પાશ્ચર, લુઇ (. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; . 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને  પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણની) રીત તથા રોગ સામેની પ્રતિકારક રસી(vaccine)ની શોધ તેમને આભારી છે.

લુઇ પાશ્ચર

બાળવયે પાશ્ચરનું મન ચિત્રકળા તરફ ઢળેલું હતું અને 13 વર્ષની વયે તેમણે દોરેલાં ચિત્રો હાલ પૅરિસના પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાંના મ્યૂઝિયમમાં જોવા મળે છે. 18થી 19 વર્ષની વયે એકાએક તેમણે ચિત્રકામ છોડી દીધું અને વિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. 1840માં તેમણે બૅચલર ઑવ્ લેટર્સ(આર્ટ્સ)ની અને 1842માં ડિઝોનમાંથી બૅચલર ઑવ્ મૅથમૅટિકલ સાયન્સીઝની પરીક્ષા પાસ કરી. તે વર્ષોમાં પૅરિસની ટીચર્સ ટ્રેઇનિંગ કૉલેજ ઈકૉલ નૉર્મલ સુપેરિયર(Ecole Normale Superieure)માં જોડાવા સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવી પડતી. 1842માં તે પરીક્ષામાં બેઠા અને 22 વિદ્યાર્થીઓમાં પંદરમા નંબરે આવી પ્રવેશ માટેની ક્ષમતા મેળવી, પણ તેનાથી તેમને સંતોષ ન થતાં ફરીથી 1843માં પરીક્ષામાં બેસી ચોથા નંબરે ઉત્તીર્ણ થયા પછી જ સંસ્થામાં દાખલ થયા. પરીક્ષાની તૈયારી દરમિયાન તેઓ રસાયણશાસ્ત્ર ઉપરનાં ઝ્યાં બાપ્તિસ્તે ડૂમાનાં પ્રવચનોથી પ્રભાવિત થયા અને 1843માં સૉબૉર્ન ખાતે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. 1845માં તેમણે માસ્ટર ઑવ્ સાયન્સની પદવી પ્રાપ્ત કરી. તેમણે વિખ્યાત રસાયણવિદ બૅલાર્ડની પ્રયોગશાળામાં લૉરેન્ટના માર્ગદર્શન હેઠળ સ્ફટિકોના વિવિધ પ્રકારો ઉપર સંશોધન કર્યું અને 1847માં પૅરિસ યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1848માં તેઓ ડિઝોન ખાતે ભૌતિકશાસ્ત્રના તથા 1849માં સ્ટ્રાસબર્ગમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક નિમાયા. તે જ વર્ષમાં તેમણે મેરી લૉરેન્ટ સાથે લગ્ન કર્યું, જે તેમના સંશોધનકાર્યમાં મહત્વનાં મદદનીશ બની રહ્યાં હતાં. 1854 સુધી તેઓ સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં વિજ્ઞાનના અધ્યાપક હતા. 1854માં તેઓ પાછા ઈકૉલ નૉર્મલમાં પ્રોફેસર અને ડીન ઑવ્ સાયન્સ તરીકે જોડાયા અને 1867માં સૉબૉર્ન ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક નિમાયા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. દરમિયાન 1863માં તેઓ લિલે યુનિવર્સિટીની સાયન્સ ફૅકલ્ટીના ડીન બન્યા હતા.

ઈકૉલ નૉર્મલ સુપેરિયર ખાતે પાશ્ચરનું મુખ્ય સંશોધન ટાર્ટરિક ઍસિડ (આમલીનો તેજાબ) અંગેનું હતું. અગાઉ બાયોટ નામના વૈજ્ઞાનિકે જણાવેલું કે ટાર્ટરિક ઍસિડનું એક સ્વરૂપ પ્રકાશસક્રિય (optically active) છે. પાશ્ચરે આ ઍસિડના પ્રકાશસક્રિય લવણના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે તે બે પ્રકારના સ્ફટિકો ધરાવે છે અને બંને એકબીજાનાં બિનઅધ્યારોપણીય (non-superposable) પ્રતિબિંબીઓ છે. તેમણે બંને સ્વરૂપોને છૂટાં પાડ્યાં. બંને પ્રકાશસક્રિય હતાં તથા તેમનાં ઘૂર્ણન (rotation) એકસરખાં પરંતુ એકબીજાની વિરુદ્ધનાં હતાં. તેમણે તારવ્યું કે આ અણુઓ ખરેખર વિસંમિત (dissymmetrical) છે. આ તારણનો ઉપયોગ વાન્ટ હૉફે કર્યો હતો. ત્રિપરિમાણી રસાયણ(stereochemistry)ની આમ શરૂઆત થઈ.

