પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય

January, 1999

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય : પશ્ચિમના દેશોમાં થયેલો સ્થાપત્ય-કલાનો વિકાસ. સ્થાપત્યનો ઇતિહાસ એ ક્ષેત્રની સતત ઉત્ક્રાંતિનું નિરૂપણ છે. તેની શરૂઆત ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિથી ગણી શકાય. આ ગાળાની સરળ અને ભવ્ય ઇમારતો પછી ગ્રીસનાં મંદિરોની સ્થાપત્યરચનામાં ચોકસાઈ અને પૂર્ણતા લાવવાની અપ્રતિમ ભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ રોમની રાજકીય સંસ્કૃતિમાં લોકોપયોગી સંસ્થાઓના શહેરી સ્થાપત્યનો ભવ્ય ઉદય થયેલો. તે ઉપરાંત ધાર્મિક સ્થાપત્યમાં પણ અત્યંત કલાત્મક રચનાઓને પ્રોત્સાહન મળ્યું. આ સમય ખાસ કરીને સ્થાપત્યના ઇતિહાસમાં અત્યંત રચનાત્મક ગણાય છે. આ રીતે સ્થાપત્યનો વિકાસ સૈકાઓ સુધી વણથંભ્યો થતો રહ્યો. તેમાં જુદી જુદી સામાજિક, રાજકીય અને લોકોપયોગી પરંપરાઓને સંતોષવા, જુદી જુદી સંસ્કૃતિઓ પર આધારિત કલા અને કારીગરીની છાપ ઊપસતી રહી. આથી સ્થાપત્ય દ્વારા સમાજનાં તમામ પરિબળોનાં પાસાંની ઝાંખી ઊભરતી રહી અને સમાજની પ્રગતિ તથા સાધન-સંપન્નતાનો સચોટ ચિતાર સ્થાપત્ય દ્વારા મળતો રહ્યો. સૈકાઓનો ઇતિહાસ આ રીતે સ્થાપત્યકલા અને કારીગરી દ્વારા – ધર્મ, રહેણાક અને લોકોપયોગી ઇમારતો દ્વારા – આજ સુધી મનુષ્યની પ્રગતિશીલ સંસ્કૃતિનો વારસો અર્પે છે અને આથી સ્થાપત્ય-કલાને સઘળી કલાઓના સ્રોત તરીકે માનવામાં આવે છે.

ગ્રીસનું સ્થાપત્ય

પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્થાપત્યનો પાયો કદાચ પશ્ચિમ એશિયામાં જ રહેલ છે. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની ઇમારતો પથ્થર અને ઈંટથી બંધાયેલ હોવાથી સ્થાપત્ય નક્કર અને ઘનત્વવાળું રહેલું. ઇજિપ્ત, મેસોપોટેમિયા અને પર્શિયાની  સંસ્કૃતિઓની અસર ગ્રીસમાં વર્તાય છે. ગ્રીસમાં કલા અને કારીગરી તેની પરાકાષ્ઠાએ પહોંચેલ જણાય છે અને સ્થાપત્યમાં ભવ્યતાની અનુભૂતિથી મનુષ્યની કુદરતને આંબવાની હોંશની પ્રતીતિ થાય છે. સ્થાપત્યમાં સ્તંભો અને પાટડાઓથી થયેલ રચના તેમના ઇમારતી કૌશલ્યનો પણ ખ્યાલ આપે છે. આ જાતના સ્થાપત્યની પ્રેરણા કદાચ કાષ્ઠસ્થાપત્યની પ્રણાલીઓ પરથી મળેલ હોય. તત્કાલીન રાજકીય સંબંધો ઉત્તર ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ, તેથી કદાચ તે સાંસ્કૃતિક આપલેનું પણ આ પરિણામ હોય. સ્તંભો સ્થાપત્યનો મુખ્ય આધાર હોવાથી તેની રચના પર પ્રાંતીય છાપ રહેલી જણાય છે અને આને આધારે ડૉરિક, આયૉનિક વગેરે આધારની પરંપરા સ્થપાઈ હોય. તેનાથી મંદિરોના સ્થાપત્યની શૈલી રચાઈ જણાય છે.

