પાલાટીના ચૅપલ : 113-240 વચ્ચે પાલેર્મો(દક્ષિણ ઇટાલી અને સિસિલી ટાપુ)માં રોમનેસ્ક શૈલીમાં બંધાયેલ દેવળ. તે રાજમહેલના એક ભાગરૂપે હતું. તત્કાલીન બાઇઝેન્ટાઇન શૈલીની અસરને પરિણામે આ દેવળનો ઘુમ્મટ 5.5 મીટરના વ્યાસનો હતો અને દેવળની અંદરનું સુંદર નકશીકામ મુસ્લિમ અસર પ્રમાણે થયેલું. આ સમયના યુરોપીય સ્થાપત્યમાં આ પ્રકારનો સમન્વય એ સહજ બાબત હતી અને યુરોપ અને પશ્ચિમ એશિયાની મિશ્ર શૈલીનો વિકાસ રોમનેસ્ક સ્થાપત્યનાં ઘણાં દૃષ્ટાંતોમાં જોવા મળે છે. દક્ષિણ ઇટાલીની ભૌગોલિક પરિસ્થિતિને લઈને પણ આ વિસ્તારના સ્થાપત્યમાં આ શેલી બારમી સદી દરમિયાન અત્યંત પ્રચલિત રહેલ. આ પ્રકારનાં બીજાં દેવળોમાં પાલેર્મોમાં જ બારમી સદીના ઉત્તરાર્ધ સુધીમાં બંધાયેલાં સંત જિયોવાની ડેગ્લી એરમિટી, લા માર્તોરાના અને સંત કાતાલ્દો – એ બધાં દેવળોનો સમાવેશ થઈ શકે. આ ઉપરાંત રાજમહેલોના સ્થાપત્યમાં પણ આવાં સમન્વયવાળાં દૃષ્ટાંતો મળે છે, જેમાં પાલેર્મોમાં 1154-66 વચ્ચે બંધાયેલ લા ઝીસાનો સમાવેશ થાય છે.
રવીન્દ્ર વસાવડા