આ સંશોધન દરમિયાન પાશ્ચરને આથવણ(fermentation)ની પ્રક્રિયામાં રસ પડ્યો. 1854માં જ્યારે તે લીલમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા ત્યારે બિયર અને વાઇનનું ઉત્પાદન એક મોટો ઉદ્યોગ ગણાતો. 1860માં તેમણે દર્શાવ્યું કે ખાંડનું આથવણ તથા યૂષ(broth)નું સડન (putrefaction) જીવાણુરહિત પરિસ્થિતિમાં સ્વયંભૂ રીતે થતું નથી, પણ તે હવાજન્ય સૂક્ષ્મ જીવાણુઓને લીધે થાય છે. આ પુરવાર કરવા માટે તેમણે હંસની ડોક જેવી કાચની નળીવાળો ખાસ ચંબુ (flask) બનાવ્યો હતો. તેમણે દર્શાવ્યું કે દ્રાક્ષમાંથી બનાવવામાં આવતો દારૂ ફૂગ(ખમીર – yeast)ને લીધે ઉત્પન્ન થાય છે અને જો અન્ય જીવાણુઓ હાજર હોય તો તે દારૂની ગુણવત્તા બગાડે છે. આના અનુસંધાનમાં તેમણે હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે યૂષને 60o સે. તાપમાને 30 મિ. સુધી ગરમ કરવાની પ્રક્રિયા સ્થાપિત કરી. આમ કરવાથી અવળી અસર કરતા સૂક્ષ્મ જીવો નાશ પામ્યા, જ્યારે ઉપયોગી યીસ્ટ સચવાઈ રહેવાથી દારૂની ગુણવત્તા અને ઉત્પાદનમાં મોટો ફેર પડ્યો. દારૂ, દૂધ અને ખાદ્ય સામગ્રીની સાચવણી માટે વપરાતી પાશ્ચરીકરણની આ રીત ઘણી પ્રચલિત બની છે. તેમણે એમ પણ બતાવ્યું કે આથવણનો દરેક પ્રકાર ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુને, રોગાણુ(germ)ને આભારી છે. લૅક્ટિક આથવણ પરથી એ પણ પુરવાર કર્યું કે યીસ્ટ એ ઑક્સિજનની ગેરહાજરીમાં કૃત્રિમ માધ્યમોમાં પણ પુનર્જનન કરી શકે છે (પાશ્ચર અસર). તેમનાં આ પ્રકારનાં સંશોધનોને લીધે અજીવ જનનવાદ (નિર્જીવમાંથી સજીવોની ઉત્પત્તિ) અથવા સ્વત:જનનવાદ (spontaneous generation theory)નો અંત આવ્યો. તેમના રોગાણુવાદ(germ theory)નો ઉપયોગ કરી બ્રિટિશ સર્જન લિસ્ટરે વાઢકાપ અને તે પછીની સારવાર દરમિયાન ચેપરોધકો(antiseptics)નો ઉપયોગ કરી મૃત્યુદરને ઘણો ઘટાડી નાખ્યો.

પ્રાણીના રોગો ઉપરનું તેમનું પ્રથમ સંશોધન રેશમના કીડાને થતા રોગો અંગેનું હતું. તે સમયે રેશમ-ઉદ્યોગ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. 1862માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આથી 1865માં ડૂમાની વિનંતિથી રેશમના કીડાના રોગોના અભ્યાસ માટે પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી કીડાને રોગમુક્ત કર્યા.

1868માં પાશ્ચરને લકવાનો હુમલો થયો, પણ તેમણે થોડો આરામ લઈ સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. 1874માં નૅશનલ ઍસેમ્બ્લીએ તેમને આજીવન વર્ષાસન બાંધી આપ્યું. 1877ના વર્ષ પછીનું તેમનું કાર્ય માનવી અને પ્રાણીઓને થતા કેટલાક રોગો પરત્વેનું હતું.

