પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ : હડકવા (rabies) પરનો પાશ્ચર-સંશોધિત ઉપચાર થઈ શકે તે અર્થે લુઇ પાશ્ચર અને તેમના અનુયાયીઓ દ્વારા ઈ. સ. 1888માં પૅરિસમાં સ્થાપવામાં આવેલી સંશોધન-સંસ્થા (Institut Pasteur). 1895માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી પાશ્ચરે તેનું પ્રમુખપદ સંભાળ્યું હતું. હાલમાં તે ફ્રાન્સનું રસીનું ઉત્પાદન કરનાર સૌથી મોટું કેન્દ્ર છે. આ સંસ્થાની સૂક્ષ્મજીવવિજ્ઞાન, જૈવરસાયણ, વાયરૉલૉજી (વિષાણુવિજ્ઞાન), કોષીય દેહધર્મવિદ્યા અને રોધક્ષમતા-વિજ્ઞાન જેવાં ક્ષેત્રોની કામગીરી વિશ્વભરમાં જાણીતી છે.
અહીં જીવવિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયા પર સંશોધનો થાય છે. ખાસ કરીને ચેપી રોગોના નિવારણ અને ઉપચાર માટે જાગતિક કેન્દ્ર તરીકે આ સંસ્થા અપૂર્વ ઉદ્યમ કરી રહેલ છે.
મ. શિ. દૂબળે