ખાસ કરીને હેલીનિક શૈલીને અનુસરીને રોમન સ્થાપત્યની પરંપરાની શરૂઆત ઈ. પૂ. 146 પછી એટલે કે ગ્રીસ રોમના એક પ્રાંત તરીકે જાહેર થયું તે પછી થયેલી જોઈ શકાય. એટ્રુસ્કન પ્રણાલીના કૌશલ્યથી પ્રભાવિત થયેલ રોમન સ્થાપત્યમાં સ્તંભોની રચનામાં વિશિષ્ટતા આવી અને તેની ઉપર કમાનની રચનાથી સમગ્ર દર્શનમાં નજાકત ઊભરી આવી. આનો ખ્યાલ રોમન સ્થાપત્યની વિશાળ સ્તંભાવલિવાળી ઇમારતો આપે છે. તેનો ઉપયોગ જાહેર સભામંચો અને દેવળોમાં થયેલો જોવા મળે છે. રોમન સામ્રાજ્યમાં લોકોપયોગી સ્થાપત્યનો બહોળો વિકાસ થયો. ખાસ કરીને ઇટાલીનાં ખંડેરો હજી પણ આની સાક્ષી પૂરે છે.

આયોનિક સ્થાપત્ય

રોમન રાજ્યદરબારનું સ્થાપત્ય, રમતગમતનાં સ્થળોનું સ્થાપત્ય અને તેમનાં ઍમ્ફિથિયેટરો તો સ્થાપત્યની પ્રણાલીની પરાકાષ્ઠારૂપ છે. ઉપરાંત સંગીત અને નાટ્યકલાને માટે થિયેટરોની રચના અને વિજયદ્વારો અને નદીઓના પુલ તથા લોકો માટેની પાણીની નહેરો વગેરેનું સ્થાપત્ય પણ અપ્રતિમ રહ્યું છે. તત્કાલીન રાજ્યવ્યવસ્થા અને લોકવ્યવસ્થાનો પણ રોમન નગરો અને ઇમારતો ચિતાર આપે છે. આમ સંસ્કૃતિની પરંપરામાં ધાર્મિક પ્રબળતાનો ઉદભવ સ્થાપત્યને પણ એક નવી દિશા આપે છે. ખાસ કરીને વિશ્વ-ઇતિહાસમાં પાશ્ચાત્ય દેશોમાં ખ્રિસ્તી ધર્મનાં પ્રસાર અને શક્તિ રોમન સૈન્યો માટે રચાયેલ રસ્તાઓ દ્વારા જ શક્ય બન્યાં. રોમમાં જ રાજ્યવ્યાપી ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મનો પાયો લગભગ 30 દેવળોના બાંધકામ દ્વારા સુઢ થયો. આ દરમિયાન રોમન સામ્રાજ્યનું પાટનગર રોમથી બાઇઝેન્શિયમમાં ખસેડવાથી આ ધાર્મિક પ્રબળતાને નવો વળાંક મળ્યો. આને લઈને બાઇઝેન્ટાઇન શૈલી ઉદભવી. પરંતુ પાશ્ચાત્યકલાના વિકાસમાં એક રુકાવટ આવી અને છેક આઠમા સૈકા સુધી તેનો પ્રભાવ રહ્યો. તે પછી તેનો પુન: સંચાર થયો. યુરોપનાં નવાં રાજ્યોએ ફરી દસમી, અગિયારમી, બારમી સદીમાં દેવળો અને ધાર્મિક સંસ્થાઓની ઇમારતો બાંધી, જેનો આધાર રોમન સ્થાપત્ય પર હતો; આ શૈલી રોમનેસ્ક તરીકે પ્રચલિત થઈ.

