પાલિ સાહિત્ય : બૌદ્ધ ધર્મવિષયક પાલિ ભાષામાં લખાયેલું સાહિત્ય. વિદ્વાનોએ ‘પાલિ’ શબ્દનો સંબંધ પંક્તિ, પરિયાય, પલ્લિ, પાટલિપુત્ર વગેરે સાથે બતાવ્યો છે; પણ તેની ખરી વ્યુત્પત્તિ, જેમાં બુદ્ધ-વચનો-વાણી સુરક્ષિત રહી છે તે પાલિ (पाति रक्खतीति बुद्धवचनं इति पालि ।) એવી છે.
પાલિ ભાષા મૂલત: કયા પ્રદેશની હશે એ બાબતે વિદ્વાનોમાં ઠીક ઠીક મતભેદ છે; પણ તેનો મધ્યપ્રદેશની ભાષા સાથે સંબંધ હોવાનું નિર્વિવાદ છે.
પાલિ ભાષામાં બૌદ્ધ ‘ત્રિપિટક’ અને તેનું સંપૂર્ણ ઉપજીવી સાહિત્ય લખાયું છે. ભગવાન બુદ્ધ, બૌદ્ધ ધર્મ, આચારવિચાર, અને સંઘના વિવરણ ઉપરાંત ઈ. સ. પૂ.ની શતાબ્દીઓનો ઇતિહાસ પણ આ સાહિત્યમાંથી મળે છે. બુદ્ધના બધા ઉપદેશો મૌખિક હતા. તેમના શિષ્યો તે કંઠસ્થ કરી લેતા હતા. એ ઉપદેશોનું સંકલન ‘ત્રિપિટક’માં કરવામાં આવેલ છે. એ સિલોનના થૅર(સ્થવિર)વાદીઓના મુખ્ય ગ્રંથો છે. પરંપરા પ્રમાણે તેનું સંકલન અને સંગાયન બુદ્ધના મૃત્યુ પછી ઈસવી સન પૂર્વે 483માં રાજગૃહની પ્રથમ સંગીતિ(સભા)માં મહાકશ્યપની અધ્યક્ષતામાં થયું હતું. ત્યારબાદ 100 વર્ષે ભિક્ષુઓની બીજી સંગીતિ થઈ, જેમાં મહાસ્થવિર રૈવત અને સર્વકામી મુખ્ય હતા. ત્રીજી સંગીતિ અશોક (ઈ. પૂ. 264-227)ની પ્રેરણાથી થઈ, જેમાં ‘ત્રિપિટક’નું અંતિમ સ્વરૂપ નિશ્ચિત થયું. આ સંગીતિમાં ‘સુત્તપિટક’માં ઉપદિષ્ટ સિદ્ધાન્તોના આધાર પર ‘અભિધમ્મપિટક’ની રચના થઈ. અશોકના ગુરુ મોગ્ગલિપુત્ત તિસ્સે ‘કથાવત્થુપ્પકરણ’નું સંગાયન કર્યું. ત્રીજી સંગીતિનું વિશેષ મહત્વ એ છે કે તેના પ્રસ્તાવાનુસાર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અનેક પ્રચારકો પડોશી દેશોમાં મોકલવામાં આવ્યા. અશોકપુત્ર મહેન્દ્ર અને તેના સાથીઓ ધર્મપ્રચારાર્થે લંકા ગયેલા અને તેઓ પોતાની સાથે પાલિ ‘ત્રિપિટક’ લઈ ગયેલા. લાંબા સમય સુધી લંકામાં ‘ત્રિપિટક’ મૌખિક પરંપરાથી ચાલતા રહ્યા; પણ ‘દીપવંસ’ અને ‘મહાવંસ’ પ્રમાણે, વટ્ટગામિની અભય(ઈ. સ. પૂ. 29-1.)ના સમયમાં અ-કથાઓ સહિત ‘ત્રિપિટક’ને લિપિબદ્ધ કરવામાં આવ્યા. સમસ્ત ‘ત્રિપિટક’ બુદ્ધવચન હોવા બાબતે વિદ્વાનોમાં મતભેદ છે. તેમાં કેટલીક ગાથાઓ પ્રક્ષિપ્ત હોવાનું પ્રાચીન આચાર્યોએ પણ સ્વીકાર્યું છે; આમ છતાં તેમાં મૂળ બુદ્ધવચનો સુરક્ષિત છે એ બાબતમાં શંકા નથી. દરેક સૂત્રના પ્રારંભમાં જ્યાં બુદ્ધે ઉપદેશ આપેલો તેના નામનો ઉલ્લેખ છે. સૂત્રોની શૈલી જીવંત છે.
