પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત)

January, 1999

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત) : પાર્શ્વનાથ તીર્થંકરનું ચરિત વર્ણવતું કાવ્ય. ‘કહારયણકોસ’ના કર્તા ગુણચંદ્રગણિ(1111)એ પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલા આ ચરિતકાવ્યમાં 5 પ્રસ્તાવોમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું આલેખન છે. સરસ રચનામાં સમાસાન્ત પદાવલિ, છંદોવૈવિધ્ય, સંસ્કૃત શૈલીનો પ્રભાવ અને અનેક સંસ્કૃત સુભાષિતોનાં અવતરણ એે આ કાવ્યની વિશેષતાઓ છે.

પ્રથમ પ્રસ્તાવમાં પાર્શ્વનાથના ત્રણ પૂર્વભવોના ઉલ્લેખ છે અને એમાંના એક પ્રથમ ભવનું વર્ણન એમાં છે. પ્રથમ ભવમાં કોઈ પુરોહિતના ઘરમાં મરુભૂતિ નામે જન્મ, તથા પોતાના ભાઈ કમઠના હાથે મરણની કથા છે. બીજા પ્રસ્તાવમાં મરુભૂતિનો વિદ્યાધર કિરણવેગ તરીકે જન્મ, પછી વજ્રનાભ તરીકે જન્મ, બંગાધિપતિની રાજકુમારી વિજયા સાથે વિવાહ અને પછી મુનિના ઉપદેશથી વજ્રનાભનું દીક્ષાગ્રહણ – એ ઘટનાઓનું નિરૂપણ છે. એમાં વિદ્યાધર દ્વારા વિજયાનું અપહરણ, બંગાધિપતિની તાન્ત્રિક સાધના અને ચંડસિંહ વેતાલને સિદ્ધ કરવાની ઘટનાઓનું પણ વર્ણન આવે છે. ત્રીજા પ્રસ્તાવમાં મરુભૂતિ વારાસણીના રાજા અશ્વસેનને ઘેર પુત્ર તરીકે જન્મે છે અને તેનું નામ પાર્શ્વનાથ રાખવામાં આવે છે. આ પ્રસ્તાવમાં વારાણસી નગરી, પુત્રજન્મનો ઉત્સવ, વર્ધાપન વગેરે વિધિઓ, પ્રભાવતી સાથે વિવાહ, તાપસ તરીકે જન્મેલા કમઠની સાથે મેળાપ, યજ્ઞકુંડમાંથી લાકડામાંનો સાપ કાઢી બતાવવાનો ચમત્કાર, શ્રમણદીક્ષા, અંગદેશમાં વિહાર, કલિ પર્વત ઉપર પાર્શ્વનાથનું દર્શન થતાં હાથીને પૂર્વભવનું સ્મરણ, ત્યાં દેવો દ્વારા મંદિરનિર્માણ અને પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના, વગેરે ઘટનાઓનું વર્ણન અને અહિચ્છત્રા નગરી તથા કુક્કુડેસર ચૈત્યનો નિર્દેશ છે. ચોથા પ્રસ્તાવમાં પાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે શુભદત્ત, અજ્જઘોષ, વસિ, બંભ, સોમ, સિરિધર, વારિસેણ, ભદ્રજસ, જય અને વિજય નામના 10 ગણધરોને ઉપદેશ આપે છે. એમાં ગણધરોના પૂર્વભવો, શાકિનીઓ, કાપાલિકની વિદ્યાસાધના, ચંડિકાનું મંદિર. બનારસના ઠગ, વેદપાઠથી ભિક્ષાલાભ, સમુદ્રયાત્રા, વિવાહવિધિ, હાથીઓના પ્રકાર અને ભાવ, પુત્રોત્પત્તિ માટે રાત્રે કુલદેવી ભગવતીની આરાધના, અધૂરા ફેરા ફરેલી કન્યાનો પુનર્વિવાહ, ગંગામાં અસ્થિવિસર્જન, હસ્તિતાપસો, સાપ કરડતાં આંગળી કાપી નાખી બાકીનું શરીર સાચવી રાખવાની પ્રથા, ભૈરવોની કાત્યાયની મંત્રસિદ્ધિ, સૂર્ય-ચંદ્રના આધારે તથા પવનસંચાર જોઈને ફલાફલકથન, કુંવારી કન્યાને સ્નાન કરાવી સફેદ રેશમી વસ્ત્રો પહેરાવી, શરીરે ચંદન લગાડી, મંડલ ઉપર બેસાડી મંત્રસામર્થ્યથી આવેશયુક્ત બનાવી તેના દ્વારા પ્રશ્નોના ઉત્તર મેળવવાની વિધિ, ઔષધિ અને મંત્ર દ્વારા વશીકરણ, ગુટિકાથી દોષશાન્તિ વગેરે વિષયોનાં વર્ણનો પણ છે.

પાંચમા પ્રસ્તાવમાં પાર્શ્વનાથનું મથુરાનગરીમાં સમવસરણ, ધર્મોપદેશ, ગણધરોને ઉપદેશ, કાશીમાં પ્રવેશ, સોમિલ બ્રાહ્મણના પ્રશ્નોના ઉત્તર, શિવ, સુંદર, સોમ અને જય એ 4 શિષ્યોનો વૃત્તાન્ત, આપણકલ્પાનગરીમાં વિહાર, ચાતુર્યામ ધર્મનું પ્રતિપાદન અને સમ્મેતશિખર પર મુક્તિનું વર્ણન છે. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં જાણીતા પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું આ કાવ્ય મહત્વનું છે.

નારાયણ કંસારા