પાસણાહચરિઉ : જૈન તીર્થંકરોમાંના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વ કે પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું મહાકાવ્ય. અપભ્રંશ ભાષામાં આચાર્ય પદ્મકીર્તિએ રચેલું આ કાવ્ય ‘પાસ-પુરાણ’ એવા નામે પણ ઓળખાય છે. તે ઇન્દોરના પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરેલું છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી દ્વારા 1965માં ‘આયરિય-સિરિ-પઉમકિત્તિ-વિરઇઉ પાસણાહચરિઉ’-એ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આચાર્ય પદ્મકીર્તિએ 1077ના અરસામાં આ ગ્રંથ રચ્યો હતો. કવિના ગુરુનું નામ જિનસેન, દાદા ગુરુનું નામ માધવસેન અને પરદાદા ગુરુનું નામ ચંદ્રસેન હતું.
આ મહાકાવ્ય 18 સંધિઓમાં વિભાજિત છે અને દરેક સંધિ કડવકોમાં વિભાજિત છે. સંધિવાર કડવકસંખ્યા છે 23, 16, 16, 12, 12, 18, 13, 23, 14, 14, 13, 15, 20, 30, 12, 18, 24 અને 22. અર્થાત્ 18 સંધિઓમાં મળીને કુલ 315 કડવકો છે. દરેક કડવકમાં પજ્ઝટિકા, અલ્લિલહ કે પાદાકુલક છંદમાં પદ્યબદ્ધ કરેલ 16 કે 18 ચરણ હોય છે. કડવકના આરંભમાં ક્વચિત્ દુબઈ (= દ્વિપદી) હોય છે અને અંતે ચાર ચરણવાળી એક ધત્તા હોય છે. દરેક સંધિના અંતિમ ધત્તામાં કવિ- નિર્દેશક ‘પઉમ’ પદ આવે છે.
આ પાર્શ્વનાથચરિતમાં પાર્શ્વનાથના 10 જન્મોનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમા જન્મમાં પાર્શ્વનાથને તીર્થંકર-પદની પ્રાપ્તિ થાય છે. પાર્શ્વનાથના આ પૂર્વભવોનું વર્ણન ‘ઉત્તરપુરાણ’માં જૈન દિગંબર આચાર્ય દેવભદ્રસૂરિના ‘સિરિપાસનાહચરિયં’માં, શ્વેતાંબર જૈન આચાર્ય હેમચંદ્રસૂરિના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’માં, પુષ્પદંતના ‘મહાપુરાણ’માં, વાદિરાજસૂરિના ‘સિરિપાસણાહચરિય’માં, હેમવિજયગણિના ‘પાર્શ્વનાથચરિતમ્’માં અને કવિવર રઈધૂના ‘પાસચરિય’માં પણ મળી આવે છે. પૂર્વભવોનાં નામ અનુક્રમે મરુભૂતિ, હસ્તિ અશનિ(કે વજ્ર)ઘોષ, સહસ્રાર કલ્પકજીવ, કિરણ(કે રશ્મિ)વેગ, અચ્યુતકલ્પકજીવ, ચક્રાયુધ, ગૈવેયક સ્વર્ગગત જીવ, કનકપ્રભ ચક્રવર્તી અને વૈજયંત સ્વર્ગગત જીવ હતાં.
નારાયણ કંસારા