‘ત્રિપિટક’માં ‘સુત્ત’, ‘વિનય’ અને ‘અભિધમ્મપિટક’નો સમાવેશ થાય છે. ‘સુત્તપિટક’માં સાધારણ વાતચીતની શૈલીમાં બુદ્ધે આપેલ ઉપદેશોનો સંગ્રહ છે. તેમાં સારિપુત્ત અને મોગ્ગલાયન આદિ દ્વારા ઉપદિષ્ટ કેટલાંક સૂત્રોનો સમાવેશ છે, જેનું ભગવાન બુદ્ધે અનુમોદન આપ્યું હોય. ‘સુત્તપિટક’માં ‘દીઘનિકાય’, ‘મજ્ઝિમનિકાય’, ‘સંયુત્તનિકાય’, ‘અંગુત્તરનિકાય’ અને ‘ખુદ્દકનિકાય’-એ પાંચ ગ્રંથોનો સમાવેશ થાય છે. ‘ખુદ્દકનિકાય’માં ‘ખુદ્દકપાઠ’, ‘ધમ્મપદ’, ‘ઉદાન’, ‘ઇતિવુત્તક’, ‘સુત્તનિપાત’, ‘વિમાનવત્થુ’, ‘પેતવત્થુ’, ‘થેરગાથા’, ‘થેરીગાથા’, ‘જાતક’, ‘નિદ્દેસ’, ‘પટિસમ્ભિદામગ્ગ’, ‘અપાદાન’, ‘બુદ્ધવંસ’ અને ‘ચરિયાપિટક’-એ 15 ગ્રંથોનો સમાવેશ થાય છે. ‘સુત્તપિટક’ના ગ્રંથોનું 5 નિકાયોમાં વિભાજન સૂત્રોના વિષય પ્રમાણે નહીં, પણ આકાર પ્રમાણે કરવામાં આવ્યું છે. ‘દીઘનિકાય’માં લાંબા અને ‘મજ્ઝિમનિકાય’માં મધ્યમ આકારનાં સૂત્રોનો સંગ્રહ છે. ‘અંગુત્તરનિકાય’ના ગ્રંથોમાં અંક ધ્યાનમાં લેવામાં આવેલ છે. ‘સંયુત્ત’ અને ‘અંગુત્તરનિકાય’ વસ્તુત: અન્ય નિકાયોના પૂરક છે. ‘ખુદ્દકનિકાય’માં નાનાં નાનાં સૂત્રોનો સંગ્રહ છે.
સંઘ-સંચાલનના નિયમન માટે ભગવાન બુદ્ધે સમયે સમયે આપેલા ઉપદેશોનો સંગ્રહ ‘વિનયપિટક’માં છે. તેના ‘સુત્તવિભંગ’ (‘પારાજિક’ અને ‘પાચિત્તિય’), ‘ખંધક’ (મહાવગ્ગ’ અને ‘ચુલ્લવગ્ગ’) અને ‘પરિવાર’ – એવા ત્રણ વિભાગ છે.
