પાલેજવાળા, ફતેહઅલી હુસેનદીન (જ. 11 જૂન 1911, પાલેજ, જિ. વડોદરા; અ. 30 સપ્ટેમ્બર 1995) : જાહેર કાર્યકર અને ગુજરાત વિધાનસભાના એક વખતના અધ્યક્ષ. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. ત્યાંથી બી.એ. તથા એલએલ.બી. થયા. જૂના વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં મામલતદાર-કક્ષાએ પ્રોબેશનર અધિકારી તરીકે અને ત્યારબાદ 4 વર્ષ ડેપ્યુટી કલેક્ટર તરીકે કામગીરી બજાવી. આ નોકરી અનુકૂળ ન જણાતાં વકીલાત શરૂ કરી અને તે દ્વારા વડોદરા શહેરના જાહેર જીવનમાં ઝંપલાવ્યું. વડોદરા શહેરની સંખ્યાબંધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના સંચાલનમાં સક્રિય ફાળો આપ્યો. વડોદરાની સહકારી બૅંકના મંત્રી તેમજ ઉપપ્રમુખપદે રહ્યા. 4 વર્ષ વડોદરા સુધરાઈના ઉપપ્રમુખ પણ રહ્યા. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે 4 વર્ષ અને વડોદરા શહેર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે 2 વર્ષ કામ કર્યું. વડોદરાની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી, એજ્યુકેશન ટ્રસ્ટ અને બીજી અનેક સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે પણ તેમણે સેવાઓ આપી.
1962ની ચૂંટણીમાં વડોદરા શહેરમાંથી ચૂંટાઈને રાજ્ય-વિધાનસભાના સભ્ય બન્યા અને તેના અધ્યક્ષ ચૂંટાયા (1962થી 1967). નવા રાજ્યની વિધાનસભાના પૂર્ણકાલ અધ્યક્ષ રહ્યા તે દરમિયાન તેના ઘડતરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું.
તેમણે 1966માં જમૈકાના કિંગ્સ્ટન ખાતે યોજાયેલ કૉમનવેલ્થ પાર્લમેન્ટરી કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.
રક્ષા મ. વ્યાસ