1879માં પાશ્ચરે મરઘાંનાં બચ્ચાંને થતા ચિકન કૉલેરા નામના રોગનો અભ્યાસ કરી 1880માં એક રસી તૈયાર કરી તેનો ઉપાય શોધ્યો. 1881માં તેમણે ઢોરને થતા ઍન્થ્રૅક્સ નામના રોગનો અભ્યાસ કરી તે નિવારવા માટેની રસી તૈયાર કરી. રસીકરણ (vaccination) માટે રોગકારક સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખવામાં આવે છે અથવા તેને નિર્બળ બનાવવામાં આવે છે. નિર્બળ રોગાણુ માનવી કે જાનવરના શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીર પ્રતિક્રિયા રૂપે એવો પદાર્થ તૈયાર કરે છે કે જે તંદુરસ્ત અને પ્રબળ રોગાણુનો પ્રતિકાર કરી શકે છે.

1880માં તેમણે માનવી અને પ્રાણીઓને થતા હડકવા (rabies) ઉપર સંશોધન શરૂ કર્યું. સંશોધન જોખમી તથા મુશ્કેલ હતું; પણ 1884માં તેઓ એ તારણ ઉપર આવ્યા કે સામાન્ય સૂક્ષ્મદર્શક હેઠળ ન દેખાતા એવા વિષાણુ(virus)ને લીધે તે રોગ થાય છે. આની પણ તેમણે રસી તૈયાર કરી. જાનવરો ઉપર સફળતા મેળવ્યા બાદ માનવી ઉપર તેનો પ્રયોગ કરતાં તેઓ અચકાતા હતા; પણ 1885માં નવ વરસના બાળક જૉસેફ મિસ્ટરને હડકાયા કૂતરાએ ચૌદ જેટલાં બચકાં ભરેલાં. બાળકને બચાવવાની તીવ્ર ઇચ્છાથી તેનાં માબાપે પાશ્ચરને રસી વાપરવાની વિનંતી કરી. 6 જુલાઈ, 1885ના રોજ માનવીને રસી મૂકવાનો આ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો અને બાળક બચી ગયું. 1886માં 2,671 દર્દીઓને આ સારવાર અપાઈ તો ફક્ત 25નાં જ મૃત્યુ નીપજ્યાં. આ સિદ્ધિએ તેમને વિશ્વવિખ્યાત બનાવ્યા અને તે પછી દાનનો પ્રવાહ વહેતાં જનતાના ભંડોળમાંથી સંશોધન માટે પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા 1888માં પૅરિસમાં સ્થાપવામાં આવી. પાશ્ચર તેના નિયામક નિમાયા અને જીવનના અંત સુધી તે પદે રહ્યા. તેમના અવસાન બાદ તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યા. (તેમણે જે બાળકને રસી મૂકી બચાવેલું તે જૉસેફ મિસ્ટર પાછળથી પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટનો દરવાન બનેલો અને 1940માં નાઝીઓએ પાશ્ચરની કબર ખોદવાની આજ્ઞા કરી ત્યારે તેણે તેમ કરવાને બદલે આત્મહત્યા કરવાનું પસંદ કરેલું.) આજે પણ પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ એઇડ્ઝ જેવા રોગો પર સંશોધન કરી રહેલ છે.

1862માં તેઓ ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, 1873માં એકૅડેમી ઑવ્ મેડિસિન અને 1882માં એકૅડેમી ફ્રૅન્કેઇઝના સભાસદ ચૂંટાયા હતા.

તેમના પ્રગટ લેખો અને અપ્રગટ નોંધો તેમના પૌત્ર પાશ્ચર વૅલેરી-રેડોટ દ્વારા [Oeuvres Completes (The Complete Works)] સાત ગ્રંથોમાં 1922-1939 દરમિયાન પ્રકાશિત થયાં છે. પાશ્ચરનો પત્રવ્યવહાર (1840-1895) પણ ચાર ગ્રંથોમાં (1940-45) પ્રસિદ્ધ થયેલ છે.

મૃગેશ શુક્લ

જ. પો. ત્રિવેદી