પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો.

પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને ત્યાં તો અનામંત્રિત  પણ જવાય એવું વિચારીને, પતિની અનિચ્છા છતાં, સતી આ મહાયજ્ઞમાં ગયાં. દક્ષે શંકરને યજ્ઞભાગ તો ન આપ્યો, પણ મહાદેવની નિંદા કરી. સતી માટે આ બધું અસહ્ય નીવડ્યું અને યોગપ્રભાવથી ત્યાં જ તેમણે દેહત્યાગ કર્યો.

શિવને જાણ થતાં, એમના ગણોએ દક્ષને હણીને યજ્ઞનો નાશ કર્યો; પરંતુ સતીના અવસાનથી શિવનું ચિત્ત વિરક્ત થઈ ગયું અને એ તો પરબ્રહ્માનુસંધાન માટે સમાધિમાં બેસી ગયા. બીજા જન્મમાં પણ એ જ પતિને પામવાની ભાવના સાથે સતી હિમાલયને ત્યાં, ‘પાર્વતી’ (પર્વતપુત્રી) તરીકે પુનર્જન્મ પામ્યાં.

યુવાન થતાં સૌન્દર્ય-સંસ્કાર-સંપન્ન પાર્વતીએ, માતા-પિતાની અનુજ્ઞા મેળવીને ભૂતપૂર્વ પતિ શિવની આરાધના આરંભી. પોતાના યૌવનમંડિત દિવ્ય દેહલાવણ્યથી શંકર અવશ્ય પ્રભાવિત થશે, એવી શ્રદ્ધા પાર્વતીને હતી; પરંતુ મહાદેવ તો સંપૂર્ણત: સંન્યસ્ત અને ધ્યાનસ્થ હતા, તેથી પરમાત્મસમાધિમાં સતત અવિકૃત અને અવિચલ રહ્યા.

પરંતુ શિવ પાર્વતીને પરણે, એમાં સર્વ દેવોને રસ હતો, કારણ કે દેવોને દમી રહેલા તારકાસુરનો નાશ શિવ-પાર્વતીનો પુત્ર જ કરી શકશે, એવું બ્રહ્માનું દેવોને અભયવચન હતું. ઇન્દ્રે કામદેવને શિવસમાધિભંગ માટે મોકલ્યો. શિવકંઠમાં મંદાકિની-કમળબીજ-માળા આરોપતાં પાર્વતીને અનુલક્ષીને પુષ્પધન્વાએ સંમોહન-નામક અમોઘ બાણ ધનુષ્યમાં સાંધ્યું. પાર્વતી-સૌંદર્ય-દર્શને ક્ષણાર્ધ લુપ્તધૈર્ય થયેલા શંકર તરત જ સ્વસ્થ થઈ ગયા, ધનુષ્ય-બાણ-સજ્જ કામદેવને જોયો, ક્રોધાવિષ્ટ થયા અને તરત જ ત્રીજા નેત્રના અગ્નિ વડે તેને ભસ્માવશેષ કરી નાખ્યો.

રૂપ-યૌવન વડે શિવને પામવામાં નિષ્ફળ નીવડેલાં પાર્વતીએ હવે તપશ્ચર્યાનું માધ્યમ અપનાવ્યું. ક્રમે ક્રમે કઠિનતર તપ કરતાં તે જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોંચ્યાં ત્યારે, બ્રહ્મચારી-વેષે ત્યાં આવેલા સ્વયં શિવને તેની પ્રેમનિષ્ઠાની પૂરી પ્રતીતિ થઈ અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈને તેમણે પ્રસન્નતાપૂર્વક એકરાર કર્યો કે ‘તારા તપથી ખરીદાયેલો હું તો તારો દાસ છું !’

પછી શિવે સપ્તર્ષિઓ દ્વારા હિમાલય સમક્ષ પાર્વતીનું માગું મોકલ્યું. વિવાહવિધિ સંપન્ન થયો. કામદેવ પુનર્જીવિત થયો. કુમાર કાર્તિકેયનો જન્મ થયો, જેણે પછી તારકાસુરનો વધ કર્યો.

દાંપત્યજીવનમાં અદ્વૈત-સૌભાગ્યના પ્રતીક તરીકે પાર્વતી પૌરાણિક પરંપરામાં અનન્ય પ્રતિષ્ઠા પામ્યાં છે.

જયાનંદ દવે