પાશુપત સંપ્રદાય : શૈવ ધર્મની મુખ્ય શાખા. પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સ્થાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાલાંતરે લકુલીશ અને વીરશૈવ જેવી કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશે જે શાખા શરૂ કરી તે જતે દિવસે ‘લકુલીશ પાશુપત સંપ્રદાય’ને નામે ઓળખાઈ. પાશુપત સંપ્રદાયના અનુયાયીઓ શિવને લિંગસ્વરૂપે પૂજે છે, પરંતુ વિષ્ણુથી શાપિત ભૃગુએ પ્રસન્ન કરેલા ભગવાન શિવે હાથમાં લકુટ એટલે દંડા સાથેનો કોપાવતાર ધારણ કર્યો તેથી તે લકુલીશ કે નકુલીશ એવા નામથી એ સંપ્રદાયમાં પૂજાયા છે. લકુલીશને વાયુપુરાણમાં શિવના અઠ્ઠાવીસમા અવતાર ગણાવ્યા છે. તેમનું મુખ્ય સ્થાન ગુજરાતમાં વડોદરા પાસે કાયાવરોહણ ગણાતું હોઈ પાશુપત સંપ્રદાયની આ શાખા ગુજરાતમાં પ્રાદુર્ભાવ પામી હોવાનું માલૂમ પડે છે. ઈ. સ. 380ના મથુરામાંથી મળેલા એક શિલાલેખમાં લકુલીશની શિષ્યપરંપરામાં દસમી પેઢીએ થયેલા ઉદિતાચાર્યનો ઉલ્લેખ છે. તેને આધારે લકુલીશ ઈ. સ.ના બીજા સૈકામાં થયાનું નિશ્ચિત થાય છે. લકુલીશના ચાર શિષ્યોએ સમગ્ર ઉત્તર ભારતમાં પાશુપત સંપ્રદાય ફેલાવવા ભારે પુરુષાર્થ કરેલો. તેમના આ કાર્યથી સંપ્રદાયમાં કૌશિક, ગાર્ગ્ય, મૈત્ર્ય અને કૌરુષ્ય નામે ચાર શાખાઓ પ્રગટી હતી. ગુજરાતમાં સોલંકીકાલ દરમિયાન આ સંપ્રદાય રાજધર્મ હોવાનું પ્રતીત થાય છે. એ સમયના શિલાલેખોમાં પાશુપત આચાર્યોનો સાહિત્યસ્વામી કે ધર્માચાર્ય તરીકે નિર્દેશ કરતી પ્રશસ્તિઓ પ્રાપ્ત થઈ છે.
પાશુપત સંપ્રદાયનાં મૂળ યજુર્વેદના રુદ્રાધ્યાયમાં, શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને મહાભારતમાં રહેલાં છે. લિંગપુરાણ અને વાયુપુરાણ વગેરે પુરાણગ્રંથોમાં પાશુપત સંપ્રદાયની ઘણી બાબતો રજૂ થઈ છે. આ સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ ‘પાશુપતસૂત્ર’ છે કે જેમાં સંપ્રદાયના તત્વજ્ઞાન કરતાં ક્રિયાકાંડની બાબતો વધુ છે. પાશુપતોના સિદ્ધાંતોમાં પાંચ પદાર્થો માનવામાં આવે છે : કાર્ય, કારણ, યોગ, વિધિ અને દુ:ખાન્ત. (1) જીવ અને જડ પદાર્થ બંને પરતંત્ર (મહેશ્વરને અધીન) હોવાથી તેમનો ‘કાર્ય’માં સમાવેશ થાય છે. જીવ અનેક વિષયોમાં ફસાયેલો હોવાથી તેને ‘પશુ’ કહેવામાં આવે છે. (2) બધી વસ્તુઓ-જડ-ચેતન સહિત-ના કર્તા, ધર્તા અને હર્તા તત્વને ‘કારણ’ કહેવામાં આવે છે. મહેશ્વર જ ‘કારણ’ છે. મહેશ્વર એક હોવા છતાં ગુણ અને કર્મના ભેદો વડે અનેક રૂપ ધારણ કરે છે. તે સ્વતંત્ર, ઐશ્વર્યયુક્ત, આદ્ય, એક અને કર્તા છે. જ્ઞાન અને ક્રિયાની નિરતિશય શક્તિઓ ધરાવતા હોવાથી સર્વશક્તિમાન મહેશ્વર ‘પતિ’ પણ કહેવાય છે. (3) ચિત્ત દ્વારા મહેશ્વર સાથે જીવનો સંબંધ સ્થાપિત કરવાના સાધનને ‘યોગ’ કહે છે. એમાં મંત્રનો જાપ, ધ્યાનાદિ ક્રિયાઓ, એકાંત