પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે તે રૅફેલનો મહત્વનો અનુગામી ચિત્રકાર બની રહે છે. આ ઉપરાંત કરેજિયો અને પોર્દેનોનેની અસર પણ તેની ઉપર છે. રોમમાં તે ચિત્રકલામાં વ્યસ્ત હતો, ત્યારે 1527માં તેની ધરપકડ થઈ. પણ તે ભાગીને બલૉન્ય ગયો અને ત્યાંથી વેરોના અને વેનિસ ગયો. 1530માં પાર્મમાં પાછો ફર્યો. જિંદગીનાં છેલ્લાં દસ વરસ પાર્મમાં ભીંતચિત્રો દોરવામાં ગાળ્યાં. 1531માં તેણે આ કામ શરૂ કરવાનું હતું; છતાં 1539 સુધી નહિવત્ પ્રગતિ થતાં સત્તાધીશોએ તેને કરારભંગ બદલ જેલમાં પૂર્યો.
તેનાં ચિત્રો અને તેથી પણ વધુ તો એચિંગ ખૂબ જ પ્રખ્યાત થયાં અને ઇટાલી તેમજ ઉત્તર યુરોપમાં તેમનો ખૂબ પ્રભાવ રહ્યો. તેની માનવઆકૃતિઓ લાંબાં ગળાં અને લાંબા હાથ ધરાવે છે. ફ્લૉરેન્સના ઊફિત્ઝી મ્યુઝિયમમાં આવેલું ‘મેડૉના વિથ લાગ નેક’ને તેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ ચિત્ર ગણે છે. પોતાને અનુકૂળ મૉડલ મળતાં પાર્મિજિયાનીનો આધ્યાત્મિક દૃષ્ટિથી વ્યક્તિચિત્રો કરી શકતો. પાર્મિજિયાનીનોની ચિત્રશૈલીને રોમની દરબારી શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાછળથી તે ફ્રેંચ દરબારમાં પણ ખૂબ પ્રચલિત થઈ.
અમિતાભ મડિયા