પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં.

તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી ખાંચ હોય છે. પર્ણો અનિયમિતપણે છેદન પામેલાં અને બંને સપાટીએ રોમમય હોય છે. તેને સ્પર્શ કરતાં ખંજવાળ આવે છે. પુષ્પો સફેદ રંગનાં હોય છે અને મુંડક (head) પ્રકારનો પુષ્પવિન્યાસ બનાવે છે. તે શાખાના અગ્રભાગે અપરિમિત રીતે ગોઠવાયેલાં હોય છે. પવનની ગતિ સાથે સફેદ રંગનો પુષ્પવિન્યાસ સેવકની જેમ નમસ્કાર કરતો ઝૂકે છે તેથી તેને વ્યંગમાં ‘કૉન્ગ્રેસ ઘાસ’ કહે છે. ફળ ઘેરા રંગનાં અને ચપટાં, બીજ કદમાં નાનાં અને ભ્રૂણપોષી હોય છે. તે સૂક્ષ્મ ભ્રૂણ ધરાવે છે.

આ વનસ્પતિના વિકિરણની સાથે ચામડીના રોગનું પ્રમાણ વધ્યું છે. તેની પરાગરજથી પણ દમ અને ઉધરસનું પ્રમાણ વધ્યું છે. તેનું વિકિરણ સંવેષ્ટન-દ્રવ્ય તરીકે થતું હોવાથી ઝડપી બન્યું છે. માળી તેનાં ફૂલ અને પર્ણોનો ઉપયોગ કલગી અને ગજરો બનાવવામાં કરે છે.

તેનાં મૂળ સ્વાદે કડવાં હોય છે. તેમાં પાર્થેનીન નામનો કડવો ગ્લાયકોસાઇડ રહેલો છે. તેનાં મૂળને છૂંદી બનાવાતો ક્વાથ મરડામાં ઉપયોગી છે. તે શક્તિપ્રદ, જ્વરઘ્ન, પીડાહારક, ઊલટીનું અને ચેતાતંતુઓની પીડાનું શમન કરનારી વનસ્પતિ છે. તેમાં વિશિષ્ટ પ્રકારનું વૃદ્ધિતત્વ હોવાની શક્યતા છે. તેનો ઉપયોગ બીજા પાકની વૃદ્ધિ માટે થઈ શકે તેમ છે.

જૈમિન વિ. જોશી