‘સુત્તપિટક’માં ઉપદિષ્ટ સિદ્ધાન્તોના આધારે ‘અભિધમ્મપિટક’નો વિકાસ થયો છે. તેમાં ‘ધમ્મસંગિતિ’, ‘વિભંગ’, ‘કથાવત્થુ’, ‘પુગ્ગલ પઞ્ઝત્તિ’, ‘ધાતુકથા’, ‘યમક’ અને ‘મહાપાન’ (‘પાનપ્પકરણ’) આ 7 ગ્રંથોનો સમાવેશ થાય છે. તે બૌદ્ધ ધર્મના દર્શનને લગતા ગ્રંથો ગણાય છે. બૌદ્ધ ધર્મ આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો. તેને મતે મનુષ્ય ચિત્ત અને શરીરનો સંઘાત છે. શરીર રૂપ કહેવાય છે. ચિત્તના ચાર પ્રકાર છે : વેદના (feeling), સંજ્ઞા (conceptual knowledge), સંખાર (synthetic mental stages) અને વિજ્ઞાન (consciousness). સંઘાતની આ અવસ્થાઓને ‘ધમ્મ’ કહે છે. ‘અભિધમ્મપિટક’ના મહત્વપૂર્ણ ગ્રંથ ‘ધમ્મસંગિતિ’માં આ ધર્મોનું પૂર્ણ વિશ્લેષણ અને વિભાજન કરવામાં આવ્યું છે; જેમ કે (कुसलाधम्मा, अकुसलाधम्मा, अव्वक्ताधम्मा) આદિ. ‘અભિધમ્મપિટક’ના બાકીના છ ગ્રંથોમાં આ ધર્મોના સ્વરૂપ અને પરસ્પર સંબંધનો વિચાર કરવામાં આવ્યો છે. ધર્મોનું વર્ગીકરણ પણ ચાર ભાગમાં કરવામાં આવ્યું છે. પરમાર્થની દૃષ્ટિએ અભિધમ્મના ચાર વિષય કહ્યા છે : (1) કોઈ વસ્તુને જાણનાર ચિત્ત, (2) ચિત્ત સાથે જોડાયેલ ચૈતસિક, (3) વિકાર-સ્વભાવવાળું રૂપ અને (4) તૃષ્ણાથી મુક્ત નિર્વાણ.
ત્રિપિટકેતર સાહિત્યના બે યુગ ગણવામાં આવ્યા છે : ‘મિલિન્દપઞ્હો’ (મિલિન્દ-પ્રશ્ન) પ્રથમ યુગનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં રાજા મિલિન્દ અને નાગસેન વચ્ચે થયેલા પ્રશ્ર્નોત્તર છે. ‘ત્રિપિટક’માં સમાવિષ્ટ ન હોવા છતાં તેનું એટલું જ મહત્વ છે. અટ્ઠકથાચાર્ય બુદ્ધઘોષે પણ અનેક જગ્યાએ ‘મિલિન્દપઞ્હો’નો આધાર ટાંક્યો છે. તેના કર્તા અજ્ઞાત છે. એ ગ્રંથની શૈલી પાલિ કરતાં સંસ્કૃતની વધારે નજીક છે.
