પાલેજ : ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલું નગર. સ્થાન : 21o 52′ ઉ.અ. અને 72o 57′ પૂ.રે. તે ભરૂચ અને મિયાંગામ વચ્ચે આવેલું છે.  આ નગર અમદાવાદ મુંબઈ બ્રૉડગેજ રેલવેલાઇનથી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી સંકળાયેલું છે; જિલ્લાનાં અને તાલુકાનાં અન્ય ગામો સાથે પણ માર્ગોથી જોડાયેલું છે. તે નર્મદા-ઢાઢર અને કીમ નદીઓથી બનેલા મધ્યના કાંપના મેદાનમાં આવેલું છે. નર્મદા નદી તેની અગ્નિ દિશામાંથી વહે છે. અહીંનું હવામાન પશ્ચિમમાં આવેલા ખંભાતના અખાતને કારણે શિયાળામાં ભેજવાળું અને ઉનાળામાં ખુશનુમા રહે છે. વરસાદનું સરેરાશ પ્રમાણ 874 મિમી. જેટલું રહે છે. અહીં સરકારી હૉસ્પિટલ, માધ્યમિક શાળા, નજીકમાં શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ અને સંસ્થા આવેલાં છે.

ગિરીશ ભટ્ટ