પાવા : બિહારમાં ગોરખપુરથી વાયવ્યમાં 48 કિમી. દૂર આવેલું ગામ. પ્રાચીન સમયમાં એ મલ્લ દેશનું નગર હતું. પાવાના મલ્લો પાવેય્યક કહેવાતા. બુદ્ધ આ ગામમાં ઘણી વાર પધારેલા. ‘ઉદાન’ અનુસાર બુદ્ધ પાવાના અજકપાલક ચૈત્યમાં રહ્યા હતા. આ ગામમાં બુદ્ધ રહેતા હતા તે દરમિયાન મલ્લોએ પોતાનો નવો સંથાગાર ‘ઉભ્ભાટક’ બંધાવ્યો હતો, જેનું ઉદ્ઘાટન ભગવાન બુદ્ધે કરેલું અને પછી એમાં ઉપદેશ આપ્યો હતો. એ પ્રસંગે સારિપુત્તે ભિક્ષુઓ સમક્ષ ‘સંગીતિસુત્ત’નું પઠન કર્યું હતું. ‘મહાપરિનિવ્વાણસુત્ત’(દીઘ. ii. 126 ff)માં બુદ્ધની આ ગામની અંતિમ મુલાકાતનું વર્ણન છે. વૈશાલીથી બુદ્ધ ભંડગ્રામ અને ભોગનગર થઈ પાવા પહોંચ્યા, જ્યાં કર્મારપુત્ર ચુંદના ઘેર ‘સૂકરમદ્દવ’નું ભોજન લીધું. ‘સૂકરમદ્દવ’ ખાવાથી બુદ્ધને પીડાકારી રક્તાતિસારનો રોગ થયો. આવી જ અવસ્થામાં તેમણે કુશીનગર તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતી હિરણ્યવતી નદી પાર કરી શાલવનમાં ગયા. ત્યાં બે શાલવૃક્ષો વચ્ચે આડા પડખે થયા. સુભદ્ર નામના પરિવ્રાજકને ઉપદેશ દીધો અને વૈશાખી પૂર્ણિમાએ એ સ્થળે એ મહાજ્યોતિ નશ્વર દેહ છોડી ગઈ. બુદ્ધના નિર્વાણ પછી પાવાના મલ્લ લોકોએ બુદ્ધના દેહના અવશેષ પર એક સ્તૂપ ચણાવ્યો હતો.

ભારતી શેલત