ભક્તિ વગેરેનો સમાવેશ થાય છે. (4) ચોથા પદાર્થ ‘વિધિ’ દ્વારા મહેશ્વરને પામી શકાય છે. તેના ‘વ્રત’ અને ‘દ્વાર’ નામના બે ભેદ છે. ભસ્મસ્નાન, ભસ્મ-શયન, ઉપહાર, જપ અને પ્રદક્ષિણા એ પાંચ ‘વ્રત’ છે. પાંચ વ્રતોમાં પણ ઉપહારનું વિશેષ મહત્વ છે. હાસ (હા, હા, હા કરીને અટ્ટહાસ્ય કરવું), ગીત (સંગીતના નિયમાનુસાર મહેશ્વરનાં ગુણગાન ગાવાં), નૃત્ય (નાટ્યશાસ્ત્રના નિયમાનુસાર હાથપગાદિ અવયવો હલાવી નૃત્ય કરવું), હુડુક્કાર (જીભ અને તાળવાના સંયોગથી બળદની જેમ ભાંભરવું), નમસ્કાર (સાષ્ટાંગ પ્રણિપાત) અને જપ આ છ ઉપહાર ક્રિયાઓ છે. ‘દ્વાર’માં પણ છ ક્રિયાઓ કરવામાં આવે છે; જેમ કે જાગ્રત અવસ્થામાં ઊંઘતી વ્યક્તિના જેવી ચેષ્ટા કરવી, કંપવા થયેલી વ્યક્તિની જેમ શરીરને કંપાવવું, ખોડંગાતાં ચાલવું, સુંદરીને જોઈને કામીજન જેવી ચેષ્ટાઓ કરવી, અવિવેકી માણસની જેમ કાર્યો કરવાં અને પરસ્પરવિરોધી અને નિરર્થક વાતો કરવી. આમ કરવાથી સંસાર તરફથી ફિટકાર વરસે અને સંસારથી દૂર જવાય. (5) ‘દુ:ખાન્ત’ એટલે દુ:ખનિવૃત્તિ (મોક્ષ). જીવ અનેક પ્રકારના દોષ(મળ)થી બંધનમાં પડેલો છે. યોગ અને વિધિના અનુષ્ઠાન દ્વારા આ દોષો નાશ પામે છે. તેથી ભગવાન પશુપતિનો નૈસર્ગિક અનુગ્રહ થતાં જીવ ક્લેશમય સંસારમાંથી હંમેશને માટે મુક્ત થાય છે. આ દુ:ખાન્ત બે પ્રકારના છે – અનાત્મક અને સાત્મક. ‘અનાત્મક દુ:ખાન્ત’ એટલે દુ:ખોની કેવળ આત્યંતિક નિવૃત્તિ. સાત્મક દુ:ખાન્તમાં દુ:ખનિવૃત્તિ ઉપરાંત અલૌકિક શક્તિનો લાભ પણ છે. એમાં જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિનો ઉદય થાય છે. જ્ઞાનશક્તિને લઈને મુક્તાત્માને સ્થૂળ-સૂક્ષ્મ બધી વસ્તુઓનું જ્ઞાન, શબ્દ-સિદ્ધિ અને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે. ક્રિયાશક્તિને લઈને મુક્તાત્મા કોઈ પણ કાર્ય તત્ક્ષણ કરી શકે, સ્વેચ્છાએ અનંત રૂપ, શરીર કે ઇંદ્રિયો ધારણ કરવી અને ઇન્દ્રિયોની સહાય વગર પણ બધા પદાર્થો જાણવા-કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. એકલી તમામ દુ:ખોની આત્યંતિક નિવૃત્તિ મોક્ષ નથી, પરંતુ તેની સાથે જ્ઞાનશક્તિ અર્થાત્ – ક્શક્તિ અને ક્રિયાશક્તિ – બંને શક્તિઓ મળે તેને પારમૈશ્વર્યપ્રાપ્તિ કહે છે. દુ:ખોની આત્યંતિક નિવૃત્તિની સાથે પારમૈશ્વર્યપ્રાપ્તિ થાય ત્યારે જ મોક્ષ મળ્યો કહેવાય. પશુ એટલે જીવ મોક્ષ મળતાં પશુપતિ એટલે શિવ બની જાય છે. અને તે મહાશિવની કૃપા થાય તો જ બને છે.
પાશુપતો સમય જતાં આત્યંતિક દુ:ખનિવૃત્તિને બદલે અલૌકિક શક્તિ-સામર્થ્ય પ્રાપ્ત કરવામાં વિશેષ રસ દાખવવાને લઈને બદનામ થતા ગયા. તેમાં પંચમકારની ઉપાસના અને અન્ય અશિષ્ટ તત્વો ઉમેરાતાં તેની અધોગતિ થઈ અને (1) અઘોરી પંથ, (2) કાપાલિક પંથ વગેરે વામાચારીઓના સંપ્રદાયો ઉત્પન્ન થયા.
પ્રવીણચંદ્ર પરીખ