પાલતુ પ્રાણી : માણસ દ્વારા અનેકવિધ હેતુઓ માટે પાળવામાં આવતાં પ્રાણી. પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા એવી છે કે અપવાદરૂપ પ્રાણી જ અલિપ્ત કે એકલદોકલ પરિસ્થિતિમાં જીવતું જોવા મળે છે. મોટેભાગે પ્રાણીઓ નાનામોટા સમાજો રચીને એકબીજાને આધારે જીવે છે. માનવી વિશિષ્ટ પ્રાણી છે. ઉત્ક્રાંતિનાં પાછલાં વર્ષોમાં તેની બુદ્ધિનો વિકાસ થયો; પણ દૃષ્ટિ, ઘ્રાણ, શ્રવણ, દોડ, સ્વરક્ષણ આદિ ક્ષેત્રે અન્ય પ્રાણીઓ સ્પર્ધામાં આગળ નીકળી ગયાં. પરિણામે માણસે બીજાં પ્રાણીઓ સાથે વિશિષ્ટ સહકાર સાધીને પોતાની ક્ષતિઓનું નિવારણ કરવા વિચાર્યું. તેણે બીજાં પ્રાણીઓમાંથી પસંદગીનાં પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. પ્રાણીપાલનના હેતુઓના બે મુખ્ય વર્ગ પાડી શકાય : એક, કેવળ શોખ કે આનંદ ખાતર પળાતાં પ્રાણી. માણસ તેમનો સહવાસ પસંદ કરે છે માટે તેમને પાળે છે; દા.ત., કૂતરાં, બિલાડાં, સસલાં, હેમ્સ્ટર પ્રકારનો ઉંદર, કાચબા, પોપટ, મેના, કાકાકૌવા, બજરીગર પક્ષી તથા એ પ્રકારનાં અન્ય પ્રાણીઓ. ખાસ કરીને બાળકોને મિત્ર તરીકે આવાં પ્રાણીઓ પાળવાનું બહુ ગમે છે. બીજો વર્ગ એવાં પ્રાણીઓનો છે જે કોઈ ને કોઈ વિશેષ લાભની દૃષ્ટિથી પાળવામાં આવે છે; ઉદાહરણ તરીકે, દૂધ માટે ગાય તથા ભેંસ; ખેતીનાં વિવિધ કામો માટે બળદ, પાડા તથા ઘોડા; પરિવહન માટે ઘોડા, ઊંટ અને ગધેડા; પહાડી પ્રદેશોમાં ભારવહન માટે ખચ્ચર, ટટ્ટુ તથા ઘોડા; રણપ્રદેશમાં સર્વોપયોગી ઊંટ; ગાઢ જંગલોમાં ઇમારતી કાષ્ઠ માટે હાથી (જે રાજમહેલો તથા મંદિરોની શોભા માટે પણ પળાય છે.); જે રાજમહેલો તથા મંદિરોની શોભા માટે પણ પળાય છે; યુદ્ધમાં વિશેષ કામો માટે ઘોડા, ખચ્ચર, ગધેડાં તથા ઊંટ (પહેલાં હાથી પણ વપરાતા); દક્ષિણ અમેરિકામાં ઍન્ડિઝ પર્વતમાળા તથા પાટાગોનિયાના પ્રદેશોમાં ઊંટના કુળનાં લામા, આલ્પાકા તથા વિકુના જેવાં પ્રાણીઓ; તો ઉત્તર હિમાચ્છાદિત પ્રદેશોમાં સ્લેજ નામની પૈડાં વિનાની લપસણી ગાડી ખેંચવા રેનડિયર નામનાં હરણ તથા હસ્કી નામના કૂતરા; રણવાસી લોકો માટે ઊંટ કેવળ ભારવહન માટેનું નહિ, પણ કામધેનુ જેમ બધી વાતે ઉપયોગી પ્રાણી છે. તે જ રીતે એસ્કિમો જાતિ માટે રેનડિયર કામધેનુ છે. ખેલ દ્વારા મનોરંજન માટે પ્રાણીનો ઉપયોગ હવે કાયદાથી લગભગ બંધ પડ્યો છે.

પ્રાણી પાળવાનો આરંભ આશરે 20,000 વર્ષ પૂર્વે થયો. પુરાતત્વની માહિતી અનુસાર જુદા જુદા સમયે જુદાં જુદાં પ્રાણીઓ પળાતાં થયાં. તેમની વિગત આ પ્રમાણે છે. (અહીં વર્તમાન પૂર્વેનાં વર્ષ આપેલાં છે. વર્તમાન એટલે ઈ. સ. પૂ. 2000).

પ્રાણીનું નામ સમય, વ.પૂ. પ્રદેશ
હંસ (ગ્રેલેગ) 20,000 પશ્ચિમ એશિયા, અગ્નિ યુરોપ
કૂતરું 12,000/11,000 ઇઝરાયલ, ઇરાક, અફઘાનિસ્તાન
બકરી 11,000/10,000 અફઘાનિસ્તાન, ઈરાન
ઘેટું 11,000/10,000 અફઘાનિસ્તાન, ઈરાન
ગાય 9,000/8,000 આનાતોલિયા, તુર્કી, ભારત, થાઈદેશ
ભુંડ 9,000/8,000 ચીન, થાઈદેશ
ભેંસ 9,000/8,000 ચીન, થાઈદેશ
કૂકડો 9,000/8,000 ભારત
ઘોડો 7,000/6,000 યુક્રેન
આલ્પાકા, લામા 7,000/6,000 પેરૂ
ગધેડું 5,000 ઇઝરાયલ
ઊંટ 5,000 અરબસ્તાન, ઈરાન
હાથી 5,000 ભારત
બતક, હંસ 5,000 યુરોપ, પ. એશિયા
બિલાડી 4,500 ઇજિપ્ત
યાક 4,500 તિબેટ
રેન્ડિયર 2,500 મધ્ય-ઉત્તર એશિયા
સસલું 1,000 યુરોપ

બંસીધર શુક્લ