ત્યારબાદ ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મયુદ્ધોના પરિણામે ધાર્મિક સ્થાપત્યને ઘણો જ વેગ મળ્યો અને આના દ્વારા ખાસ કરીને મધ્યયુગ દરમિયાન યુરોપીય દેશોમાં જે પ્રકારના સ્થાપત્યની શૈલી પ્રચલિત થઈ તે ગૉથિકના નામથી ઓળખાય છે. તેરમી સદી દરમિયાન લગભગ બધા જ કારીગરોના સમૂહો આ શૈલીમાં કાર્યાન્વિત થયા હતા. આ શૈલીમાં અલગ પ્રકારની બાંધકામની રચનાઓ નાના નાના પથ્થરોમાં કરવામાં આવતી. તેમને સમતોલ કરી કમાનાકાર (ખૂણાવાળા) ઘાટમાં એકત્રિત કરાતી. આવી રચના પટ્ટી અને પાટડાવાળા (rib and panel) ઘુમ્મટ દ્વારા કરાતી અને તેના વડે દેવળોની છત વગેરેની રચના થતી. સમગ્ર રચનામાં મનોહર નાજુકાઈ અને હળવા આધારનો ભાસ થતો અને પાતળા આધારો કમાનાકાર ઊંચાઈએ છત અને ઘુમ્મટોમાં વિલીન થતા દેખાતા, જેનાથી સમગ્ર આંતરિક વાતાવરણને એક ઊર્ધ્વગતિ સાંપડતી, જે ભક્તિપ્રેરક વાતાવરણ માટે સુસંગત બનતી.

યુરોપમાં ગોથિક સ્થાપત્ય

ગૉથિક સ્થાપત્યની દીવાલોના આગળ પડતા આધારો અને સ્તંભો કમાનાકાર ટેકા તરીકે ઓળખાય છે. આ આધારોથી દેવળોની સમગ્ર રચનાને ઊર્ધ્વગામી આભાસ મળતો દેખાતો. આનાથી આધારો વચ્ચેની દીવાલને ઇમારતનો ભાર ઝીલવામાં અનુકૂળતા રહેતી અને આથી જ અત્યંત કલાત્મક ‘રોઝ વિન્ડો’નો વિકાસ થયો અને તેનું ચલણ વધ્યું. તેમાં વિવિધ પ્રકારના કાચની બારીક અને કલાત્મક ભાતથી જુદા જુદા વિષયોનાં મ્યુરલો રચાતાં.

યુરોપીય દેશોમાં અને ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં પણ આ શૈલીને મળતી તેરમી સદીની લંબપ્રચુર(perpendicular) શૈલી પ્રસરી. દરેક દેશમાં સ્થાપત્યના વિકાસ સાથે વ્યાપારી વર્ગનું વર્ચસ રહેલ અને તેમની ઉદાર સખાવતોથી સ્થાપત્યના નવા નવા પ્રકારોની રચનાઓ ઉદભવેલી. ગૉથિક દેવળોએ યુરોપીય રાષ્ટ્રોની રહેણીકરણીમાં અનન્ય સ્થાન મેળવેલ; કારણ કે આ દેવળોને સંલગ્ન સઘળી લોકોપયોગી સંસ્થાઓ વિકસી હતી; જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ, પુસ્તકાલયો, સંગ્રહાલયો અને ચિત્રશાળાઓ. વળી દેવળોની અંદર દર્શાવાયેલ તથા કંડારાયેલ શિલ્પકલાના નમૂનાઓ દ્વારા દેવળો પોતે જ સંગ્રહાલયો તથા પુસ્તકોની ગરજ સારવા માંડેલ. લોકોપયોગી સ્થાપત્યના સંદર્ભમાં દુર્ગો અને કિલ્લાઓની રચના અને બાંધકામ પણ આ સમય દરમિયાન વિકસેલાં, જે પણ મધ્યકાલીન સ્થાપત્યનો તાદૃશ ચિતાર આપે છે. સોળમી સદીની શરૂઆતમાં મધ્યકાલીન સંસ્કૃતિ અને તેને કારણે સ્થાપત્યમાં પણ પરિવર્તન સર્જાયું અને તે સમયની ઘટનાઓથી સમગ્ર યુરોપીય સંસ્કૃતિમાં પરિવર્તનનાં એંધાણ મંડાયાં. મધ્યકાલીન સમય સુધીના સ્થાપત્યને ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) ગ્રીક (trabeated) સ્તંભ અને પાટડાની રચના, (2) રોમન અથવા સમન્વયની શૈલી, જેમાં સ્તંભો અને અર્ધવર્તુળાકાર કમાનોની રચના હતી અને (3) ગૉથિક અથવા કમાનાકાર શૈલી, જેમાં અણિયાળી કમાનો મુખ્ય હતી.

