પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)

January, 1999

પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence) : પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિનું સંભવત: અસ્તિત્વ. પૃથ્વી ઉપર માણસ, પશુ-પંખીઓ, વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, પણ અન્ય ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પ્રતીતિ થઈ નથી કે કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. તે છતાં, કોઈ અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિની સંભાવનાને એકદમ નકારી કાઢવા માટે કોઈ કારણ નથી.

બ્રહ્માંડ-વિજ્ઞાનને લગતી ઘણી માહિતી આજકાલ સાંપડવા લાગી છે. વિશ્વનાં ઉત્પત્તિ અને વિકાસનો ઐતિહાસિક અભ્યાસ પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જીવાશ્મો (fossils) એટલે કે પ્રાણીવનસ્પતિજન્ય ખનિજોનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વીનો ભૂસ્તરશાસ્ત્રીય (geological) અભ્યાસ પણ વિગતવાર થઈ રહ્યો છે. આ બધા વિવિધ અભ્યાસને અંતે વિજ્ઞાનીઓ એવી માન્યતા ઉપર આવી શક્યા છે કે અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હોવાની સંભાવના છે.

કેટલાક વિજ્ઞાનીઓ પાર્થિવેતર જીવસૃષ્ટિના અસ્તિત્વના પુરાવા એકઠા કરવા અવિરતપણે અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રયત્નોને ‘સેટી’ (SETI) એટલે કે પાર્થિવેતર જીવસૃષ્ટિની ખોજ (Search for Extraterrestrial Intelligence) કહે છે. પાર્થિવેતર જીવસૃષ્ટિની ખોજ કરતા વિજ્ઞાનીઓ આ અભ્યાસ માટે જુદી જુદી ટૅકનિક અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે; જેમ કે જંગી રેડિયો-ટેલિસ્કોપનો ઉપયોગ. આવા રેડિયો-ટેલિસ્કોપ વડે આકાશનો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસમાં જુદી જુદી રેડિયો-આવૃત્તિનો ઉપયોગ થાય છે અને બીજા કોઈ ગ્રહ ઉપરથી આવતા રેડિયો-તરંગો ઝીલવાની મથામણ ચાલુ છે. પૃથ્વી ઉપર, જે રીતે, વિવિધ હેતુઓ માટે રેડિયો-તરંગોનું પ્રસારણ કરવામાં આવે છે, તેમ સંભવત: અન્ય ગ્રહ ઉપરથી, જો આપણા જેવી જીવસૃષ્ટિ હોય તો રેડિયો-તરંગોનું પ્રસારણ થતું હોય. આવા રેડિયો-તરંગો જો પૃથ્વી ઉપર આવતા હોય અને કદાચ વિજ્ઞાનીઓ વડે તે ઝીલી શકાય તો આને આધારે અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિના અસ્તિત્વનો અણસાર મળી શકે. તે રીતે પાર્થિવેતર સંસ્કૃતિના રેડિયો-સંકેતો પકડવા કોશિશ કરવામાં આવી રહી છે. પાર્થિવેતર જીવસૃષ્ટિના અસ્તિત્વના નક્કર પુરાવા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે; જેમ કે, વિશ્વમાં વિકિરણના કુદરતી સ્રોત, પૃથ્વી ઉપરથી કરવામાં આવતા સંચારણના સંકેતો અને બીજા ગ્રહ ઉપરથી સંકેતો આવતા હોય, તો એકબીજા વચ્ચે આંતરક્ષેપ (interference) થાય છે. ઉપરાંત તારાઓ વચ્ચે પુષ્કળ અંતર હોય છે, તેથી તેમની વચ્ચે સાંકેતિક સંદેશોઓના આવન-જાવનમાં ઘણો સમય લાગે છે. પાર્થિવેતર સંસ્કૃતિના સંદેશા ઝીલવા માટે આપણી પાસે કોઈ નિશ્ચિત પ્રયુક્તિ નથી. બીજી જીવ-જાતિઓ (species) સાથે સંપર્ક થઈ શકે તો તે ઘટના અત્યંત રોમાંચક હશે અને જીવનનું નવું જ અર્થઘટન કરવાની તક મળશે. બીજી જીવ-સૃષ્ટિ સાથેનો સંપર્ક અણધાર્યા સંઘર્ષો પણ લાવી શકે છે. આ સાથે અંગત માન્યતાઓમાં ધરખમ ફેરફારો થવા પણ વકી છે.

પ્રખર બ્રહ્માંડવિજ્ઞાની સ્ટીફન હૉકિંગ સૃષ્ટિ અંગેનો માનવકેન્દ્રી સિદ્ધાંત (anthropic principle) આપતાં કહે છે કે માનવના અસ્તિત્વને કારણે જ વિશ્વ જેવું છે તેવું દેખાય છે. આ સિદ્ધાંત મુજબ માનવ ન હોય તો વિશ્વનું કોઈ મહત્વ નથી, કારણ કે તો પછી વિશ્વનો અભ્યાસ જ કોણ કરે ? ઉપરાંત અવકાશ અને/અથવા સમયની દૃષ્ટિએ વિશાળ અથવા અનંત વિશ્વમાં જીવસૃષ્ટિના વિકાસ માટેની જરૂરી શરતોનું પાલન માત્ર મર્યાદિત વિસ્તારમાં થાય છે. આવો વિસ્તાર એક તો પૃથ્વી છે. માનવકેન્દ્રી સિદ્ધાંતને આધારે વિશાળ વિશ્વમાં પૃથ્વી જેવા બીજા વિસ્તારો સંભવિત છે. એટલે પાર્થિવેતર જીવસૃષ્ટિની સંભાવનાને નકારી શકાય નહિ.

પ્રહલાદ છ. પટેલ