શકાય, (2) ઑફિશિયલ પાસપૉર્ટ, જે સરકારી કામકાજ માટે કે સરકારી પરિષદોમાં હાજરી આપવા સરકારી ખર્ચે પરદેશ જનાર સરકારી અધિકારીઓને આપી શકાય, (3) ડિપ્લોમૅટિક પાસપૉર્ટ, જે ભારતની વિદેશી સેવાના અધિકારીઓને વિદેશી સેવાના કામકાજ માટે આપી શકાય. આવા અધિકારીઓ ઉપરાંત તેમનાં પતિ કે પત્ની અને તેમનાં આશ્રિત માતા-પિતા-ભાઈ-બહેન-સાસુ-સસરાને પણ પાસપૉર્ટ આપી શકાય છે.
કેટલાક સંજોગોમાં ભારતીય પાસપૉર્ટ અધિકારી પાસપૉર્ટ આપવાની ના પણ પાડી શકે છે : (1) અરજદાર ભારતનો નાગરિક ન હોય, (2) અરજદાર ભારત બહાર ભારતની સાર્વભૌમતા અને અખંડિતતાને હાનિ પહોંચાડે એવી પ્રવૃત્તિ કરે એવી દહેશત હોય; (3) અરજદાર ભારત છોડે તો દેશની સલામતી જોખમાય એમ હોય; (4) અરજદાર ભારત બહાર જાય તો પરદેશ સાથેના ભારતના સંબંધો બગડે એમ હોય; (5) અરજદારને અગાઉનાં 5 વર્ષોમાં નૈતિક ગુનાસર ઓછામાં ઓછી 2 વર્ષની સજા થઈ હોય; (6) અરજદાર સામે અદાલતમાં કોઈ ગુના અંગેની કાર્યવાહી ચાલુ હોય; (7) અરજદારને નામે કોઈ કૉર્ટમાં હાજર થવાનું વૉરન્ટ કે સમન્સ કાઢવામાં આવ્યાં હોય; અને (8) કેન્દ્ર સરકારના મત અનુસાર પાસપૉર્ટ આપવો જાહેર હિતમાં ન હોય.
પાસપૉર્ટની મુદત 10 વર્ષની હોય છે અને એ મુદત પૂરી થતાં એટલાં જ વર્ષ માટે એની મુદત વધારી શકાય છે. પાસપૉર્ટ આપતી વખતે એમાં કેટલીક શરતો ઉમેરી શકાય છે અને કેટલીકમાં ફેરફાર પણ કરી શકાય છે.
કેટલાક સંજોગોમાં પાસપૉર્ટ રદ પણ કરી શકાય છે : (1) પાસપૉર્ટ-ધારકે ખોટી રીતે પાસપૉર્ટ મેળવ્યો હોય; (2) મહત્વની હકીકત છુપાવીને કે ખોટી માહિતી આપીને પાસપૉર્ટ મેળવવામાં આવ્યો હોય; (3) ભારતની સાર્વભૌમતા અને અખંડિતતા સારુ તેમજ અન્ય દેશોના સારા સંબંધો જાળવી રાખવા અને જાહેર હિત જાળવવા પાસપૉર્ટ રદ કરવો આવશ્યક હોય; (4) પાસપૉર્ટ-ધારકને નૈતિક ગુનાસર 2 વર્ષથી વધારે સજા થઈ હોય; (5) ફોજદારી અદાલતમાં તેની સામે ગુનાની કોઈ કાર્યવાહી ચાલુ હોય; (6) પાસપૉર્ટની કોઈ પણ શરતનો તેના ધારકે ભંગ કર્યો હોય; (7) પાસપૉર્ટ અધિકારી સમક્ષ પાસપૉર્ટ રજૂ કરવાની સૂચનાનો ધારક દ્વારા અમલ કરવામાં આવ્યો ન હોય; (8) પાસપૉર્ટધારકની ધરપકડ માટે કે અદાલતમાં હાજર થવા માટે વૉરન્ટ કે સમન્સ કાઢવામાં આવ્યાં હોય. પાસપૉર્ટ-ધારકને ગુનેગાર ઠરાવી સજા કરતી વખતે પણ અદાલત તેનો પાસપૉર્ટ રદ કરવાનો હુકમ કરી શકે છે.
પાસપૉર્ટ રદ કરવાના હુકમ સામે ધારક દ્વારા અપીલ કરી શકાય છે અને અપીલ-અધિકારી ધારકને પોતાની રજૂઆત કરવા માટેની યોગ્ય તક આપી અપીલનો નિકાલ કરી શકે છે.
જાહેર હિતમાં યોગ્ય લાગે તો કેન્દ્ર સરકાર દેશનો નાગરિક ન હોય એવી વ્યક્તિને પણ પાસપૉર્ટ આપી શકે છે.
ગંભીર ગુનામાં સંડોવાયેલ કોઈ પાસપૉર્ટ-ધારક દેશ છોડીને ભાગી જાય તેવો ભય/સંશય હોય તો તેનો પાસપૉર્ટ અદાલતના હુકમને અધીન ટૂંકા ગાળા માટે જપ્ત (impound) પણ કરી શકાય છે.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં વૈશ્ર્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પાસપૉર્ટના નિયમો હળવા કરવામાં આવ્યા છે. સોવિયત સંઘ(1917-90)માં દેશના આંતરિક વિસ્તારોમાં હેરફેર કરવા માટે પણ દરેક નાગરિકને પાસપૉર્ટ ધરાવવો પડતો હતો. દક્ષિણ આફ્રિકામાં શ્વેત લોકોની સરકાર હતી ત્યાં સુધી અશ્વેત લોકોને પણ આંતરિક હેરફેર માટે ફરજિયાતપણે પાસપૉર્ટ ધરાવવા પડતા હતા.
ચિનુપ્રસાદ વૈ. જાની