પાલઘાટ (પલક્કડ) : દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામનું શહેર. જિલ્લો : ક્ષેત્રફળ : 4,480 ચોકિમી. વસ્તી : 2011 મુજબ 28,10,892ની છે. આ જિલ્લાની ઉત્તરે મલ્લાપુરમ્ જિલ્લો, નૈર્ઋત્યમાં ત્રિચુર જિલ્લો અને પૂર્વમાં તમિળનાડુ રાજ્ય આવેલાં છે. જિલ્લાનો સમગ્ર વિસ્તાર પશ્ચિમ ઘાટના પર્વતો અને અરબી સમુદ્રના કિનારાનાં મેદાનો વચ્ચે આવેલો છે. પશ્ચિમ ઘાટના પર્વતો જિલ્લાના દક્ષિણ-પૂર્વના અંદરના ભાગ સુધી વિસ્તરેલા છે. પશ્ચિમ તરફ 80 કિમી. દૂર આવેલ પોન્નાની નદી જિલ્લાના બહારી બંદર (outport) તરીકે ઉપયોગમાં લેવાય છે. – ઉત્તર તરફ ભવાની નદી આવેલી છે. પશ્ચિમ ઘાટના પર્વતવિભાગો, નીચાણવાળા પ્રદેશો અને ખીણપ્રદેશો સઘન ખેતીનો પ્રદેશ બની રહેલા છે, ત્યાં નાળિયેર, કાજુ, ટેપીઓકા, કેળાં, મરી, ડાંગર, આદુ, શેરડી અને શાકભાજી વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

શહેર : પાલઘાટ (પલક્કડ) શહેર (સ્થાન : 10o 45′ ઉ. અ., 76o 40’ પૂ. રે.) જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. વસ્તી : 1.31 લાખ (2011) તે પોન્નાની નદી પર આવેલું છે. તે પશ્ચિમ ઘાટની પર્વતશ્રેણીઓની ખાંચમાં આવેલું હોવાથી તે માર્ગને ‘પાલઘાટ ગૅપ’ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે વેપારને લગતું વિશિષ્ટ મહત્વ ધરાવે છે અને તેથી આજુબાજુના વિસ્તાર માટેનું અનાજ, તમાકુ, કાપડ અને લાકડાં માટેનું મુખ્ય બજાર બની રહેલું છે. આ ઉપરાંત, તમાકુની પ્રક્રિયા, ડાંગર છડવાની મિલ, કાપડવણાટ અને અન્ય હળવા ઉદ્યોગોનું અગત્યનું સ્થાન બનેલું છે. અહીં ઇજનેરી કૉલેજ તેમજ સરકારી વિક્ટોરિયા કૉલેજ આવેલી છે. નદીને પાર ઉત્તર બાજુએ ઓલેવાકોડ રેલવે-જંક્શન છે. અહીં 1790માં અંગ્રેજોએ જીતી લીધેલ પુરાણો ઐતિહાસિક કિલ્લો આવેલો છે.

પાલઘાટ ગૅપ : પશ્ચિમ ઘાટની આરપાર જતો કુદરતી પહાડી માર્ગ. તે ઉત્તરે આવેલ નીલગિરિની ટેકરીઓ અને દક્ષિણે અનામલાઈની ટેકરીઓ વચ્ચે આવેલો છે. તેની પહોળાઈ આશરે 32 કિમી. જેટલી છે. પહોળા કરેલા બે પગની જેમ તે પથરાયેલો છે. તેથી કેરળ અને તમિળનાડુ રાજ્યો વચ્ચે અવરજવરની અનુકૂળતા છે. અહીંથી પસાર થતાં ધોરી માર્ગ તેમજ રેલવે એક તરફ કેરળ અને બીજી તરફ તમિળનાડુનાં કોઇમ્બતુર અને પોલ્લાચીને જોડે છે. પર્વતોમાં રહેલી આ કુદરતી ખાંચને કારણે દક્ષિણ ભારતની આબોહવા પર અસર પહોંચે છે; નૈર્ઋત્યમાંથી વાતા મોસમી પવનો અને બંગાળના ઉપસાગરમાંથી ઉદભવતાં વાવાઝોડાંની અસર આ માર્ગની આરપાર વરતાય છે.

ગિરીશ ભટ્ટ