ઇટાલિયન પ્રબુદ્ધકાળનું સ્થાપત્ય

આ જાતના સુયોજિત સ્થાપત્યના વિકાસમાં સોળમી સદીથી વિક્ષેપ પડ્યો અને રોમન સ્થાપત્ય પર આધારિત પુનરુત્થાન(Renaissance) યુગનો ઉદભવ ઇટાલીમાં થયો અને પછી તેનો પ્રસાર સમગ્ર પશ્ચિમ યુરોપમાં થયો. આ નવી શૈલીની શરૂઆત ઇટાલીના ફ્લૉરેન્સ શહેરમાં થઈ. ત્યાંના ધનાઢ્ય મેડીચી કુટુંબે તેને પ્રોત્સાહન આપ્યું. આ સમય દરમિયાન વિટ્રુવિયસનાં લખાણો દ્વારા તેને વેગ મળ્યો. આ વિકાસ અને પરિવર્તન દ્વારા વિચાર-સ્વાતંત્ર્યને પ્રાધાન્ય મળ્યું. છાપખાનાની શોધને લઈને વિચારોની આપલેને ઘણું જોર મળ્યું. બંદૂકનો દારૂ, હોકાયંત્ર વગેરેથી નવી દુનિયા શોધાઈ અને ભૌગોલિક અંતરો ઘટ્યાં.

1453માં કૉન્સ્ટેન્ટિનોપલના પતન પછી ગ્રીક પ્રજાનું યુરોપીય આગમન પણ શક્ય બન્યું. આ બધી જ ઘટનાઓની તથા વિચારધારાઓની સ્થપતિઓ અને કલાકારો પર પણ ઘણી અસર થઈ. આમાંના મહત્વના હતા લુચા દેલા રોબિયા, ઘીબર્ટી, બ્રુનલ્લેસ્ક્રી, આલ્બેર્તી, દોનાતેલ્લો, બ્રાહ્માન્તે, પેરૂઝી સાન્ગાલો, રફાયેલ, વિનૉલા, માઇકેલૅન્જલો, લિયાનાર્દો દા વિન્ચી વગેરે. તેમના કલાપુરુષાર્થમાં રેનેસાન્સ દરમિયાનની સ્થાપત્યકલા અને વિવિધ કલાઓના સમન્વયથી સાંસ્કૃતિક વારસો અનેરો બન્યો અને વિવિધ કલાકારો અને સ્થપતિઓની ગણના સમાજના સ્તરે અત્યંત મહત્વના મહાનુભાવોમાં થવા લાગી; સ્થપતિઓ અને કલાકારોને ઉત્કૃષ્ટ સમાજજીવનના પ્રણેતા ગણવામાં આવ્યા. આથી યુરોપીય જગતમાં તેમની રચનાઓને પરિણામે ઇમારતો અને શહેરની રચનાઓમાં વિવિધતા અને નાવીન્ય સ્થાપિત થયાં. આ વારસો પછીની સદીઓમાં વિશેષ ઉત્ક્રાંતિ પામ્યો. આ શૈલી સાંસ્કૃતિક   આંદોલન રૂપે ઇટાલીથી ફ્રાન્સ, જર્મની, સ્પેન, નેધરલૅન્ડ્ઝ અને ઇંગ્લૅન્ડ સુધી પહોંચી. ફ્રાન્સમાં ઐતિહાસિક ગૉથિક સ્થાપત્ય ઉપર આ નૂતન આંદોલનની છાપ પ્રસરી અને રાજ્યાવાસો, નગરગૃહો અને ગ્રામવસવાટોમાં તે નજરે પડવા લાગી; જોકે ધાર્મિક સંસ્થાઓ પર આની અસર ઓછી જોવા મળી.

