પાર્વતીકુમાર (. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી. આ શૈલીની અભિનયકૃતિઓને ઊંડાણથી શીખવા માટે પારંપરિક દેવદાસી ગૌરી અમ્મન પાસે અને પછી ભરતનાટ્યમ્ શૈલીને આધુનિક સ્વરૂપ આપનાર તાંજાવુર રાજ્યના રાજદરબારના સંગીત-નૃત્યાચાર્યોના વંશજ ગુરુ મહાલિંગમ્ પિલ્લૈ પાસે અભ્યાસ કર્યો. ભરતનાટ્યમ ઉપરાંત કથક નૃત્યશૈલી તેઓ ગુરુ રતિકાંત આર્ય અને પંડિત સુંદરપ્રસાદ પાસે શીખ્યા તેમજ કેરળના કથકલી નૃત્યનો પણ ઠીક ઠીક અભ્યાસ કર્યો.

વિવિધ શાસ્ત્રીય તેમજ લોકનૃત્યશૈલીઓનો તેમનો ઊંડો અભ્યાસ હોવાને કારણે 1943થી પોતાની નૃત્ય-નાટિકાઓના નૃત્ય-સંયોજનમાં આ બધી શૈલીઓનો તેઓ મુક્તપણે અને સુચારુ રીતે પ્રયોગ કરતા રહ્યા. ઇંડિયન નૅશનલ થિયેટરના નેજા હેઠળ તેમણે ઘણી નૃત્ય-નાટિકાઓનું અને સમૂહ-નૃત્યોનું આયોજન કર્યું; તે સર્વેમાં લોકકથા, ઇતિહાસ અને પુરાણકથાના સમન્વિત માળખાનો ઉપયોગ કર્યો છે. ‘રિધમ ઑવ્ કલ્ચર’, ‘દેખ તેરી બંબઈ’, ‘કૃષ્ણલીલા’, ‘ડિસ્કવરી ઑવ્ ઇંડિયા’ જેવી લગભગ વીસેક નૃત્ય-નાટિકાઓ તેમણે રચી; તેમાંની ‘કૃષ્ણલીલા’ અને ‘દેખ તેરી બંબઈ’ થિયેટર ડેસ નૅશન્સ ફેસ્ટિવલ, પૅરિસ ખાતે 1959માં પ્રસ્તુત કરાઈ હતી.

દક્ષિણના તાંજાવુરમાં મરાઠા રાજાઓએ પોતે પોતાના રાજશાસન દરમિયાન ત્યાંની કલાને ખાસ કરીને નૃત્યને પ્રોત્સાહન આપવા નૃત્ય-સંગીતરચનાઓ કરી હતી, તેમનો ઊંડાણપૂર્વક સંશોધનાત્મક અભ્યાસ કરવા અને તે શૈલીમાં તાલીમ આપવા 1968માં તેમણે ‘તાંજાવુર નૃત્યશાળા’ની સ્થાપના કરી. તાંજાવુરના સરસ્વતી મહાલ ગ્રંથાલયમાંની અનેક હસ્તપ્રતો અને તામ્રપત્રોનો અભ્યાસ કરી સત્તરમી સદીના મરાઠા રાજા સરફોજી બીજા દ્વારા કરાયેલાં નિરૂપણોનો અભ્યાસ કર્યો અને તેમનું નૃત્ય-સંયોજન કર્યું. આ સંશોધનને આધારે તેમણે તૈયાર કરેલ પુસ્તક મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સંસ્કૃતિ મંડળે પ્રકાશિત કર્યું છે.

ભારત સરકાર દ્વારા નૃત્ય-સંયોજનના શિક્ષણ અર્થે તેઓ 1969માં હંગેરી અને રુમાનિયાની મુલાકાતે ગયા, જ્યાં તેમણે નૃત્યનાટિકાનાં વિવિધ પાસાંનો ઊંડાણથી અભ્યાસ કર્યો.

યુવાકલાકારોની પસંદગી માટે કેન્દ્રીય શિક્ષણખાતા હેઠળની સમિતિના અને કેન્દ્રીય સંગીતનાટક અકાદમીની કારોબારી સમિતિના તેઓ સભ્ય રહ્યા છે. બાળકો દ્વારા જ ભજવાયેલી અનેક સફળ નૃત્ય-નાટિકાઓનું તેમણે આયોજન કર્યું છે. ‘આવિષ્કાર’ સંસ્થાના ‘ચંદ્રશાળા’- બાળવિભાગ માટે ‘સોના ઔર સાત બૌને’, ‘બિલ્લી મૌસી કી ફજીહત’, ‘સહૃદભેદ’, ‘અપના હાથ જગન્નાથ’ અને ‘દુર્ગા ઝાલી ગૌરી’ જેવી સુંદર હિંદી-મરાઠીભાષી નૃત્યનાટિકાઓ તેમણે રચી છે. ‘ભારત કી કહાની’ તથા ‘બાઈ 1951’ – આ બે કૃતિઓ પણ તેમની જ છે. બાળચલચિત્રો ‘કાલે ગોરે’ અને ‘સુદીગતાલુ’નું નૃત્ય-દિગ્દર્શન તેમણે કર્યું છે.

નૃત્ય-સંયોજન અને નૃત્ય-દિગ્દર્શન બદલ કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા 1981માં તેમને એવૉર્ડ અપાયો હતો. તે અગાઉ 1979માં મહારાષ્ટ્ર રાજ્યનો ઍવૉર્ડ અને ઇચલકરંજી ફાઉન્ડેશન દ્વારા એફ.આઇ. ઇ. ઍવૉર્ડ પણ તેમને અપાયા છે. આ ઉપરાંત, 1996માં ઇન્ટરનૅશનલ પીસ ઍન્ડ ફ્રેન્ડશિપ ઍસોસિયેશન દ્વારા તેમને વિશિષ્ટ નાગરિક ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રકૃતિ કાશ્યપ