પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહલાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો શાસક હતો. તેના નામ પરથી આ શહેર ‘પાલનપુર’ તરીકે ઓળખાય છે.

આ શહેર સમુદ્ર-સપાટીથી 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને અરવલ્લીની હારમાળા વચ્ચેના નીચાણવાળા ભાગમાં વસેલું છે. અરવલ્લીની હારમાળાની શરૂઆત પાલનપુર નજીકથી જ થાય છે. સમુદ્રથી તે પ્રમાણમાં દૂર આવેલું હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે. મે માસનું ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44o સે. અને 26o સે. તથા જાન્યુઆરી માસનું ગુરુતમ અને લઘુતમ તાપમાન 34o સે. અને 4o સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 513 મિમી. પડે છે.

પાલનપુર, વડગામ અને દાંતા તાલુકાઓમાં થતી અનાજ, કઠોળ, મગફળી અને ઘોડાજીરું જેવી ખેતીની પેદાશો માટેનું વર્ષોથી આ મહત્વનું વેપારી મથક રહેલું હોવાથી 1955માં અહીં માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવેલું છે, તેથી આજુબાજુના વિસ્તાર માટે ખરીદ-વેચાણ-કેન્દ્ર બની રહ્યું છે. વેપારની અનુકૂળતા માટે અહીં પાંચ રાષ્ટ્રીયકૃત બૅન્કોની શાખાઓ શરૂ થઈ છે. એક જિલ્લા સહકારી બૅંક અને જમીન વિકાસ બૅંક પણ છે. આ બૅંકો વેપાર, ઉદ્યોગ, ખેતી વગેરે માટે ધિરાણ આપે છે.

બનાસ ડેરી, પાલનપુર

આ જિલ્લો ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત છે. અહીં ઔદ્યોગિક વસાહત આવેલી છે, તેમાં 35 જેટલા પ્લૉટો છે. અહીં હળવા ઇજનેરી ઉદ્યોગો, તેલ અને દાળ મિલ, કાગળ, ઍલ્યુમિનિયમનાં વાસણો, મોટરના છૂટક ભાગો, પ્રક્રિયા કરેલ ખાદ્ય વસ્તુઓ, લોખંડનું ફર્નિચર, પૂઠાં અને લાકડાનાં ખોખાં, ઇસબગુલ અને પિકર્સનાં કારખાનાં છે. 1969થી અહીં બનાસ ડેરી શરૂ થઈ છે, તે દૂધ અને ઘીનું વેચાણ કરે છે. હીરા અને અત્તરનો ગૃહઉદ્યોગ અહીં વર્ષોથી ચાલે છે.

અમદાવાદ-દિલ્હી જતો 15 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. આ શહેર અમદાવાદ, રાધનપુર, ડીસા, દાંતા, વડગામ, સિદ્ધપુર, પાટણ, થરાદ, અંબાજી વગેરે સાથે રાજ્ય-કક્ષા અને જિલ્લા કક્ષાના માર્ગોથી જોડાયેલું છે. રાજ્ય-પરિવહન માટેનું જિલ્લા-કક્ષાનું તે મથક છે. રાજપૂતાના-માળવા રેલમાર્ગનો ફાંટો પાલનપુરથી આબુ 1879માં, ડીસા-પાલનપુરને જોડતો રેલમાર્ગ 1893માં અને ડીસા દ્વારા કંડલા સાથે જોડતો રેલમાર્ગ 1952માં અસ્તિત્વમાં આવેલા છે.

1991માં આ શહેરની વસ્તી  અંદાજે 1,41,592 (2011) જેટલી હતી. વેપાર-ઉદ્યોગની વિકાસવૃદ્ધિને કારણે વસ્તીવધારો થયો છે. અહીં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, અધ્યાપન-મંદિર, ટૅકનિકલ હાઈસ્કૂલ, જિલ્લા-પુસ્તકાલય, વિક્ટોરિયા લાઇબ્રેરી જેવી સંસ્થાઓ આવેલી છે.

અહીં માનસરોવર તળાવ, નવાબી શાસન દરમિયાન બંધાયેલો કીર્તિસ્તંભ, અનુશ્રુતિ પ્રમાણે સિદ્ધરાજે બંધાવેલું પાતાળેશ્ર્વર શિવમંદિર, મીઠી વાવ, સંવત 1274 અને સં. 1331માં બંધાયેલાં પાર્શ્વનાથ અને શાંતિનાથનાં જૈનમંદિરો, કવિ અને સૂફી સંત અનવર કાઝી તથા સંત મીર મુરશિદની દરગાહો જોવાલાયક છે.

શિવપ્રસાદ રાજગોર