પાર્થસારથિ, ગોપાલસ્વામી (. 7 જુલાઈ 1912, ચેન્નઈ; . 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી ‘ધ ટાઇમ્સ’માં જોડાઈ પત્રકારના વ્યવસાયમાં પદાર્પણ કર્યું. 1936માં ભારત આવી ‘ધ હિન્દુ’ના સહાયક તંત્રી થયા. તેમના ઉદ્દામ વિચારો ભરેલા લેખોએ નહેરુનું ધ્યાન ખેંચ્યું. અંગ્રેજી શાસનમાં ગોપાલે કેટલાયે સામ્યવાદી બિરાદરોને આશરો  પૂરો પાડ્યો; ભૂગર્ભપ્રવૃત્તિમાં પણ સહાય કરી.

ગોપાલસ્વામી પાર્થસારથિ

1949માં લંડનમાં હિન્દી પ્રેસ ટ્રસ્ટ(પીટીઆઈ)ના પ્રતિનિધિ તરીકે તેઓ વી. કે. કૃષ્ણમેનનના પરિચયમાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધના સમયમાં ગોપાલે સામ્રાજ્યવાદ-વિરોધી ઉગ્ર લેખો લખ્યા તેથી પ્રભાવિત થઈ નહેરુએ 1954માં તેમને હિંદીચીન ખાતેના આંતરરાષ્ટ્રીય અધીક્ષણ અને નિયમન પંચના અધ્યક્ષપદે નીમ્યા. 1965માં સંયુક્ત રાષ્ટ્રો ખાતે ભારતના સ્થાયી દૂત નિમાયા. ત્યાં સુધીમાં તેઓ ઇન્ડોનેશિયા, ચીન, વિયેતનામ અને પાકિસ્તાનમાં રાજદૂત રહ્યા. તેઓ ન્યૂક્લિયર પરીક્ષણો(nuclear tests)ના વિરોધી હતા. પાકિસ્તાન તથા ચીન સાથે નમતું જોખવાના આગ્રહી હતા. અનાક્રમણ સંધિનો પ્રસ્તાવ તેમણે સુઝાડ્યો. 1969માં ઇંદિરા ગાંધીએ તેમને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ નીમ્યા. પ્રારંભે તેમણે નહેરુના ન્યૂક્લિયર પરીક્ષણવિરોધી મંતવ્યને સમર્થન આપ્યું. પણ, ઇંદિરા ગાંધીના શાસનમાં તેમણે સાવ વિરુદ્ધ વર્તન દાખવી પોખરણના 1974ના પરીક્ષણમાં તથા ઇંદિરા ગાંધીના કટોકટી શાસનના અત્યાચારોમાં સક્રિય સહકાર આપ્યો. આમ સિદ્ધાંત કરતાં સ્વામીભક્તિને વધારે મહત્વ આપ્યું. પાકા સામ્યવાદી હોવાને કારણે હિંદુ ધર્મ પ્રત્યે તેમણે ભારે સૂગ સેવી. યજ્ઞોપવીતનો ત્યાગ કરી, ઘરના સભ્યોના વિરોધની અવગણના કરી સબૂર મૂંગાશેઠ નામની પારસી યુવતી સાથે લગ્ન કર્યું અને પુત્ર અશોકને પોતાની પાછળ શ્રાદ્ધતર્પણ નહિ કરવાની સૂચના પણ આપી.

83 વર્ષની વયે તેમનું અવસાન થયું.

બંસીધર શુક્લ