આવી જ રીતે જર્મની, નેધરલૅન્ડ્ઝ અને સ્પેનમાં ધાર્મિક સુધારાઓને કારણે સ્થાપત્યશૈલીઓમાં નાવીન્ય આવેલું. રેનેસાન્સ પરથી ઉત્ક્રાંતિ પામેલી બરોક અને રકોકો સ્થાપત્યશૈલીઓ અહીં વધારે પ્રસરેલી. ઇંગ્લૅન્ડમાં પણ રેનેસાન્સ અને ધાર્મિક સુધારણા એક જ વખતે પ્રસરેલાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડના રાજકીય સમન્વયથી અને ઇંગ્લૅન્ડમાં ફ્રાન્સ અને ઇટાલીના સ્થપતિઓની કૃતિઓથી આ શક્ય બનેલું. ઇંગ્લૅન્ડના સ્થાપત્યમાં સત્તરમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ઇનિગો જોન્સ અને ક્રિસ્ટોફર રેન દ્વારા સ્થાપત્યમાં શાસ્ત્રોક્ત કલાની અસર રહેલી, જે તેમના ઇટાલીના સ્થાપત્યના ઊંડા અભ્યાસને લીધે બહાર આવેલી. અઢારમી સદી દરમિયાન આ અસર જોવા મળી નહિ, પણ ફરીથી સ્થાપત્યમાં સ્થાનિક અસરોનું પ્રાધાન્ય જોવા મળે છે. ઇટાલીની અસર ઓસરતી જાય છે; જે ઓગણીસમી સદી દરમિયાન પૂર્ણતાને આરે પહોંચે છે. ઓગણીસમી સદી બાદ તત્કાલીન ઔદ્યોગિક ક્રાંતિની અસરને કારણે તદ્દન વિપરીત આવિર્ભાવથી સ્થાપત્યકલાની વિચારશૈલીમાં બદલાવની જરૂર ઊભી થઈ. વાહનવ્યવહારની સરળતા વગેરેથી સ્થાનીયતાને બદલે એકરૂપતા અને આદાનપ્રદાન શક્ય બન્યું. લાકડું, લોખંડ અને કૉન્ક્રીટનો ઉપયોગ શક્ય બન્યો અને વિશાળ ઇમારતોનું આયોજન પણ ઝડપી બન્યું; તેમ છતાં શાસ્ત્રોક્ત પ્રણાલીઓ પણ પ્રસરી. સર્વજનીનવાદ(universalism)નો પ્રબળ પ્રભાવ વીસમી સદીની શરૂઆતમાં જણાયો. ઔદ્યોગિક ક્રાંતિના જોરે સ્થપતિઓ, ઇજનરોએ અત્યંત જુસ્સાથી નવરચનાઓ આગળ વધારી અને સ્થાપત્યકલામાં એક નવીનતમ દિશાસંચાર થયો, જે ઉત્ક્રાંતિની આ સદીમાં હરણફાળ ભરીને આગળ વધી રહ્યો છે. તેની અસર પાશ્ચાત્ય દેશો પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર વિશ્વ પર તેનો પ્રભાવ પડ્યો છે. એક વિશ્વસ્તરીય સ્થાપત્યકલાની શૈલીનું પ્રભુત્વ તેમાં પ્રતીત થાય છે.

રવીન્દ્ર વસાવડા