પાલિમાં ત્રિપિટકેતર સાહિત્યના બીજા યુગ(ઈ. સ. પાંચમીથી અગિયારમી શતાબ્દી)ની શરૂઆત ‘ત્રિપિટક’ની અટ્ઠકથાઓથી થાય છે. પાલિ અટ્ઠકથાઓનો આધાર લંકામાં લખાયેલ અટ્ઠકથાઓ માનવામાં આવે છે. આચાર્ય બુદ્ધઘોષ અટ્ઠકથાઓના મુખ્ય પ્રણેતા ગણાય છે. ‘વિનયપિટક’ની અટ્ઠકથા ‘સમન્તપાસાદિકા’, ‘પાતિમોક્ખ’ની અટ્ઠકથા ‘કંખાવિતરણી’, ‘સુત્તપિટક’ના ‘દીઘનિકાય’ની અટ્ઠકથા ‘સુમંગલવિલાસિની’, ‘મજ્ઝિમનિકાય’ની અટ્ઠકથા ‘પપંચસૂદની’, ‘સંયુત્તનિકાય’ની અટ્ઠકથા ‘સારત્થપકાસિની’, ‘અંગુત્તરનિકાય’ની ‘મનોરથપૂરણી’, ‘ખુદ્દકનિકાય’ના ‘ખુદ્દકપાઠ’ અને ‘સુત્તનિપાત’ની અટ્ઠકથા ‘પરમત્થજોતિકા’, ‘અભિધમ્મપિટક’ની ‘ધમ્મસંગિની’ની અટ્ઠકથા ‘અસાલિની’, ‘વિભંગ’ની ‘સમ્મોહવિનોદિની’; ‘અભિધમ્મપિટક’ના ‘ધાતુકથા’, ‘પુગ્ગલપઞ્ઝત્તિ’, ‘કથાવત્થુ’, ‘યમક’ તથા ‘પાનપ્પકરણ’ની અટ્ઠકથા ‘પપંચપ્પકરણકથા’ આદિ અટ્ઠકથાઓ ઉપરાંત બુદ્ધઘોષનો ‘વિશુદ્ધિમગ્ગ’ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ છે. તે બૌદ્ધ સિદ્ધાંતોનો કોશ ગણાય છે. ‘જાતક અટ્ઠકથા’ બુદ્ધઘોષની રચના છે કે નહિ તે નિશ્ચિત નથી.
બુદ્ધઘોષના સમકાલીન બુદ્ધદત્તે બુદ્ધવંસ પર ‘મધુરત્થવિલાસિની’ અથવા ‘મધુરત્થપકાસિની’ નામે અટ્ઠકથા લખી છે. તેમની અન્ય અનેક રચનાઓ હોવાનું મનાય છે.
બુદ્ધદત્ત પછી આનંદ જાણીતા આચાર્ય થઈ ગયા. તેમણે મૂલ ટીકા તથા ‘અભિધમ્મટીકા’ની રચના કરી હતી. ધમ્મપાલની ‘પરમત્થદીપની’ અને અન્ય ગ્રંથો ઉલ્લેખનીય છે. બુદ્ધઘોષ પછી પ્રસિદ્ધ ટીકાકાર ધમ્મપાલ થઈ ગયા. તેમના સમયની બાબતમાં વિવાદ છે. પાલિ સાહિત્યના પ્રાચીન ટીકાકારોમાં ચુલ્લ, ધમ્મપાલ, ઉપસેન, મહાનામ, કસ્સપ, વજિરબુદ્ધી, ખેમ, અનિરુદ્ધ વગેરે નામો ઉલ્લેખનીય છે.
ધમ્મસિરિકૃત ‘ખુદ્દસિક્ખા’ તથા મહાસામિન દ્વારા રચિત ‘મૂલસિક્ખા’માં ભિક્ષુઓ માટે સંઘ સંબંધી નિયમોનો સંગ્રહ છે. કંઠસ્થ કરવા માટે તે પદ્યબદ્ધ કરવામાં આવ્યા છે. તેની ભાષાશૈલી ઉપરથી લાગે છે કે આ રચનાઓ ઈ. સ.ની પંદરમી શતાબ્દી પહેલાંની નથી.
પાલિ સાહિત્યમાં ‘દીપવંસ’ અને ‘મહાવંસ’ ઇતિહાસને લગતા ગ્રંથો છે. બંનેનો વિષય, સિંહલના ઇતિહાસ સાથે સંબંધ ધરાવે છે. ‘મહાવંસ’ ‘દીપવંસ’ પછીની રચના છે.
‘ત્રિપિટક’ સાહિત્ય ઘણું વિશાળ છે. બર્મી, સિંહાલી, શ્યામી તથા રોમન લિપિમાં ‘ત્રિપિટક’નું પ્રકાશન થઈ ગયું હતું; પણ નાગરી લિપિમાં પાલિ સાહિત્યના પ્રકાશનનું કાર્ય સૌપ્રથમ રાહુલ સાંકૃત્યાયને શરૂ કર્યું હતું. સૌપ્રથમ રાહુલજીએ ‘સુત્તપિટક’ના ‘મજ્ઝિમનિકાય’ તથા ‘દીઘનિકાય’ અને ‘વિનયપિટક’ના હિંદી અનુવાદ તૈયાર કર્યા, જે મહાબોધિ સભા, સારનાથ તરફથી પ્રકાશિત થયા છે. ત્યારપછી મ્યાનમારના ભિક્ષુ ઉત્તમની મદદથી તેમણે ‘ખુદ્દકનિકાય’ના 11 ગ્રંથો મૂળ રૂપે પ્રકાશિત કર્યા. રાહુલજીને અનુસરીને ભદન્ત આનંદ કૌસલ્યાયને જાતકનો 6 ખંડોમાં હિંદી અનુવાદ કર્યો, જે હિંદી સાહિત્ય સંમેલને પ્રકાશિત કરેલ છે. ત્યારપછી નવનાલન્દા મહાવિહાર તરફથી સંપૂર્ણ ‘ત્રિપિટક’ અને કેટલીક અટ્ઠકથાઓ દેવનાગરી લિપિમાં પ્રકાશિત થયાં છે.
બૌદ્ધ ધર્મને લગતી ગુજરાતીમાં માહિતી આપવાનું પાયાનું કામ ધર્માનંદ કોસંબીએ કર્યું છે. તેમણે લખેલા અને ગુજરાતીમાં અનૂદિત કેટલાક ગ્રંથો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પુરાતત્વમંદિર ગ્રંથમાળા અને પૂંજાભાઈ ગ્રંથમાળામાં પ્રકાશિત થયા છે. ‘સુત્તનિપાત’ (ગ્રંથ 1), ‘ધમ્મપદ’ (ગ્રંથ 12), ‘સમાધિમાર્ગ (ગ્રંથ 13), ‘બૌદ્ધ સંઘનો પરિચય’ (ગ્રંથ 14), ‘બૌદ્ધ ધર્મનો પરિચય’ વગેરે કેટલાંક પુરાતત્વ મંદિર ગ્રંથમાળાનાં પ્રકાશનો છે. ‘ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ’ (ગ્રંથ 12), ‘નિદાનકથા’, ‘બુદ્ધચરિત’ (ગ્રંથ 24), ‘બુદ્ધલીલા’ વગેરે પૂંજાભાઈ ગ્રંથમાળાનાં પ્રકાશનો છે. ‘બુદ્ધલીલા સારસંગ્રહ’ અને ‘અભિધર્મ’ (ગુજરાત વિદ્યાસભા) તેમના અન્ય ગ્રંથો છે.
ઉપરાંત, પં. બેચરદાસનું ‘ધમ્મપદ’ (સસ્તું સાહિત્યવર્ધક), હરભાઈ ત્રિવેદીનું ‘જાતકકથાસંગ્રહ’ (સાર્વજનિક જ્ઞાનપ્રસારક) ગુજરાતીમાં લખાયેલ બોદ્ધ ગ્રંથો છે. ડૉ. નગીનભાઈ શાહલિખિત અને સ.પ. યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ‘બૌદ્ધ ધર્મદર્શન’ એ બૌદ્ધ ધર્મને લગતો ગુજરાતીમાં મહત્વનો ગ્રંથ છે. ડૉ. વિધુશેખરની કૃતિનો ડૉ. નગીનભાઈ શાહનો અનુવાદ ‘બૌદ્ધ ધર્મની પાયાની વિભાવના’ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થયેલ છે.
કાનજીભાઈ પટેલ